આપણે શ્રી ભદ્રિયા માતાજી મંદિરના લગભગ 200 વર્ષ જૂના માળખાની નીચે જેમ જેમ સીડી ઊતરતા જઈએ છીએ તેમ તેમ મંદિરના પ્રવેશદ્વાર પર ગાઈ રહેલા સંગીતકારોના અવાજો ધીમે ધીમે શમતા જાય છે. અચાનક બધા જ અવાજો સંભળાતા બંધ થઈ જાય છે - હવે આપણે જમીનથી 20 ફૂટ નીચે છીએ.
આપણી નજર સામે છે લગભગ 15000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ પુસ્તકાલયનો નજારો, રચનાની દ્રષ્ટિએ આ પુસ્તકાલય એક ભુલભુલામણી જેવું છે. સાંકડા કોરિડોરમાં થોડા થોડા અંતરે 562 અલમારીઓ હારબંધ મૂકેલી છે, તેમાં બે લાખથી વધુ પુસ્તકો છે. ચામડાથી બાંધેલા ગ્રંથો, (ઝાડની) છાલ પર લખેલી જૂની હસ્તપ્રત, હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી અને બીજા ધર્મોના પુસ્તકોની જૂની આવૃત્તિઓ અને પેપરબેકથી માંડીને કાયદા અને ચિકિત્સા, ફિલસૂફી, ભૂગોળ, ઈતિહાસ વિગેરે વિવિધ વિષયો પરના નવા-નવા પુસ્તકોનો વિશાળ સંગ્રહ અહીં મળી રહેશે. ઉત્કૃષ્ટ શિષ્ટ સાહિત્ય અને આધુનિક નવલકથાઓથી સાહિત્ય વિભાગ પણ સમૃદ્ધ છે. મોટા ભાગના પુસ્તકો હિન્દીમાં છે, કેટલાક અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ છે.
આ પુસ્તકાલયની સ્થાપના કરવાનો વિચાર પંજાબના ધાર્મિક વિદ્વાન હરવંશ સિંહ નિર્મલનો હતો. કહેવાય છે કે તેમણે જીવનના 25 વર્ષ મંદિરના પરિસરમાં એક ગુફામાં એકાંતવાસમાં ગાળ્યા હતા અને મંદિરની નીચે પુસ્તકાલય બનાવવાનું નક્કી કર્યું હતું. 2010 માં નિર્મલનું અવસાન થયું, પરંતુ તે પહેલા જ તેમણે તેમના હૃદયની સૌથી નજીકના બે કારણો - શિક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પૂરતું ભંડોળ એકત્ર કરી લીધું હતું.
શ્રી જગદંબા સેવા સમિતિના સેક્રેટરી જુગલ કિશોર કહે છે “તેઓ સાચા માનવતાવાદી હતા. બધા ધર્મોનો સાર એક જ છે: કે માણસની ચામડીનો રંગ અલગ-અલગ હોઈ શકે, વાળનો રંગ અલગ-અલગ હોઈ શકે, પરંતુ અંદરથી આપણે બધા એકસરખા જ છીએ.” આ ટ્રસ્ટ મંદિર અને પુસ્તકાલયનું સંચાલન કરવા ઉપરાંત 40000 થી વધુ ગાયો માટેની ટ્રસ્ટની ગૌશાળા પણ સંભાળે છે.






















