પ્રિયંકા મંડલે ધીમા અવાજે કહ્યું, "કાશ, બાબા અહીં મારી સાથે હોત." તેમની યાદોથી દુઃખી પ્રિયંકા ચમકતો લાલ અને સોનેરી પોશાક પહેરીને ખોળામાં ફૂલો લઈને ગુલાબી અને વાદળી પાલખીમાં બેઠા હતા, જે તેમને રજત જ્યુબિલી ગામમાં તેમના પતિને ઘેર લઈ જવાની હતી.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના આ ગામના રહેવાસી 23 વર્ષના પ્રિયંકાના લગ્ન 7 મી ડિસેમ્બર, 2020 ના રોજ એ જ ગામના 27 વર્ષના હિરણમય મંડલ સાથે થઈ રહ્યા હતા. હિરણમય બાજુમાં જ રહેતો હતો અને કોલકતામાં છૂટક કપડાંની દુકાનમાં ફ્લોર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. બંને પ્રેમમાં હતા અને તેઓએ 2019માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

પરંતુ 29 મી જુલાઈ, 2019 ના રોજ પ્રિયંકાના પિતા, 45 વર્ષના અર્જુન મંડલ, એક વાઘના હુમલામાં માર્યા ગયા ત્યારે સુંદરવનના લાહિરીપુર ગ્રામ પંચાયતના આ ગામમાં તેમના લગ્ન મોકૂફ રાખવા પડ્યા. વ્યવસાયે એક માછીમાર, અર્જુન, તે દિવસે, હંમેશની જેમ કરચલાઓનો શિકાર કરવા સુંદરવનના વાઘ અભયારણ્યની વચ્ચે આવેલા પીરખલી ગાઝી જંગલ વિસ્તારમાં ગયા હતા. તેમના મૃતદેહના અવશેષો ક્યારેય મળી શક્યા નહોતા.

જ્યારે જ્યારે અર્જુન કરચલાઓનો શિકાર કરવા જંગલોમાં જતા ત્યારે દરેક વખતે તેમના પરિવારને તેઓ સુરક્ષિત પરત ફરશે કે કેમ એવો ડર રહેતો હતો. જુલાઈ 2019 માં તેઓ શિકાર કરવા નીકળ્યા ત્યારે અર્જુનના મનમાં તેમની દીકરીના લગ્નના વિચાર ચાલતા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી શિકાર સફર બની રહેવાની હતી.

તેમના પત્ની પુષ્પાએ કહ્યું, “પ્રિયંકાના લગ્ન માટે અમારે પૈસાની જરૂર હતી. અર્જુન જંગલમાં જવાનું ટાળી શકે એમ નહોતા, પરંતુ તેમને જાણે કંઈક ખરાબ થવાનું છે એવો અણસારો આવી ગયો હતો."

PHOTO • Ritayan Mukherjee

પ્રિયંકા મંડલ તેમના લગ્ન સમારોહ પહેલા પોતાના સ્વર્ગસ્થ પિતાના ફોટાને ફૂલનો હાર પહેરાવે છે

અર્જુનના આકસ્મિક મૃત્યુથી ઘર ચલાવવાની અને તેમની દીકરી પ્રિયંકા અને દીકરા રાહુલનું ધ્યાન રાખવાની જવાબદારી પુષ્પાને એકલીને માથે આવી પડી. તેઓ કહે છે, "પ્રિયંકાના લગ્ન એ તેના પિતાનું સ્વપ્ન હતું. મને ખબર હતી કે એ સ્વપ્ન મારે કોઈપણ ભોગે પૂરું કરવાનું છે." તેઓએ પૂછ્યું, "મારે એને (મારી દીકરીને) ક્યાં સુધી રાહ જોતી બેસાડી રાખવી?" આ લગ્નમાં - ઉંમરના 30 મા દાયકાના અંતમાં પહોંચેલા પુષ્પા માટે ખૂબ જ ભારે રકમનો - અંદાજે 170000 રુપિયાનો - ખર્ચ થયો.

અર્જુનના અવસાનનો આઘાત, પરિવારની ચિંતાજનક આર્થિક સ્થિતિ અને તેમના બાળકોની જવાબદારી એકલે હાથે સાંભળવાને કારણે પુષ્પાના સ્વાસ્થ્યને ભારે અસર પહોંચી. તેઓ તીવ્ર માનસિક તણાવ અનુભવવા લાગ્યા અને હતાશ થઈ ગયા.  20 મી મે, 2020 ના રોજ આવેલ ચક્રવાત અમ્ફાનને કારણે પરિસ્થિતિ વધારે વણસી. અને કોવિડ -19 મહામારીએ ફક્ત તેમના તણાવ અને ચિંતાઓને વધુ ઘેરાં બનાવ્યાં. તેમના લોહીના દબાણમાં (બ્લડ પ્રેશરમાં) વધઘટ થવા લાગી અને પૌષ્ટિક ભોજનના અભાવે તેમને લોહતત્ત્વની ખામી ઊભી થઈ. પુષ્પાએ કહ્યું, “લોકડાઉન દરમિયાન ઘણા દિવસો એવા હતા જ્યારે અમે સરખું ખાધું પણ નહોતું."

પિતાના મૃત્યુ પછી માત્ર 20 વર્ષના રાહુલ પણ પરિવાર માટે વધુ કમાણી કરવાના દબાણ હેઠળ હતા. તેમણે ખેતરોમાં અને બાંધકામના સ્થળોએ દાડિયા મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની માતાની કથળતી જતી તબિયતે તેમને વધુ મહેનત કરવા મજબૂર કર્યા. લોકડાઉનના કારણે તેમના કામને અસર પહોંચી તે પહેલાના થોડા મહિનાઓમાં નાના-મોટા કામ કરીને રાહુલે 8000 રુપિયા ભેગા કર્યા હતા - જે તમામ તેમણે આ લગ્ન પાછળ ખર્ચ્યા.

પુષ્પાને તેમનું - માત્ર બે નાનકડા રૂમ અને એક રસોડાનું - ઘર - સ્થાનિક શાહુકાર પાસેથી 34 ટકાના વાર્ષિક વ્યાજ દરે લીધેલી 50000 રુપિયાની લોન માટે ગીરો રાખવાની ફરજ પડી હતી. પરિવાર છ મહિનામાં લોનની અડધી રકમ પરત કરી શકે છે તો તેમને તેની સંપૂર્ણ ચૂકવણી કરવા માટે બીજા છ મહિનાનો સમય આપવામાં આવી શકે. પુષ્પાએ કહ્યું, "મને ડર છે કે જો અમે પૈસા પાછા નહીં ચૂકવી શકીએ તો અમારે ઘર ગુમાવવા વારો આવશે. અમે તો રસ્તા પર આવી જઈશું."

પરંતુ આટઆટલી નિરાશા વચ્ચે ક્યાંક આશાની ચમક પણ છે જેને માટે તેઓ આભારી છે. તેઓ કહે છે, "હિરણમય [તેમના જમાઈ] એક સારા માણસ છે. લોકડાઉન હતું ત્યારે તેમણે અમને ખરેખર ખૂબ મદદ કરી હતી. તેઓ ઘેર આવતા, ખરીદી કરતા અને કંઈ લાવવું-લઈ જવું હોય તો આંટાફેરા કરતા. તે સમયે તો બંનેના લગ્ન પણ થયા નહોતા. તેમના પરિવારે દહેજની માંગણી પણ કરી નહોતી.

PHOTO • Ritayan Mukherjee

પુષ્પા મંડલ સ્થાનિક ઘરેણાંની દુકાનમાંથી બંગાળી નવવધૂ દ્વારા પહેરવામાં આવતી પરવાળાની બંગડીઓ, પોલા ખરીદે છે. તેઓ કહે છે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ બધું મારે જાતે એકલે હાથે કરવું પડશે'

સમારંભના દિવસે પ્રિયંકાએ તેમની લીલા, લાલ અને સોનેરી રંગની ભભકદાર સાડી પહેરી હતી, સાથે મેચ થાય એવા સોનાનાં આભૂષણો પહેર્યાં હતાં અને લગ્નનો મેક-અપ કર્યો હતો. તેમના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે તેમનું ઘર ગીરો રાખવામાં આવ્યું હતું એ બાબતની તેઓને જાણ નહોતી.

મંડલ પરિવારને ઘેર સાંજના કાર્યક્રમમાં 50 મહેમાનોએ હાજરી આપી હતી. ઝગમગતા પીળા દીવાથી સુશોભિત એ ઘર ત્યાં એકઠા થયેલા લોકો - માછીમાર પુરુષો અને મહિલાઓ, મધ એકઠું કરનારાઓ, શિક્ષકો, હોડી બનાવનારાઓ, લોક સંગીતકારો અને નૃત્ય કલાકારોને કારણે જાણે વધુ ઝળહળી ઊઠ્યું હતું. આ બધા અર્જુનને સુંદરવનના લોકો અને તેમના દુ:ખ સાથે નજીકથી સંકળાયેલ અને તેમના જીવન અને સુખાકારીની ઊંડી કાળજી લેનાર વ્યક્તિ તરીકે ઓળખતા હતા.

લગ્નની ઉજવણી માટે એકઠી થયેલી મહિલાઓમાંથી ઘણી મહિલાઓ રસોઈ બનાવી રહી હતી અને બીજી વ્યવસ્થાઓ કરવામાં મદદ કરી રહી હતી. ત્યારે એક જ સમયે અત્યંત આનંદ અને સાથે સાથે માનસિક તણાવ અનુભવી રહેલ પુષ્પા લગ્ન દરમિયાન એક કરતા વધુ વખત બેહોશ થઈ ગયાં હતાં, પરંતુ આખરે હિરણમય અને પ્રિયંકાના લગ્ન થઈ ગયા એ વાતે તેમને રાહત થઈ હતી.

એકવાર લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ પછી પુષ્પાએ લેણદારો સાથે વ્યવહાર કરવો પડ્યો - ડેકોરેટર્સ અને ઇલેક્ટ્રિશિયનને તાત્કાલિક 40000 રુપિયા ચૂકવવા પડ્યા હતા. રાહુલ કહે છે, "લોકો પૈસા માગતા આવશે ત્યારે મારી માતાની તબિયત વધુ કથળશે. હું કમાવવા માટે વધુ મહેનત કરીશ."

અર્જુનના મૃત્યુ પછી વળતર માટે કરેલી અરજી માટે પુષ્પાને સરકારી અમલદારશાહી સાથે ખૂબ સંઘર્ષ કરવો પડશે. વાઘના હુમલાનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારો પશ્ચિમ બંગાળ સરકારના વન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ અને રાજ્યની જૂથ વ્યક્તિગત અકસ્માત વીમા યોજના (ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ સ્કીમ) હેઠળ આશરે 4-5 લાખ રુપિયાનું વળતર મેળવવા પાત્ર છે .

PHOTO • Ritayan Mukherjee

સ્થાનિક જિલ્લા કાનૂની સહાય અધિકારી (ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી) તરફથી આવેલ એક પત્ર પુષ્પાને અર્જુનના મૃત્યુ પછીના વળતર માટેના તેમના દાવાની આગામી સુનાવણી માટે કોલકતામાં હાજર રહેવાનો નિર્દેશ આપે છે

પરંતુ આ પ્રક્રિયામાં સામેલ અમલદારશાહી ગૂંચવણો અને કાયદાકીય ખર્ચાઓ ઘણીવાર આવા અસરગ્રસ્ત પરિવારોને અરજી કરતા અટકાવે છે. પારી દ્વારા 2016 માં માહિતી અધિકાર અધિનિયમ (રાઈટ ટુ ઈન્ફર્મેશન - આરટીઆઈ ) હેઠળ અરજી દાખલ કર્યા બાદ 2017 માં હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે અગાઉના છ વર્ષમાં માત્ર પાંચ મહિલાઓએ વળતર માટે દાવો કર્યો હતો. તેમાંથી, ફક્ત ત્રણને જ વળતર મળ્યું હતું અને તેમને પણ પૂરેપૂરી રકમનું વળતર મળ્યું નહોતું.

અર્જુન કરચલાઓ પકડવા માટે ઘણી વાર સુંદરવનના આરક્ષિત ક્ષેત્રમાં જતા હતા, દરેક વખતે તેઓ 2-3 દિવસ માટે જંગલના અંતરિયાળ ભાગોમાં જતા હતા. એ કરચલાઓ ગામના એક વચેટિયાને વેચીને તેઓ 15000-30000 રુપિયા સુધીની કમાણી કરતા. કેટલી કમાણી થાય એનો આધાર તેઓ કેટલા કરચલાઓ પકડે છે એના પર રહેતો.

સુંદરવનના જંગલમાં લગભગ 1700 ચોરસ કિલોમીટરનો સૂચિત સંવેદનશીલ વાઘના વસવાટનો વિસ્તાર, અથવા અભેદ્ય મુખ્ય વિસ્તાર છે અને લગભગ 885 ચોરસ કિલોમીટરનો બફર વિસ્તાર છે. બફર વિસ્તારોમાં, વન વિભાગની પરવાનગી અને બોટ લાઇસન્સ સાથે માછલીઓ અને કરચલાઓ પકડવા અને મધ અને લાકડું એકઠું કરવા જેવી કેટલીક જીવનનિર્વાહ માટેની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ પ્રતિબંધિત વિસ્તારોમાં અતિક્રમણ કરનારે ભારે દંડ ચૂકવવો પડે છે.  વાઘના હુમલાથી મૃત્યુના કિસ્સામાં આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિનો પરિવાર વળતરના દાવા માટેનો તેમનો કાયદેસરનો અધિકાર ગુમાવી શકે છે.

સુંદરવન ગ્રામીણ વિકાસ સોસાયટી (સુંદરવન રુરલ ડેવલપમેન્ટ સોસાયટી) ના સચિવ (સેક્રેટરી) તરીકે અર્જુન મંડલ આ સંભવિત જોખમોથી સારી રીતે વાકેફ હતા. વાઘના હુમલામાં પતિના મૃત્યુને કારણે વિધવા થયેલી આ વિસ્તારની ઘણી - (સ્થાનિકો, બિન-સરકારી સંસ્થાઓ અને બીજાઓના અંદાજ મુજબ) ત્રણ દાયકામાં ઓછામાં ઓછી 3000 , અથવા વર્ષે લગભગ 100 - મહિલાઓ માટે વળતરની લડાઈ લડવામાં તેઓ સક્રિયપણે સામેલ હતા

આરક્ષિત જંગલના પ્રતિબંધિત મુખ્ય વિસ્તારમાં માછીમારી દરમિયાન અર્જુનનું મૃત્યુ થયું હોવાથી પુષ્પાને આ વળતર મળવાની શક્યતા નથી. દાવાને આગળ ધપાવવા માટે વકીલ રોકવો, કોલકતાની મુસાફરી કરવી અને દસ્તાવેજો એકઠા કરવા જરૂરી છે - અને તેમની પાસે આમાંથી કંઈ પણ કરવા માટેની શક્તિ, સ્વાસ્થ્ય અથવા પૈસા નથી, ખાસ કરીને દીકરીના લગ્ન માટે લેવામાં આવેલી લોન પછી.

રાહુલને ખબર નથી કે આ દેવા શી રીતે ચૂકવી શકાશે. તેઓ કહે છે, "અમારે ઘરની ચીજવસ્તુઓ વેચવા માંડવી પડશે." અથવા તો તેમની માતાને જેનો ડર છે એ વધુ ખરાબ પરિસ્થતિ તો એ હશે કે રાહુલને તેમના પિતાની જેમ જીવનનિર્વાહ માટે જંગલો તરફ વળવું પડશે.

PHOTO • Ritayan Mukherjee

પિતાના મૃત્યુ પછી માત્ર 20 વર્ષની ઉંમરે રાહુલ મંડલ પરિવાર માટે કમાવવાની ચિંતા અનુભવે છે: ' અત્યારે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, પરંતુ મને આશા છે કે એક દિવસ હું પરિસ્થિતિ બદલી શકીશ'

PHOTO • Ritayan Mukherjee

રાહુલ ( જમણે) અને તેમના એક સંબંધી મિથુન, બે સ્થાનિકોની મદદથી પ્રિયંકાના લગ્ન માટે ખરીદેલ અલમિરાહ ( કબાટ) હોડીમાંથી ઉતારે છે. માલવાહક હોડી ( કાર્ગો બોટ) ને સૌથી નજીકના નગર ગોસાબાથી રજત જ્યુબિલી ગામ પહોંચતા પાંચ કલાક લાગે છે

PHOTO • Ritayan Mukherjee

લગ્નની વિધિઓ શરૂ થતાં પહેલાં પ્રિયંકા સજાવટ ઉપર એક નજર ફેરવે છે

PHOTO • Ritayan Mukherjee

પુષ્પા તેમની દીકરીને તેના લગ્નના દિવસે આશીર્વાદ આપવા માટે આશીર્વાદ વિધિ કરે છે

PHOTO • Ritayan Mukherjee

લગ્નની સવારે કન્યાને પીઠી ચોળીને સ્નાન કરાવવાની પરંપરાગત વિધિ, ગયે હોલુદ વિધિમાં સંબંધીઓ પ્રિયંકા પર પાણી રેડે છે

PHOTO • Ritayan Mukherjee

બપોરે લગ્ન પહેલાંની વિધિમાં પ્રિયંકા અને તેમના સંબંધીઓ

PHOTO • Ritayan Mukherjee

હિરણમય ( વચ્ચે), તેમની અંધ ભત્રીજી ઝુમ્પા ( તેમની જમણી બાજુએ) અને પરિવારના બીજા સભ્યો લગ્ન સ્થળે જવા માટે રવાના થાય છે

PHOTO • Ritayan Mukherjee

લોક કલાકાર નિત્યાનંદ સરકાર ( ડાબેથી બીજા) અને તેમનું બેન્ડ હિરણમયના લગ્નના વરઘોડામાં સંગીત વગાડે છે

PHOTO • Ritayan Mukherjee

અર્જુન મંડલના સ્વજનો તેમના દિવંગત આત્મા માટે તર્પણ કરતી વખતે ભાંગી પડે છે

PHOTO • Ritayan Mukherjee

પુષ્પા તીવ્ર હતાશા અને ભારે માનસિક તણાવથી પીડાય છે. વિધિ દરમિયાન તેઓ એક કરતા વધુ વખત બેહોશ થઈ ગયાં હતાં

PHOTO • Ritayan Mukherjee

સંબંધીઓ પ્રિયંકાને લાકડાના પાટિયા પર બેસાડીને ઉપાડે છે અને તેને ( લગ્નની) વેદી પર લઈ જાય છે. વરને જોતાં પહેલાં પોતાનો ચહેરો ઢાંકવા માટે તેઓએ હાથમાં નાગરવેલનું પાન પકડ્યું છે

PHOTO • Ritayan Mukherjee

શુભ દૃષ્ટિ દરમિયાન પ્રિયંકા, ક્ષણ છે જ્યારે નવવધૂ વેદી પર તેના વરની સામસામે આવે છે

PHOTO • Ritayan Mukherjee

આખરે હિરણમય અને પ્રિયંકાનાં લગ્ન થઈ ગયાં છે અને એની ઉજવણીના ભાગરૂપે લોકો તેમને ગ્લિટરથી વધાવે છે

PHOTO • Ritayan Mukherjee

પ્રિયંકાના વૃદ્ધ સંબંધી હિરણમય સાથે મજાક કરે છે. મોટી ઉંમરની મહિલાઓ વરને રમતિયાળ રીતે ચીડવે એવો રિવાજ છે

PHOTO • Ritayan Mukherjee

પુષ્પા તેમની નવી પરણેલી દીકરીને આશીર્વાદ આપે છે

PHOTO • Ritayan Mukherjee

નિત્યાનંદ સરકાર તેમની રજૂઆતોથી લગ્ન સમારોહમાં હાજર મહેમાનોનું મનોરંજન કરે છે. તેઓ એક ખેડૂત તેમજ કલાકાર છે જેઓ ઝુમુર ગીતો, મા બોનબીબી નાટકો અને પાલા ગાન જેવા વિવિધ લોક કલા સ્વરૂપોની રજૂઆતો કરે છે

PHOTO • Ritayan Mukherjee

પોતાને ઘેર રાત વિતાવ્યા પછી પ્રિયંકા હિરણમયને ઘેર જવા માટે તૈયાર થાય છે

PHOTO • Ritayan Mukherjee

પુષ્પા રસોડામાં પોતાની દીકરીની વિદાયના વિચારે રડી પડે છે. તેઓ રડતા રડતા કહે છે, ' તે મારા માટે સહારો હતી. હવે તે કાયમ માટે જઈ રહી છે, હું તેના વિના શી રીતે જીવીશ?'

PHOTO • Ritayan Mukherjee

બહેન અને બનેવી જવાની તૈયારી કરે છે ત્યારે રાહુલ મંડલ તેમને ભેટતી વખતે ભાંગી પડે છે

PHOTO • Ritayan Mukherjee

આંસુભીની આંખે પ્રિયંકા પાલખીમાં બેસે છે, જે તેને તેમના નવે ઘેર લઈ જશે

વાર્તાનું લખાણ ઉર્વશી સરકારે લખ્યું છે. તેમાં પારી માટે ઉર્વશીના કામના અહેવાલનો અને રિતાયન મુખર્જીના પોતાના કામનો સમાવેશ થાય છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ritayan Mukherjee

ਰਿਤਾਯਾਨ ਕੋਲਕਾਤਾ ਅਧਾਰਤ ਫੋਟੋਗ੍ਰਾਫਰ ਹਨ ਅਤੇ 2016 ਤੋਂ ਪਾਰੀ ਦਾ ਹਿੱਸਾ ਹਨ। ਉਹ ਤਿਬਤੀ-ਪਠਾਰਾਂ ਦੇ ਖਾਨਾਬਦੋਸ਼ ਆਜੜੀਆਂ ਦੀਆਂ ਜਿੰਦਗੀਆਂ ਨੂੰ ਦਰਸਾਉਂਦੇ ਦਸਤਾਵੇਜਾਂ ਦੇ ਦੀਰਘ-ਕਾਲੀਨ ਪ੍ਰੋਜੈਕਟਾਂ ਲਈ ਕੰਮ ਕਰ ਰਹੇ ਹਨ।

Other stories by Ritayan Mukherjee
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik