“હું બધું ઠીક કરવાનો કોઈને કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરું છું.”
સુનીલ કુમાર એક ઠઠેરા (ધાતુના વાસણો બનાવનાર કંસારા) છે. “લોકો આપણી પાસે એવી વસ્તુઓ લાવે છે જેને બીજું કોઈ સુધારી શક્યું નથી હોતું. મિકેનિકો પણ ક્યારેક તેમના ઓજારો અમારી પાસે લાવે છે.”
તેઓ એવા લોકોની લાંબી હરોળમાંથી આવે છે જેઓ તાંબા, કાંસા અને પિત્તળનો ઉપયોગ કરીને રસોડાના વાસણો અને ઘરોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ધાતુના વાસણો બનાવે છે. છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહેલા આ 40 વર્ષીય કંસારા કારીગર કહે છે, “કોઈને પોતાના હાથ ગંદા નથી કરવા. હું આખો દિવસ એસિડ, કોલસા અને ગરમીમાં કામ કરું છું. હું તે કામ એટલા માટે કરું છું કારણ કે તે મારો શોખ છે.”
કંસારા (જેમને ઠઠિયારા પણ કહેવાય છે) ને પંજાબમાં ઓ.બી.સી. (અન્ય પછાત વર્ગો) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે અને તેમનો પરંપરાગત વ્યવસાય ધાતુને વિવિધ આકારોમાં ઢાળવાનો રહ્યો છે, જેમાં મજબૂત દરવાજાના હેન્ડલ્સ અને હાથના સાધનોનો ઉપયોગ કરીને બિન-લોહ સામગ્રીને આકાર આપતા તાળાઓનો સમાવેશ થાય છે. તેમના 67 વર્ષીય પિતા કેવલ કૃષ્ણ સાથે, તેઓ સમારકામમાં ઉપયોગમાં લેવાતો ભંગારનો સામાન ખરીદે છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં, સ્ટીલ જેવી લોહ સામગ્રીની વધતી લોકપ્રિયતાએ હાથથી બનાવટ કરનારાઓ માટે બાજી પલટી નાખી છે. આજે ઘરોમાં મોટાભાગના રસોડાના સાધનો સ્ટીલના બનેલા છે અને મજબૂત અને વધુ મોંઘા પિત્તળ અને તાંબાની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે.




















