જ્યારે 65 વર્ષીય મુનવ્વર ખાન પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યારે તેમને અંદરથી તેમના દીકરાની ભયંકર ચીસો સંભળાઈ. લગભગ 15 મિનિટ પછી ચીસો શાંત થઇ ગઈ. ઇઝરાયેલ ખાનના પિતાએ થોડી રાહત અનુભવી એમ વિચારીને કે પોલીસે તેમના પુત્રને મારવાનું બંધ કરી દીધું હશે.
તે દિવસની, ઇઝરાયેલ એક ધાર્મિક સભામાં ભાગ લઈને ભોપાલથી નીકળી ગયા હતા. તેઓ ત્યાંથી લગભગ 200 કિલોમીટર દૂર ગુના ખાતેના તેમના ઘેર પરત ફરી રહ્યા હતા, જ્યાં તેઓ બાંધકામ સ્થળોએ દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતા હતા.
તે સાંજે (21 નવેમ્બર, 2022) ના રોજ તેઓ ગુના પહોંચ્યા તો ખરા, પરંતુ તેમના ઘરે નહીં. ગોકુલ સિંહ કા ચોક, વસાહતમાં તેમના ઘરથી લગભગ 8 કિમી દૂર, ચાર પોલીસ અધિકારીઓએ ઇઝરાયેલ જે ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા તેને રોકી અને તેમને પકડીને લઈ ગયા.
તેમનાં મોટી બહેન, 32 વર્ષીય બાનુ કહે છે કે, જ્યારે ઇઝરાયેલની ધરપકડ કરવામાં આવી ત્યારે તે તેમનાં સાસુ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. “આ રીતે અમને ખબર પડી કે તે પોલીસ અટકાયતમાં છે.”
તેમને નજીકના કુશમુડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અહીં જ તેમના પિતા મુનવ્વરે તેમની પીડાથી ભરેલી ચીસો સાંભળી હતી, કારણ કે પોલીસ અધિકારીઓએ તેમને નિર્દયતાથી માર માર્યો હતો.
લગભગ 45 મિનિટ પછી, મુનવ્વરને ખબર પડે છે કે તેમના પુત્રનું ભયાવહ રડવાનો અવાજ એટલા માટે નહોતો શાંત પડ્યો કારણ કે પોલીસે તેમને માર મારવાનો બંધ કરી દીધો હતો, પરંતુ તેને મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેમનો પોસ્ટ મોર્ટમ અહેવાલ દર્શાવે છે કે તેઓ કાર્ડિઓરેસ્પિરેટરી ફેલ્યોર (હૃદય અને શ્વાસ બંધ થઈ જવાથી) અને માથામાં થયેલ ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા.
પાછળથી મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોમાં મધ્ય પ્રદેશ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તે 30 વર્ષીય મુસ્લિમ મજૂરને એટલા માટે અટકાયતમાં લેવામાં આવ્યો હતો કારણ કે તે કેટલાક લોકો સાથે મળીને એક જુગારીને બચાવવાના પ્રયાસમાં હતો, અને પોલીસ સાથે તેમનો મુકાબલો થયો હતો.
પરંતુ તેમનો પરિવાર આ વાતને માનવા તૈયાર નથી. ઇઝરાયેલનાં માતા મુન્ની બાઈ કહે છે, “તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તે મુસ્લિમ હતો.”
ઇઝરાયેલ પોલીસ અટકાયતમાં મૃત્યુ પામ્યા હતા તે હકીકતમાં કોઈ બીજો મત નથી. પણ તેમનું મોત કેવી રીતે નીપજ્યું તેમાં વિવાદ છે.
ગુનાના પોલીસ અધિક્ષક રાકેશ સાગર જણાવે છે કે ગુનાથી લગભગ 40 કિલોમીટર દૂર અશોક નગર ખાતે રેલવેના પાટા પરથી પડી જવાથી ઇઝરાયેલ ઘાયલ થયો હતો અને પછી પોલીસ અટકાયતમાં તેનું મૃત્યુ થયું હતું. તેઓ કહે છે, “આ ઘટના સાથે જોડાયેલા ચાર હવાલદારોને હાલ બરતરફ કરવામાં આવ્યા છે. તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ એવું બહાર આવ્યું છે કે તેઓએ કંઈ ખોટું નથી કર્યું. આગળ શું પગલાં લેવાં તે અમારો પ્રૉસિક્યૂશન વિભાગ નક્કી કરશે.”
તે જીવલેણ રાત્રે, કુશમુડા પોલીસ સ્ટેશનની પોલીસે મુનવ્વરને જણાવ્યું હતું કે ઇઝરાયેલને કેન્ટ ખાતેના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચ્યા પછી, તેઓએ તેમને જાણ કરી કે ઇઝરાયેલની તબિયત બગડી છે અને તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. બાનુ કહે છે, “અમને અંદાજ આવી ગયો કે ચોક્કસ કંઈક ગડબડ છે. તેના આખા શરીર પર ઉઝરડા હતા. તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.”
ઇઝરાયેલનાં માતા, મુન્ની બાઈ વસાહતમાં તેમના એક ઓરડાના સાધારણ મકાનમાં બેસીને વાતચીત સાંભળી રહ્યાં છે, અને પોતાનાં આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમનું ઘર ત્રણથી ચાર નાના કોંક્રીટના ઓરડામાંનું એક છે જે દરવાજાવાળા કમ્પાઉન્ડની અંદર બે સામાન્ય શૌચાલય ધરાવે છે.
મુન્નીબાઈ ખૂબ મહેનત પછી વાતચીત કરવા સક્ષમ બને છે. જ્યારે પણ તેઓ બોલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ રોઈ જાય છે. પરંતુ તેઓ પોતાની વાત કહેવા માંગે છે. તેઓ કહે છે, “આજકાલ મુસ્લિમોને નિશાન બનાવવું સરળ બની ગયું છે. વાતાવરણ એવું છે કે અમે બીજા દરજ્જાના નાગરિકો બની ગયા છીએ. અમને મારી પણ નાખવામાં આવે, તો પણ કોઈ અમારા માટે બોલવા તૈયાર નથી.”
જુલાઈ 2022 માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતમાં એપ્રિલ 2020 થી માર્ચ 2022ની વચ્ચે 4,484 મૃત્યુ પોલીસ અટકાયતમાં થયાં છે – જેનો અર્થ છે બે વર્ષ સુધી દરરોજ છ કરતાંય વધુ મૃત્યુ પોલીસ અટકાયતમાં થયાં છે.
આ પૈકીનાં 364 મૃત્યુ મધ્ય પ્રદેશમાં થયાં હતાં, જેમાં માત્ર ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ રાજ્ય કરતાં વધુ મૃત્યું નોંધાયાં હતાં.
ગુના સ્થિત એક સામાજિક કાર્યકર વિષ્ણુ શર્મા કહે છે, “પોલીસ અટકાયતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયના લોકો અથવા લઘુમતી સમુદાયના લોકો હોય છે. તેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હોય છે, અને તેમના પડખે ઊભા રહીને લડત આપનારું કોઈ હોતું નથી. આપણે તેમની સાથે કેટલી નિર્દયતાથી વર્તીએ છીએ તે ખરેખર ગુનાહિત બાબત છે.”
ઇઝરાયેલના દૈનિક વેતનથી તેમના ઘરે રોજના લગભગ 350 રૂપિયા અને એક સારા મહિનામાં લગભગ 4,000 થી 5,000 રૂપિયા આવક થતી હતી. એ આવકથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. તેમના પરિવારમાં તેમનાં 30 વર્ષીય પત્ની રીના, અને અનુક્રમે 12, 7 અને 6 વર્ષની ત્રણ પુત્રીઓ અને એક વર્ષનો પુત્ર છે. બાનુ કહે છે, “પોલીસે તેમના કાર્યોનું શું પરિણામ આવે છે તે સમજવું જોઈએ. તેઓએ કોઈ કારણ વગર આખા પરિવારને બરબાદ કરી દીધો છે.”
જ્યારે મેં સપ્ટેમ્બર 2023 ના છેલ્લા અઠવાડિયામાં તે પરિવારની મુલાકાત લીધી ત્યારે રીના અને તેમનાં બાળકો ગુના શહેરની બહારના ભાગમાં આવેલા તેમના માતાપિતાના ઘરે હતાં. બાનુ કહે છે, “તે અહીં અને ત્યાં ફરતી રહે છે. તેણે ઘણું સહન કર્યું છે. અમે તેને શક્ય તેટલો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તેની ઈચ્છા થાય તેમ તે અહીં આવી શકે છે અને તેના પિયરમાં જઈ શકે છે. આ પણ તેનું જ ઘર છે. પેલું પણ તેનું જ ઘર છે.”
રીનાનો પરિવાર પણ તેમનું અને તેમના બાળકોનું ભરણપોષણ કરી શકે તેટલો આર્થિક રીતે સધ્ધર નથી. તેમની દીકરીઓએ તેમના પિતાના અવસાન પછી ભણવાનું છોડી દીધું છે.
તેમનાં કાકી બાનુ કહે છે, “અમે હવે શાળાના યુનિફોર્મ, સ્કુલબેગ અને ચોપડાની વ્યવસ્થા કરી શકતાં નથી. બાળકો તણાવમાં રહે છે, ખાસ કરીને 12 વર્ષીય મહેક. તે પહેલા ખૂબ બોલતી હતી અને વાતો કરતી હતી, પણ હવે તે ભાગ્યે જ કંઈ બોલે છે.”
ભારત 1997થી અત્યાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલને ઘડેલા કરારમાં હસ્તાક્ષર કરનાર દેશ છે. પરંતુ આપણો દેશ તેની વિરુદ્ધ કાયદો ઘડવામાં નિષ્ફળ રહ્યો છે. એપ્રિલ 2010માં તત્કાલીન કોંગ્રેસ સરકારની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે લોકસભામાં અત્યાચાર વિરોધી બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે કાયદામાં ક્યારેય પરિણમ્યું ન હતું. ભારતમાં વિચારાધીન કેદીઓની અટકાયતમાં થતી યાતના એક સામાન્ય બાબત છે અને મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓ જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો તેનો સૌથી વધુ ભોગ બને છે.
ખરગોન જિલ્લાના ખૈર કુંડી ગામના એક નાના આદિવાસી ખેડૂત અને મજૂર એવા 35 વર્ષીય બિસનનો કેસ જુઓ, જેમની કથિત રીતે 29,000 રૂપિયાની ચોરી કરવા બદલ ઓગસ્ટ 2021માં પોલીસે ધરપકડ કરી હરી અને તેમના પર નિર્દયતાથી અત્યાચાર ગુજાર્યો હતો.
ત્રણ દિવસ પછી, જ્યારે ભીલ આદિવાસી બિસનને ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા, ત્યારે તેઓ દેખીતી રીતે પીડામાં હતા અને શારીરિક ટેકા વિના સીધા ઊભા પણ રહી શકતા ન હતા, એવું આ કેસ લડી રહેલા કાર્યકરો કહે છે. જો કે, તેમને પોલીસ અટકાયતમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેલ સત્તાધીશોએ તેમને ઈજાઓ હોવાને કારણે દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો.
ચાર કલાક પછી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા, જ્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટ મોર્ટમ અહેવાલમાં મૃત્યુનું કારણ સેપ્ટિસેમિક શોક (વ્યાપક ચેપગ્રસ્ત ઘાને કારણે બ્લડ પ્રેશર ખુબ ઓછું થઈ જવું) તરીકે નોંધે છે.
બિસનના પરિવારમાં તેમનાં પત્ની અને પાંચ બાળકો છે − જેમાંથી સૌથી નાનું બાળક સાત વર્ષનું છે.
રાજ્યમાં કાર્યરત એક એનજીઓ − જાગૃત આદિવાસી દલિત સંગઠન (જે.એ.ડી.એસ.) − એ બિસનનો કેસ હાથ ધર્યો છે. આ અંગે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.
"તમે તેને રૂ. જે. એ. ડી. એસ. ના નેતા માધુરી કૃષ્ણાસ્વામી પૂછે છે, "તે મૃત્યુ પામે ત્યાં સુધી 29,000?" "બિસનનો પરિવાર કેસ પાછો ખેંચવા માટે દબાણ હેઠળ છે પરંતુ અમે તેને જાતે લડવાનું નક્કી કર્યું છે. પોલીસે એનએચઆરસી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી.
જે.એ.ડી.એસ.ના નેતા માધુરી કૃષ્ણસ્વામી પૂછે છે, “તમે તેને 29,000 રૂપિયાની ચોરીની શંકાના કારણે આટલો નિર્દયતાથી ત્રાસ આપો છો? બિસનના પરિવાર પર કેસ પાછો ખેંચી લેવાનું દબાણ હતું, પરંતુ અમે જાતે જ લડવાનું નક્કી કર્યું છે. આ કેસમાં પોલીસે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી.”
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) દ્વારા જણાવવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, “પોસ્ટમોર્ટમ, વિડિયોગ્રાફ અને મેજિસ્ટ્રિયલ તપાસ અહેવાલ સહિતના તમામ અહેવાલ ઘટનાના બે મહિનાની અંદર મોકલવા આવશ્યક છે. પોલીસ અટકાયતમાં થયેલ મોતના દરેક કેસમાં, કમિશનના નિર્દેશ મુજબ મેજિસ્ટ્રિયલ તપાસ પણ કરવાની હોય છે અને તે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થવી જરૂરી છે. અને એ પણ એવી રીતે કે બે મહિનાની સમયમર્યાદામાં આ બધા અહેવાલો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.”
જ્યારે ઇઝરાયેલનું મૃત્યુ થયું ત્યારે પોલીસે પોસ્ટ મોર્ટમ અહેવાલ આપ્યા વિના પરિવાર પર દફનવિધિ માટે દબાણ કર્યું હતું. ત્યારથી લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે પરંતુ તેમના પરિવારને હજુ પણ મેજિસ્ટ્રિયલ તપાસનું શું પરિણામ આવ્યું તેની જાણ નથી.
તેમને રાજ્ય તરફથી પણ કોઈ નાણાકીય મદદ નથી મળી. બાનુ કહે છે કે જ્યારે ઇઝરાયેલના પરિવારે તેમને મળવાની માંગ કરી, ત્યારે જિલ્લા કલેકટરે તેમને નિર્દયતાથી બરતરફ કર્યા હતા. “બધા અમારા વિશે ભૂલી ગયા છે. અમે ન્યાય મળવાની આશા પણ છોડી દીધી છે.”
પરિવારમાં કમાનાર મુખ્ય સભ્ય દુનિયા છોડીને જતો રહ્યો હોવાથી વૃદ્ધ માતા-પિતાએ અસહ્ય યાતનાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુન્નીબાઈએ પાડોશીની ભેંસોનું દૂધ દોહવાનું કામ હાથ ધર્યું છે. તેઓ તેમના નાના ઘરના વરંડામાં પશુધન લાવે છે અને એક પછી એક પ્રાણીઓનું દોહે છે. તેના અંતે, તે પશુધનને, દૂધ સહિત, તેમના માલિકને પરત કરે છે, આ કામ બદલ તેમને દિવસના 100 રૂપિયા મળે છે. તેઓ કહે છે, “આટલી ઉંમરે હું આટલું જ કરી શકું તેમ છું.”
મુનવ્વરની ઉંમર લગભગ સાઠ વર્ષની છે અને તેઓ કમજોર છે, અને સાંધાના દુ:ખાવાથી પીડાય છે. તેમ છતાં તેમણે હવે ફરીથી મજૂરી કામ હાથ થરવું પડ્યું છે. તેઓ બાંધકામ સ્થળોએ હાંફવા લાગે છે, જેનાથી તેમની આસપાસના અન્ય લોકોને તેમના સ્વાસ્થ્ય માટે ચિંતા થાય છે. તેઓ પોતાની વસાહતથી બહુ દૂર જઈ શકતા નથી, અને પાંચ કે દસ કિમીની ત્રિજ્યામાં જ કામ શોધે છે, જેથી જો કોઈ કટોકટી સર્જાય, તો તેમનો પરિવાર તેમની મદદ માટે તરત આવી શકે.
આ પરિવાર ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે તેમના માટે કેસને આગળ વધારવો મુશ્કેલ બની રહ્યો છે. બાનુ કહે છે, “વકીલો પૈસા માંગે છે. અમે અમારા પેટનો ખાડોય માંડ ભરી શકીએ છીએ. આવામાં અમે વકીલને ક્યાંથી પૈસા ચૂકવશું? યહાં ઇન્સાફ કે પૈસે લગતે હૈં. [ભારતમાં ન્યાય મેળવવો મોંઘો છે].”
અનુવાદક: ફૈઝ મોહંમદ