વુલર સરોવરના કિનારે ઊભેલા અબ્દુલ રહીમ કાવા કહે છે, “આ છઠ્ઠો દિવસ છે જ્યારે હું એક પણ માછલી પકડ્યા વિના ઘેર જઈશ. 65 વર્ષના આ માછીમાર અહીં તેમના પત્ની અને દીકરા સાથે તેમના એક માળના ઘરમાં રહે છે.
બાંડીપોર જિલ્લાના કની બઠી વિસ્તારમાં આવેલું, અને જેલમ નદી અને મધુમતી ઝરણા દ્વારા પાણી મેળવતું વુલર તેની આસપાસ રહેતા લોકો માટે આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે - લગભગ 18 ગામોમાં ઓછામાં ઓછા 100 પરિવારો છે જેઓ વુલર સરોવરના કિનારે રહે છે.
અબ્દુલ કહે છે, “માછીમારી એ આજીવિકાનું એકમાત્ર સાધન છે. પરંતુ “સરોવરમાં પાણી જ નથી." તેઓ કિનારીઓ તરફ ઈશારો કરીને કહે છે. હવે તો અમે પાણીમાંથી ચાલીને જઈ શકીએ છીએ કારણ કે, ખૂણાઓમાં તો ફક્ત ચાર કે પાંચ જ ફૂટ પાણી રહ્યું છે."
તેઓ તો બરોબર જાણતા હોય - ત્રીજી પેઢીના માછીમાર અબ્દુલ 40 વર્ષથી ઉત્તર કાશ્મીરના આ તળાવમાં માછીમારી કરે છે. તેઓ કહે છે, “હું નાનો હતો ત્યારે મારા પિતા મને તેમની સાથે લઈ જતા. તેમને જોઈ-જોઈને, હું માછલી પકડતા શીખ્યો." અબ્દુલનો દીકરો પણ પરિવારના વ્યવસાયને અનુસર્યો છે.
દરરોજ સવારે અબ્દુલ અને તેમના સાથી માછીમારો વુલર સરોવર પર જાય છે અને પોતાની ઝલ - તેઓએ નાયલોનના તારથી વણેલી એક જાળી - સાથે લઈને તળાવમાં હોડી હંકારે છે. જાળને પાણીમાં ફેંકીને ક્યારેક તેઓ માછલીઓને આકર્ષવા માટે હાથેથી બનાવેલું નગારું વગાડે છે.
વુલર એ એશિયાનું તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે પરંતુ છેલ્લા ચાર વર્ષમાં વુલરના પાણીમાંના પ્રદૂષણને કારણે આખું વર્ષ માછીમારી કરવાનું (માછલી પકડવાનું) લગભગ અશક્ય બની ગયું છે. અબ્દુલ કહે છે, “પહેલાં, અમે વર્ષમાં ઓછામાં ઓછા છ મહિના માછલી પકડતા. પરંતુ હવે અમે માત્ર માર્ચ અને એપ્રિલમાં જ માછીમારી કરીએ છીએ."


