ક્યારેક ક્યારેક ભગવાન પણ તેમના ભક્તો સાથે સ્થળાંતર કરે છે. કમ સે કમ મા અંગારમોતીએ તો તેમ કર્યું જ છે.
આશરે 45 વર્ષ પહેલા આ દેવી ધાય-ચાંવર ગામમાં રહેતા હતા. લગભગ 50 વર્ષના ગોંડ આદિવાસી ઈશ્વર નેતામ કહે છે, “મા અંગારમોતી બે નદીઓ – મહાનદી અને સુખા નદીની વચ્ચે [આવેલી જગ્યાએ] વસતા હતા." ઈશ્વર નેતામ આ આદિવાસી દેવીના મુખ્ય પૂજારી અથવા બૈગા છે.
વિસ્થાપિત થવા છતાં મા અંગારમોતીની લોકપ્રિયતા ઓછી થઈ નથી - ગામમાંથી અને બીજેથી 500 થી 1000 ભક્તો હજી આજે પણ દરરોજ તેમના મંદિરના સ્થળે ભેગા થાય છે. આ મેળાનું નામ દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ ગામ અને નજીકના બંધના નામના સંદર્ભ પરથી તે ગંગરેલ મડઈ તરીકે પણ ઓળખાય છે.
ગોંડ સમુદાયના આદિવાસી નેતા અને ગંગરેલ ગામમાં દર વર્ષે આ સમય દરમિયાન મેળાનું આયોજન કરતા જૂથના સભ્ય વિષ્ણુ નેતામ કહે છે, "અમે અમારા પૂર્વજોના સમયથી લગભગ દરેક આદિવાસી ગામમાં આ મડઈ [મેળો] આયોજિત કરતા આવ્યા છીએ."
તેઓ ઉમેરે છે, "મડઈ અમારી પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનો એક ભાગ છે." સ્થાનિક લોકો ઉપરાંત ગામની બહારના લોકો પણ મેળામાં જોડાય છે, સારા પાક માટે આભાર વ્યક્ત કરવા દેવતાઓને ફૂલો ચડાવે છે અને આવનારા વર્ષ માટે આશીર્વાદ માગે છે. આ મડઈ એ આ જિલ્લામાં દર વર્ષે યોજાતી લગભગ 50 મડઈઓમાંથી એક છે. આ મડઈ એ મધ્ય ભારતીય રાજ્યના આ જિલ્લામાં આયોજિત થતી મડઈની શ્રેણીમાંની આ પહેલી મડઈ છે.
સ્થાનિક લોકો ઉપરાંત ગામની બહારના લોકો પણ મેળામાં જોડાય છે, સારા પાક માટે આભાર વ્યક્ત કરવા દેવતાઓને ફૂલો ચડાવે છે અને આવનારા વર્ષ માટે આશીર્વાદ માગે છે
1978 માં સિંચાઈના હેતુઓ માટે અને ભિલાઈ સ્ટીલ પ્લાન્ટને પાણી પહોંચાડવા મહાનદી પર એક બંધ બાંધવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે પંડિત રવિશંકર ડેમ તરીકે ઓળખાતા આ બંધે આ દેવી અને તેમની પૂજા કરતા ગ્રામજનો માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.
તેના બાંધકામ દરમિયાન અને પછીથી આવેલા પૂરને કારણે ચાંવર ગામના રહેવાસીઓને તેમના ઘર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઈશ્વર કહે છે, "લગભગ 52-54 ગામો ડૂબી ગયા હતા, અને લોકો વિસ્થાપિત થયા હતા."
અને આમ લોકો ત્યાંથી ચાલ્યા ગયા પણ તેમની દેવીને સાથે લઈને, અને આ બંધથી 16 કિલોમીટર દૂર ધમતરીના ગંગરેલમાં સ્થાયી થયા.
લગભગ અડધી સદી પછી આ બંધ એ એક લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયો છે, પરંતુ ઘણા વિસ્થાપિત ગ્રામવાસીઓ હજી આજે પણ સરકાર તરફથી વળતરની રાહ જોઈ રહ્યા છે.
આ દેવીની પાડોશી દેવી-દેવતાઓ સાથેની મિત્રતા પણ અકબંધ છે. દર વર્ષે દિવાળી પછીના પહેલા શુક્રવારે મા અંગારમોતી વાર્ષિક ઉજવણી માટે પડોશી ગામોમાંથી દેવી-દેવતાઓને આમંત્રણ પાઠવે છે
મડઈ ખાતે દિવસભર ચાલનારી ઉજવણી બપોરે શરૂ થાય છે અને સાંજ સુધી ચાલુ રહે છે. દેવીને બંધની નજીક મૂકવામાં આવે છે અને વહેલી સવારથી જ ભક્તો ત્યાં આવવા લાગે છે. તેમાંથી કેટલાક બંધ પર ફોટો શૂટ કરવા અથવા ઝડપથી સેલ્ફી લઈ લેવા માટે ચકરાવો લઈને આવે છે.
મડઈ તરફ જતો રસ્તો મીઠાઈ અને નાસ્તા વેચતી દુકાનોથી ભરેલો છે. આમાંની કેટલીક દુકાનો જૂની છે જ્યારે કેટલીક માત્ર તહેવાર માટે ઊભી થયેલી છે.
મડઈની સત્તાવાર રીતે શરુ થાય ત્યાં સુધીમાં લગભગ પાંચથી છ હજાર લોકો દૂર-દૂરથી આવી ચૂક્યા છે. ધમતરી નગરના રહેવાસી નિલેશ રાયચુરાએ રાજ્યભરમાં ઘણા મડઈની મુલાકાત લીધી છે. તેઓ કહે છે, "મેં કાંકેર, નરહરપુર, નગરી-સિહાવા, ચરામા, પખાનજુર અને બીજા ઘણા સ્થળોની મડઈ જોઈ છે. પરંતુ ગંગરેલ મડઈની વાત જ કંઈક અલગ છે."
અહીંની મડઈમાં પૂજા કરનારાઓમાં ગર્ભ ધારણ કરી શકી ન હોય એવી મહિલાઓ પણ હોય છે. આદિવાસી નેતા અને કાર્યકર્તા ઈશ્વર મંડાવી કહે છે, “નિઃસંતાન મહિલાઓ મા અંગારમોતીના આશીર્વાદ લેવા આવે છે. તેમાંથી ઘણી મહિલાઓની ઈચ્છાઓ પૂરી થઈ છે.".
અમે નજીકના અને દૂર-દૂરના સ્થળોએથી મુસાફરી કરીને અહીં આવેલી મહિલાઓને મળ્યા - જેમકે રાયપુર (85 કિમી), જાંજગીર (265 કિમી) અને બેમેતરા (130 કિમી). તેઓ દેવીના આશીર્વાદ લેવા માટે તેમના વારાની રાહ જોતા કતારમાં ઊભા રહ્યા છે.
તેમાંની એક મહિલા કહે છે, “મારા લગ્નને પાંચ વર્ષ થયાં છે, પણ મને સંતાન નથી. તેથી, હું આશીર્વાદ લેવા આવી છું." અનામી રહેવા માગતી આ મહિલા મેળામાં આવેલી ત્રણસોથી ચારસો મહિલાઓમાંની એક છે જેઓ સવારથી ઉપવાસ કરી રહ્યા છે.
બીજા ગામોમાંથી ભક્તો તેમના ડાંગ (દેવતાઓનું પ્રતીકરૂપ ધજાઓ સાથેના વાંસના થાંભલા) અને અંગો (દેવતાઓ) લઈને દેવ નાચ (દેવતાઓના નૃત્ય) માં ભાગ લેવા માટે આવે છે. તેઓ આ થાંભલાઓ અને લાકડાની પાલખીઓ સાથે આ વિસ્તારની પ્રદક્ષિણા કરશે અને ભક્તો દેવતાઓના આશીર્વાદ મેળવશે.
નિલેશ કહે છે, "આ મડઈઓમાં હું આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવનને નજીકથી જોઈ શકું છું."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક