મનોહર ઇલાવર્તી 19 એપ્રિલ, 2024ના રોજ બેંગ્લોરની સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર એવા દેવરા જીવનહલ્લીમાં ક્વીઅર રાઇટ્સ વિશે જાગૃતિ લાવવા માટે તૈયાર હતા. ઇલાવર્તી લિંગ અને જાતીય લઘુમતીઓના અધિકારો માટે કાર્યરત સંગમ જૂથના સ્થાપકોમાંના એક છે. તેમણે LGBTQIA + (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર, ઇન્ટરસેક્સ અને એસેક્સ્યુઅલ, “+” એ ઉપર સિવાયની ઓળખ માટે છે.) લોકોના મુદ્દાઓ સાથે વધતા જીવન ખર્ચ, બેરોજગારી અને રહેવાસીઓ સાથે ધર્મનિરપેક્ષ વર્તન જેવી વ્યાપક સામાજિક ચિંતાઓ પર ચર્ચા કરવાની યોજના બનાવી હતી.
સંયોગે, આ ભારત તેની 2024ની સામાન્ય ચૂંટણીઓ શરૂ કરે, તેનો પહેલો દિવસ હતો; કર્ણાટક રાજ્યમાં આવેલું બેંગ્લોર શહેર આના એક અઠવાડિયા પછી મતદાન કરશે.
ઇલાવર્તી એ પ્રચાર શરૂ કર્યો તે જ સમયે, ભગવા ખેસ અને પક્ષનાં સૂચક ચિહ્નો પહેરેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના 10 માણસોએ ડીજે હલ્લી તરીકે જાણીતા દેવરા જીવનહલ્લીની સાંકડી ગલીઓમાં તેમને અને મને (પ્રચાર કાર્યક્રમનો અહેવાલ આપનારા પત્રકારને) ઘેરી લીધા હતા. અહીં મોટાભાગના મતદારો ગ્રામીણ વિસ્તારમાંથી સ્થળાંતર કરીને આવનારા છે, જેમાંથી ઘણા મુસ્લિમ સમુદાયના છે.
ભાજપના એક સભ્યએ બૂમો પાડીને કહ્યું, “તું માત્રને માત્ર કોંગ્રેસ પક્ષનો એજન્ટ છે!” જીએસએમની પ્રચાર યોજનાઓનો વિરોધ કરવા માટે ભેગા થયેલા અન્ય લોકોએ પણ આ વિરોધના સમર્થનમાં માથું ધુણાવ્યું. ભાજપના સભ્યોએ જીએસએમની પત્રિકાઓને “આ બધી ગેરકાયદેસર છે” એમ કહી.











