અલી મોહમ્મદ લોન માને છે કે યુનિયન "બજેટ અધિકારીઓ માટે છે." તેમના કહેવાનો અર્થ એ છે કે બજેટ મધ્યમ વર્ગના સરકારી લોગ અથવા સરકારી કર્મચારીઓ માટે ઘડાયેલું છે. અને તેમનું કહેવું એ પણ સૂચવે છે કે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની બેકરીની નાની દુકાનના આ માલિક સમજી ગયા છે કે બજેટ તેમના જેવા લોકો માટે નથી.
તંગમર્ગ બ્લોકના માહીન ગામમાં અમારી સાથે વાત કરતા 52 વર્ષના આ બ્રેડ બનાવનાર કહે છે, "2024 માં 50 કિલોગ્રામ લોટની બેગ હું 1400 રુપિયામાં ખરીદતો હતો, તેના હવે 2200 રુપિયા ચૂકવવા પડે છે. બજેટમાં એવું કંઈ હોય જે ભાવ ઘટાડવામાં મદદ કરે તો મને તેમાં રસ છે; નહીં તો મેં કહ્યું તેમ આ બજેટ અધિકારીઓ માટે છે."
શ્રીનગરથી આશરે 45 કિલોમીટર દૂર આવેલું માહીન ગામ, શિયાળુ પર્યટન સ્થળો તંગમર્ગ અને દ્રાંગ વચ્ચે આવેલું છે. અહીં લગભગ 250 પરિવારો રહે છે, તેઓ મુખ્યત્વે પર્યટન સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જેમ કે ટટ્ટુ ભાડા પર આપવા, સ્લેજ ખેંચવી અને ભોમિયા તરીકેની સેવાઓ આપવી. પ્રમાણમાં ઠંડી આબોહવાને કારણે માહીનમાં મુખ્યત્વે મકાઈનું ઉત્પાદન થાય છે.
![](/media/images/02a-DSC03371-MB-I_need_to_earn_12_lakhs_fi.max-1400x1120.jpg)
![](/media/images/02b-DSC03384-MB-I_need_to_earn_12_lakhs_fi.max-1400x1120.jpg)
ડાબે: માહીન ગામમાં પોતાની બેકરીની દુકાનમાં બેઠેલા અલી મોહમ્મદ લોન. તેમને લાગે છે કે કેન્દ્રીય બજેટ 2025 સરકારી કર્મચારીઓ અને મધ્યમ વર્ગ માટે છે. જમણે: માહીનનું એક દૃશ્ય
![](/media/images/03a-DSC03378-MBI_need_to_earn_12_lakhs_fir.max-1400x1120.jpg)
![](/media/images/03b-DSC03389-MB-I_need_to_earn_12_lakhs_fi.max-1400x1120.jpg)
ડાબે: માહીન તંગમર્ગ અને દ્રાંગના શિયાળુ પ્રવાસન સ્થળોની વચ્ચે આવેલું છે. જમણે: માહીનના એટીવી ડ્રાઈવરો તંગમર્ગ ખાતે ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે
અલી મોહમ્મદ તેમના પત્ની અને બે દીકરાઓ (બંને વિદ્યાર્થીઓ છે) સાથે રહે છે અને આ ગામના મોટાભાગના રહેવાસીઓ તેમની બેકરીની બ્રેડ ખાય છે. તેમનો મોટો દીકરો યાસીર બેકરીની દુકાનમાં મદદ કરે છે, આ દુકાન સવારે 5 વાગ્યે ખુલે છે અને બપોરે 2 વાગ્યે બંધ થાય છે. બજારમાં ચીજવસ્તુઓના વધતા જતા ભાવોનો સામનો કરવામાં મદદ મળી રહે એ માટે વધારાના પૈસા કમાવા બેકરીની દુકાન બંધ કર્યા પછી તેઓ તેની બાજુમાં આવેલી પોતાની કરિયાણાની દુકાન સંભાળે છે.
"12 લાખ રુપિયા સુધીની આવક પર કર મુક્તિ અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળનારી લોન અંગે લોકોને ચર્ચા કરતા મેં સાંભળ્યા છે. જોકે, (એ માટે) મારે પહેલા 12 લાખ રુપિયા કમાવા પડશે. મારી વાર્ષિક આવક માંડ 4 લાખ રુપિયાની આસપાસ છે. મને નવાઈ લાગે છે કે કોઈ યુવાનો માટે નોકરીઓ વિશે વાત કેમ નથી કરતું." તેઓ જિજ્ઞાસાપૂર્વક પૂછે છે, "શું બજેટમાં રોજગારની તકો સંબંધિત કંઈ છે ખરું?"
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક