અનુપરમ સુથારે ક્યારેય કોઈ સંગીત વાદ્ય વગાડ્યું નથી, પરંતુ કયા લાકડાથી શ્રેષ્ઠ સ્વરો ઉત્પન્ન થાય છે તેની તેમને બરોબર ખબર છે. આઠમી પેઢીના ખરતાલ નિર્માતા અનુપરમ કહે છે, “મને લાકડાનો ટુકડો આપો ને હું તમને કહી દઈશ કે તેમાંથી સારું સંગીત વાદ્ય બનશે કે નહીં.”
રાજસ્થાનના લોક અને ભક્તિ સંગીતમાં વપરાતું તાલવાદ્ય, ખરતાલ ચાર ટુકડાઓનું બનેલું હોય છે, અને તેને વગાડવા માટે દરેક હાથમાં બે ટુકડા પકડવાના હોય છે — એક ટુકડો અંગૂઠાથી પકડવામાં આવે છે, અને બીજો બાકીની ચાર આંગળીઓથી. જ્યારે એક સાથે તેમને વગાડવામાં આવે છે, ત્યારે તેમની રણકાર ઉત્પન્ન થાય છે. આ વાદ્યમાં માત્ર બે સ્વરોનો ઉપયોગ થાય છે — તા અને કા. 57 વર્ષીય અનુપરમ કહે છે, “કલાકર બનાવતે હૈ [સંગીતકારો ખરતાલ બનાવડાવે છે].”
રાજસ્થાની ખરતાલોમાં સામાન્ય રીતે મંજીરા અથવા કરતાલમાં હોય છે તેવી ઘંટડીઓ લગાડેલી નથી હોતી.
આ પીઢ કારીગર માત્ર બે કલાકમાં ચાર ટુકડાનો સેટ તૈયાર કરી શકે છે. આ કળામાં તેમનાં શરૂઆતનાં વર્ષોને યાદ કરતાં તેઓ કહે છે, “અગાઉ, મને આખો દિવસ [આઠ કલાક] લાગતો હતો.” અનુપરમનો સુથાર પરિવાર લગભગ બે સદીઓથી ખરતાલ બનાવી રહ્યો છે: “બચપન સે યહી કામ હૈ હમારા [બાળપણથી, આ અમારું કામ રહ્યું છે].”
તેઓ કહે છે કે તેમના પિતા સ્વર્ગસ્થ ઉસ્લારામ એક માયાળુ શિક્ષક હતા, જેમણે તેમને ધીરજથી શીખવ્યું હતું. “મેં ઘણી ભૂલો કરી છે, લેકિન વો કભી નહીં ચિલ્લાતે થે, પ્યાર સે સમાજતે [તેઓ ક્યારેય બૂમબરાડા પાડતા ન હતા અને હંમેશાં પ્રેમથી શીખવતા હતા].” આ સુથાર સમુદાયના પુરુષો જ ખરતાલ બનાવે છે.














