શુક્લા ઘોષ કહે છે, “અમારા ગામમાં છોકરીઓ સલામત નથી. તેઓ રાત્રે આઠ કે નવ વાગ્યા પછી ઘરની બહાર નીકળતી નથી.” તેઓ પશ્ચિમ મેદિનીપુરના કુઆપુર ગામનો ઉલ્લેખ કરી રહ્યાં છે. “છોકરીઓ ડરેલી છે. પરંતુ તેઓ પ્રતિકાર અને વિરોધ કરવાની જરૂર પણ અનુભવે છે.”

ઘોષ અને કુઆપુરની છોકરીઓ પશ્ચિમ બંગાળના ગામડાઓ અને નાના શહેરોના હજારો ખેડૂતો, ખેતમજૂરો અને કામદારોમાં સામેલ છે, જેઓ કોલકાતાની આર. જી. કાર હોસ્પિટલમાં એક યુવાન તાલીમાર્થી તબીબી ડૉક્ટર સાથે કરાયેલા ક્રૂર બળાત્કાર અને હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં બહાર આવ્યાં હતાં.

44 દિવસ પછી 21 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી વિરોધ કૂચ મધ્ય કોલકાતાની કોલેજ સ્ટ્રીટથી શરૂ થઈ હતી અને લગભગ 3.5 કિલોમીટરના અંતરે આવેલા શ્યામબઝાર તરફ આગળ વધી હતી.

પ્રદર્શનકારીઓની માગણીઓમાં ઝડપી ન્યાય અને ગુનેગારો માટે દાખલો બેસાડે એવી સજા, કોલકાતાના પોલીસ કમિશનરનું રાજીનામું (ડૉક્ટરોએ પણ વિરોધ કરીને આ માંગ કરી હતી જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે), અને મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું જેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમ જ ગૃહ અને પર્વતીય બાબતોના મંત્રાલયની જવાબદારી સંભાળે છે.

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ડાબેઃ પશ્ચિમ મેદિનીપુરના આઈ.સી.ડી.એસ. કાર્યકર્તાઓના જિલ્લા સચિવ શુક્લા ઘોષ કહે છે કે તેમના ગામ કુઆપુરની છોકરીઓ સુરક્ષિત નથી અનુભવતી. જમણેઃ એક ખેતમજૂર એવાં મીતા રે , હુગલીના નકુંડાથી વિરોધ કૂચમાં આવ્યાં છે

રેલીનો પોકાર છે , “ તિલોત્તમા તોમાર નામ , જુરછે શોહોર જુરછે ગ્રામ [તિલોત્તમા, તમારા નામે ગામો અને શહેરો એક થઈ રહ્યાં છે]!”. ‘તિલોત્તમા’ એ આ શહેર દ્વારા મૃત્યુ પામેલી 31 વર્ષીય યુવતીને આપવામાં આવેલું નામ છે. તે દેવી દુર્ગાનું બીજું નામ છે અને તેનો અર્થ એ છે ‘શ્રેષ્ઠ કણોથી બનેલું’ તે કોલકાતા શહેરનું પણ એક ઉપનામ છે.

શુક્લા આગળ કહે છે, “મહિલાઓને સુરક્ષિત અનુભવવામાં મદદ કરવી એ પોલીસ અને અધિકારીઓની જવાબદારી છે.” પશ્ચિમ મેદિનીપુરમાં આઇ.સી.ડી.એસ. કામદારોના જિલ્લા સચિવ પૂછે છે, “જો છોકરીઓ જોશે કે તેઓ તો આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરે છે, તો તેઓ કેવી રીતે સુરક્ષિત અનુભવશે?”

પ્રદર્શનકારી મીતા રે પૂછે છે, “તેમણે (સરકારે) અમ ખેતમજૂરોની સલામતી માટે શું પગલાં લીધાં છે? ગામની છોકરીઓ રાત્રે બહાર જવાથી ડરતી હોય છે. એટલા માટે જ હું અહીં આવી છું. આપણે મહિલાઓ અને છોકરીઓની સલામતી માટે લડવું પડશે.” રે હુગલી (તેને હૂગલી તરીકે પણ લખાય છે) જિલ્લાના નાકુંદા ખાતે ખેતમજૂર છે.

આ 45 વર્ષીય મહિલા કહે છે કે તેઓ ઇચ્છે છે કે શૌચ માટે ખુલ્લા મેદાનોના બદલે પાક્કા શૌચાલયો હોય. મીતા પાસે બે વીઘા જમીન છે જેના પર તેઓ બટાટા, ડાંગર અને તલની ખેતી કરે છે, પરંતુ તાજેતરના પૂરને કારણે તેમનો પાક બરબાદ થઈ ગયો છે. ખેતમજૂર તરીકે 14 કલાક કામ કરીને દૈનિક 250 રૂપિયા રળતાં મીતા કહે છે, “અમને કોઈ રાહત મળી નથી.” તેમના ખભા પર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) નો લાલ ધ્વજ છે. તેઓ વિધવા હોવા છતાં તેમને વિધવા પેન્શન નથી મળતું. જોકે, તેઓને તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના મુખ્ય કાર્યક્રમ લક્ષ્મીર ભંડાર યોજના અંતર્ગત 1,000 રૂપિયા મળે છે, પણ તેઓ કહે છે કે તે તેમના પરિવારને ટકાવી રાખવા માટે તે પૂરતા નથી.

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

નેશનલ મેડિકલ કૅલેજ અને હોસ્પિટલ , કોલકાતા ખાતેની ગ્રેફિટી

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ડાબે: નેશનલ મેડિકલ કૅલેજ અને હોસ્પિટલની દિવાલો પર એક ગ્રેફિટીમાં લખેલું છે , ‘ સરકાર બળાત્કારીને બચાવે છે , તેથી સરકાર જ બળાત્કારી છે.’ જમણે: ‘ડાઉન વિથ પેટ્રિયાર્કિ [પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાની હાય હાય]’

*****

“હું અહીં આવી છું કારણ કે હું એક સ્ત્રી છું.”

માલદા જિલ્લાના ચંચળ ગામનાં ખેતમજૂર બાનુ બેવાએ પોતાનું આખું જીવન કામ કરવામાં જ વિતાવ્યું છે. 63 વર્ષીય બાનુ તેમના જિલ્લાની અન્ય મહિલાઓની ભીડમાં ઊભાં છે, જેઓ કામ કરતી મહિલાઓના અધિકારો માટે લડવાના નિર્ધાર સાથે આ રેલીમાં જોડાયાં છે.

નુમિતા મહાતો કહે છે, “મહિલાઓ રાત્રે કામ કરી શકવી જોઈએ.” તેઓ સરકારના નિર્દેશના સંદર્ભમાં વાત કરે છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓને નાઇટ ડ્યુટી આપવામાં આવશે નહીં, આ નિર્દેશની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ટીકા કરી છે.

પચાસ વર્ષનાં નુમિતા પુરુલિયા જિલ્લાની મહિલાઓના જૂથ સાથે કોલેજ સ્ક્વેરના દરવાજાની સામે ઊભાં છે. આ એક વ્યસ્ત વિસ્તાર છે જેમાં ત્રણ યુનિવર્સિટીઓ, શાળાઓ, અનેક પુસ્તકની દુકાનો તેમ જ ધ ઇન્ડિયન કૉફી હાઉસ સ્થિત છે.

ગૌરાંગડી ગામનાં નુમિતા કુર્મી સમુદાય (રાજ્યમાં અન્ય પછાત વર્ગો તરીકે સૂચિબદ્ધ) નાં છે અને એક ઠેકેદાર હેઠળ રંગ મિસ્ત્રી (રંગકામ કામદાર) તરીકે કામ કરીને એક દિવસના કામ દીઠ 300-350 રૂપિયા કમાય છે. તેઓ કહે છે, “હું લોકોના ઘરોની બારીઓ અને દરવાજા અને ગ્રિલ્સને રંગું છું.” નુમિતા વિધવા છે અને તેમને રાજ્ય સરકાર દ્વારા પેન્શન મળે છે.

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ડાબેઃ માલદાનાં ખેતમજૂર (લીલી સાડીમાં) બાનુ બેવા કહે છે , ‘ હું અહીં આવી છું કારણ કે હું એક સ્ત્રી છું.’ જમણેઃ પુરુલિયાનાં દૈનિક કામદાર નમિતા મહાતો (ગુલાબી સાડીમાં) કહે છે કે તેમના કાર્યસ્થળ પર તેમની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી ઠેકેદારની છે

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ડાબેઃ ન્યાયની માંગ કરતાં ગીતો ગાતા એક પ્રદર્શનકારી. જમણેઃ પશ્ચિમ બંગાળ કૃષિ કામદાર સંઘના અધ્યક્ષ તુષાર ઘોષ કહે છે , ‘ આર.જી. કાર ખાતેની ઘટનાનો વિરોધ કરતાં કામદાર વર્ગની મહિલાઓના રોજિંદા સંઘર્ષોને પણ પ્રકાશિત કરવા જોઈએ’

નુમિતા તેમના દીકરા સાથે રહે છે, જે લોખંડની ફેક્ટરીમાં કામ કરે છે. તેમની સાથે તેમનાં પુત્રવધૂ અને પૌત્રી પણ રહે છે. તેમની પોતાની દીકરી પરણેલી છે. તેઓ ફરિયાદ કરતાં કહે છે, “તમને ખબર છે? તેણીએ બધી પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ પાસ કર્યાં છે, તેમ છતાં તેને નોકરીમાં જોડાવાનો પત્ર મળ્યો જ નથી. આ સરકારે અમને નોકરી નથી આપી.” આ પરિવાર તેમની એક વીઘા જમીન પર વર્ષમાં એક વખત ડાંગરની ખેતી પણ કરે છે અને તેમના પાકની સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર છે.

*****

યુવાન ડૉક્ટર પર તેમના કાર્યસ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી તે આર.જી. કાર કેસ કામદાર વર્ગની મહિલાઓની મુશ્કેલીઓને કેન્દ્રમાં લાવ્યો છે. પશ્ચિમ બંગાળ કૃષિ કામદાર સંઘના અધ્યક્ષ તુષાર ઘોષ જણાવે છે કે માછીમાર મહિલાઓ, ઈંટોના ભઠ્ઠાના કામદારો અને મનરેગા કામદારો માટે શૌચાલયોનો અભાવ, સાર્વજનિક શિશુગૃહની ગેરહાજરી અને લિંગ પ્રમાણે વેતનમાં તફાવત એ માત્ર ઘણા મુદ્દાઓ પૈકીના કેટલાક છે. તેઓ કહે છે, “આર.જી. કાર ખાતેની ઘટના સામેના વિરોધ પ્રદર્શનોએ કામદાર વર્ગની મહિલાઓના રોજિંદા સંઘર્ષોને પણ પ્રકાશિત કરવા જોઈએ.”

9 ઓગસ્ટ, 2024ના રોજ ઘટેલી ઘટના પછી પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. શહેરોથી માંડીને નગરો ને નગરોથી માંડીને ગામો સુધી, સામાન્ય લોકો, જેમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓ છે, રાત અને જાહેર જગ્યાઓ પર ફરીથી કબજો મેળવવા માટે શેરીઓમાં ઉતરી આવ્યા છે. રાજ્યભરમાંથી જુનિયર ડૉક્ટરોના વિરોધે સરકારી મેડિકલ કોલેજોમાં ભ્રષ્ટાચાર, સત્તાના દુરૂપયોગ અને ધાકધમકી આપવાના રિવાજને પણ ઉજાગર કર્યો છે. હવે, આ ઘટનાને એક મહિના કરતાંય વધુ સમય થયો હોવા પછી પણ, વિરોધ પ્રદર્શન ધીમું થવાના કોઈ સંકેતો દેખાતા નથી.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sarbajaya Bhattacharya

ਸਰਬਜਯਾ ਭੱਟਾਚਾਰਿਆ, ਪਾਰੀ ਦੀ ਸੀਨੀਅਰ ਸਹਾਇਕ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਬੰਗਾਲੀ ਭਾਸ਼ਾ ਦੀ ਮਾਹਰ ਅਨੁਵਾਦਕ ਵੀ ਹਨ। ਕੋਲਕਾਤਾ ਵਿਖੇ ਰਹਿੰਦਿਆਂ ਉਹਨਾਂ ਨੂੰ ਸ਼ਹਿਰ ਦੇ ਇਤਿਹਾਸ ਤੇ ਘੁਮੱਕੜ ਸਾਹਿਤ ਬਾਰੇ ਜਾਣਨ 'ਚ ਰੁਚੀ ਹੈ।

Other stories by Sarbajaya Bhattacharya
Editor : Priti David

ਪ੍ਰੀਤੀ ਡੇਵਿਡ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਇੰਡੀਆ ਦੇ ਇਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਪਾਰੀ ਵਿਖੇ ਐਜੁਕੇਸ਼ਨ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੇਂਡੂ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਅਤੇ ਪਾਠਕ੍ਰਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਅਤੇ ਸਮਕਾਲੀ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਦਸਤਾਵੇਜਾ ਦੇ ਰੂਪ ’ਚ ਦਰਸਾਉਣ ਲਈ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਕੰਮ ਕਰਦੀ ਹਨ ।

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad