તે માર્ચની ગરમી ને તડકાવાળી બપોર છે અને ઓરાપાની ગામના વડીલો એક નાના સફેદ ચર્ચની અંદર એકઠા થયા છે. પરંતુ તેમના અહીં આવવાનું કારણ કોઈ નૈતિક દબાણ નથી.
લાદી પર વર્તુળમાં બેઠેલા આ જૂથના બધા લોકોમાં એક બાબત સામાન્ય છે — તેઓ લાંબા સમયથી હાઈ અથવા લો બ્લડ પ્રેશર (બી.પી.) ની સમસ્યાઓથી પીડાય છે. તેથી, તેઓ મહિનામાં એક વાર તેમના બ્લડ પ્રેશરની તપાસ કરવા માટે મળે છે અને દવાઓની રાહ જોતી વખતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં વ્યસ્ત રહે છે.
રૂપી બાઈ તરીકે જાણીતાં રૂપી બઘેલ કહે છે, “મને આ બેઠકોમાં આવવું ગમે છે કારણ કે તે મને મારી ચિંતાઓ અન્યો સાથે શેર કરવાની તક આપે છે.” લગભગ 53 વર્ષનાં રૂપી છેલ્લા પાંચ વર્ષથી અહીં આવે છે. તેઓ એક બૈગા આદિવાસી છે અને રોકડિયા પાકની ખેતી કરે છે અને તેમની આવક વધારવા માટે જંગલમાંથી ઇંધણના લાકડા અને મહુઆ જેવી વન પેદાશો પર આધાર રાખે છે. બૈગા આદિવાસીઓને ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. ઔરાપાની (ઉરપાની પણ લખાય છે) ગામના મોટાભાગના લોકો બૈગા સમુદાયના છે.
બિલાસપુર જિલ્લાના કોટા બ્લોકમાં આવેલું આ ગામ છત્તીસગઢના અચાનકમાર-અમરકંટક બાયોસ્ફિયર રિઝર્વ (એ.એ.બી.આર.) ની નજીક આવેલું છે. હાઇપરટેન્શન તેમના જીવનને કેવી રીતે અસર કરે છે તે સમજાવતાં, ફુલસોરી લાકરા કહે છે, “હું વાંસ લેવા માટે જંગલમાં જતી હતી જેથી હું સાવરણી બનાવી શકું અને તેને વેચી શકું. પણ હવે હું વધારે ચાલી શકતી નથી, તેથી હું ઘરે જ રહું છું.” તેમની ઉંમર સાઠ વર્ષથી વધુ છે અને હવે તેઓ તેમની બકરીઓની સંભાળ રાખવા અને ગાયનું છાણ એકત્ર કરવા માટે ઘરે જ રહે છે. મોટાભાગના બૈગા આદિવાસીઓ તેમની આજીવિકા માટે જંગલો પર નિર્ભર છે.








