“સાંજે, બધા પ્રાણીઓ અહીં આરામ કરવા આવે છે. તે બરગત [વડ]નું વૃક્ષ છે.”
સુરેશ ધર્વે તેઓ જે પોસ્ટર-કદના કાગળ પર કામ કરી રહ્યા છે તેના પર ચપળતાથી રંગની રેખાઓ લાગુ કરતાં કરતાં કહે છે, “આ એક પીપળાનું ઝાડ છે અને તેના પર વધુ પક્ષીઓ આવશે અને બેસશે.” તેઓ આ વિશાળ, સત્કારી વૃક્ષને વધુ શાખાઓ દોરતાં પારીને કહે છે.
49 વર્ષીય ગોંડ કલાકાર મધ્યપ્રદેશના ભોપાલમાં પોતાના ઘરની લાદી પર બેઠા છે. ઉપરના માળે ઓરડાના દરવાજા અને બારીઓમાંથી તથા નજીકના ઝાડમાંથી પ્રકાશ ત્યાં આવી રહ્યો છે. તેમની બાજુમાં લાદી પર લીલા રંગની એક નાની બરણી છે, જેમાં તેઓ પીંછી ડૂબાડતા રહે છે. તેઓ કહે છે, “અગાઉ અમે વાંસની લાકડીઓનો [બ્રશ તરીકે] અને ઘિલેરી કે બાલ [ખિસકોલીના વાળ] નો પીંછી તરીકે ઉપયોગ કરતા હતા. તે [ખિસકોલીના વાળ] હવે પ્રતિબંધિત થઈ ગયા છે, જે સારી બાબત છે. હવે અમે પ્લાસ્ટિકના બ્રશનો ઉપયોગ કરીએ છીએ”
સુરેશ કહે છે કે તેમનાં ચિત્રો વાર્તાઓ કહે છે અને “જ્યારે હું ચિત્રકામ કરું છું ત્યારે મારે શું બનાવવું તે વિચારવામાં ઘણો સમય પસાર કરવો પડે છે. માની લો કે દિવાળી આવી રહી છે, તો મારે તહેવારમાં સંકળાયેલી બધી વસ્તુઓ જેમ કે ગાય અને દીવા વિશે વિચારવું પડશે.” ગોંડ કલાકારો જીવંત પ્રાણીઓ, જંગલ અને આકાશ, દંતકથાઓ અને લોકકથાઓ, ખેતી અને તેમના કામમાં સામાજિક પ્રવૃત્તિઓને આલેખે છે.






