સિંઘને હજી આજે પણ પંજાબના તેમના પિંડ (ગામ) ના ટ્રાવેલ એજન્ટના ડરામણાં સપનાં આવે છે.
સિંઘે (આ તેમનું સાચું નામ નથી) એજન્ટને ચૂકવણી કરવા માટે તેમના પરિવારની ખેતીની એક એકર જમીન વેચી દીધી હતી. બદલામાં એજન્ટ જતિન્દરે તેઓ સહીસલામત રીતે સર્બિયા થઈને પોર્ટુગલ જઈ શકે એ સુનિશ્ચિત કરવા “ઈક નંબર [કાનૂની કાગળો]” મેળવી આપવાનું વચન આપ્યું હતું.
ટૂંક સમયમાં જ સિંઘને સમજાયું કે જતિન્દરે તેમની સાથે છેતરપિંડી કરી હતી અને તેમને માનવ તસ્કરી દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરાવવામાં આવી હતી. આઘાત પામેલા અને નિરાશ થયેલા સિંઘ ગામમાં તેમના પરિવારને પોતાની દુર્દશા વિશે જાણ કરવા માટે પોતાની જાતને તૈયાર કરી શક્યા નહોતા.
એક દેશમાંથી બીજા દેશમાં જવા સરહદો ઓળંગતા હતા તે દરમિયાન, ગાઢ જંગલો પાર કરતી વખતે, ગટરમાંથી પસાર થતી વખતે અને આખા યુરોપમાં પર્વતો ચડતી વખતે, તેઓ અને બીજા સ્થળાંતરિતો માત્ર બ્રેડ ખાઈને અને વરસાદી ખાબોચિયાનું પાણી પીને એને આધારે ટકી રહ્યા હતા, બ્રેડ ખાઈ ખાઈને તેઓ એટલા તો કંટાળી ગયા હતા હવે બ્રેડનું નામ સુદ્ધાં તેમને ગમતું નહોતું.
25 વર્ષના સિંઘ પોર્ટુગલમાં બે-રૂમના ભાડાના રહેઠાણમાં પંજાબીમાં વાત કરતા કહે છે, “મેરે ફાધર સાબ હાર્ટ પેશન્ટ આ. ઇન્ના ટેન્શન ઓ લે ની સકતે. નલે, ઘર મૈં જા નહીં સકદા ક્યૂં કે મૈં સારા કુછ દાઓ તે લાકે આયા સી. [મારા પિતા હૃદયરોગના દર્દી છે; તેઓ આટલો માનસિક તણાવ સહન ન કરી શકે. હું ઘેર પાછો ફરી શકું તેમ નહોતું કારણ કે અહીં આવવા માટે બધું દાવ પર લગાવી દીધું હતું]." આ રહેઠાણમાં તેઓ બીજા પાંચ લોકોની સાથે રહે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પોર્ટુગલ એ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાના દેશોના કામદારો માટે અનુકૂળ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.








