નિશા જમીન પર બેસેલાં છે અને પોતાને વાયરો નાખી રહ્યાં છે. જૂનની તે ગરમ બપોરે તાપમાન વધી રહ્યું છે અને તમાકુ અને સૂકા પાંદડાઓની ગંધ હવામાં પ્રસરી રહી છે. 17-17ના બંડલમાં લપેટેલી આશરે 700 બીડીઓ દર્શાવતાં તેઓ કહે છે, “હું આ અઠવાડિયે માત્ર આટલી જ બીડીઓ બનાવી શકી છું.” 32 વર્ષીય બીડી બનાવનાર આ કારીગર તેમના ગયા અઠવાડિયાના કામ વિશે વાત કરતાં કહે છે, “તેમની કિંમત કદાચ 100 રૂપીયાથી પણ ઓછી હશે.” મધ્યપ્રદેશના દમ્મો જિલ્લામાં એક હજાર બીડીઓ દીઠ 150 રૂપિયા મળે છે.
દર બુધ અને શુક્રવારે, બીડી ઉત્પાદકો તેઓએ બનાવેલી બીડીઓ લાવે છે, અને બીડી વણવાના આગામી સત્ર માટે કાચો માલ પણ એકત્રિત કરે છે. દમ્મો શહેરની બહાર ઘણા કારખાનાઓ આવેલા છે. તેઓ ઠેકેદારોને નોકરી પર રાખે છે જેઓ પછી આ કામ મહિલાઓને હવાલે કરી દે છે.
મહિલાઓ તેમના કાચો માલનો પુરવઠો ઉપાડશે અને આખું અઠવાડિયું તેંદુના પાંદડાઓને કાપીને અને પાતળા દોરાઓ વડે બીડીઓના સુઘડ કટ્ટામાં (બંડલ) બાંધવાનું કામ કરશે. તેઓ આ કામ ઘરના બધા કામ પૂરા કર્યા પછી 10,000-20,000 રૂપિયાની તેમની સરેરાશ માસિક ઘરગથ્થુ આવકમાં ઉમેરો કરવા માટે કરે છે, જે 8-10 લોકોના પરિવારને ખવડાવવા અને ટકાવી રાખવામાં ખર્ચાઈ જાય છે. મોટાભાગની મહિલાઓ ખેત મજૂરો છે અથવા નાની જમીનની માલિકી ધરાવે છે.
નિશા સમજાવે છે, “પાંદડાની નસો બહાર ન આવે ત્યાં સુધી સૂકા તેંદુના પાંદડાઓને પાણીમાં પલાળવામાં આવે છે. પછી, ફર્માનો ઉપયોગ કરીને પાંદડાઓને નાના લંબચોરસ આકારમાં કાપવામાં આવે છે. પછી તેમાં ઝર્દા [સુગંધિત તમાકુ] ઉમેરવામાં આવે છે અને પછી પાંદડાઓને કાપીને બીડી બનાવવામાં આવે છે.” પછી તેમને રંગીન દોરી વડે બાંધવી પણ જરૂરી છે, જે બધી કંપનીઓને અલગ પાડતા બ્રાન્ડ સૂચક તરીકે પણ કામ કરે છે.
પછી તેમને બીડી 'ફેક્ટરી' માં વેચવા માટે લાવવામાં આવે છે, એટલે કે બીડી બનાવતી બ્રાન્ડની પ્રોસેસિંગ અને પેકેજિંગ એકમ અને ભંડારગૃહ. તેઓ તેમનું કામ ઠેકેદારોને સોંપે છે જેઓ તેમની સાથે ફેક્ટરીમાં જાય છે અથવા તેમને સીધી ચૂકવણી કરે છે. ફેક્ટરીની અંદર, તેમને જુદી પાડવામાં આવે છે, શેકવામાં આવે છે, પેક કરવામાં આવે છે અને સંગ્રહિત કરવામાં આવે છે.









