એક શર્ટને ઇસ્ત્રી કરવામાં સરોજિનીને એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે, જો તે મુંડુ (ધોતી) હોય તો બે મિનિટ લાગે છે. કેટલીકવાર તેઓ ખૂબ જ કરચલી પડી ગયેલા શર્ટને ભીના કપડાના નાના ટુકડાઓથી ભરેલા મોજાથી ઘસીને ઠીક કરવા માટે વિરામ લે છે − કાપડને ભીનું રાખવા અને કરચલીઓ દૂર કરવા માટે એક કુશળ જુગાડ છે.
એંસી વર્ષનાં સરોજિની 15 વર્ષની વયથી કેરળના ફોર્ટ કોચીના ધોબીખાનામાં કામ કરી રહ્યાં છે, જે લોન્ડ્રી (ધોબી) ના કામ માટે સમર્પિત વિસ્તાર છે. જાહેર ધોબીખાનામાં ઇસ્ત્રી કરવાનું કામ કરતી વખતે તેઓ કહે છે, “ જ્યાં સુધી હું સ્વસ્થ છું, ત્યાં સુધી હું આ (કપડાં ધોવા અને ઇસ્ત્રી) કરતી રહીશ.”
તે જ સ્થળે 60 વર્ષીય કુમારેસન પણ છે, જેઓ ઉમેરે છે, “અહીં એકમાત્ર આવડત છે, સખત મહેનત.” દરરોજ સવારે પાંચ વાગ્યે, તેઓ અહીં તેમના ઘરથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે તેની થોટ્ટી (ધોવાની જગ્યા) પર સાયકલ ચલાવીને પહોંચે છે. જે દિવસોમાં તાત્કાલિક ડિલિવરી કરવાની હોય છે, તે દિવસોમાં કુમારેસનનું કામ સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે. તેઓ કહે છે, “આજે હું થોડો આરામ કરી શકું છું કારણ કે ડિલિવરી આવતીકાલની છે. કાલે કદાચ મારે ઝડપ કરવી પડશે.”
ગ્રેટર કોચીન વિકાસ નીગમ દ્વારા નિર્મિત આ ધોબી ખાનું એર્નાકુલમ જિલ્લાના ફોર્ટ કોચી ગામમાં બે એકરમાં ફેલાયેલા વેલી મેદાનના એક છેડે આવેલું છે. તે રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ વન્નન સમુદાય દ્વારા ચલાવવામાં આવે છે. ગામના સમુદાયના સચિવ એમ. પી. મનોહરન કહે છે, “અહીંના વન્નન સમુદાયના લગભગ 150 પરિવારોમાંથી માત્ર 30 જ પરિવારો હાલમાં ધોબીખાનામાં કામ કરે છે.”
આ સમુદાયના લોકો માટે, તેમના બાળકોનાં સપનાં ધોબીઘાટની બહાર કામ કરવાનાં છે. આ ધોબીખાનાના એક ધોબી કે. પી. રાજન કહે છે, “મને નથી લાગતું કે મારે મારા બાળકોને આ કામ શીખવવું જોઈએ. મેં તેમને ભણાવ્યાં છે, તેઓએ અભ્યાસ કર્યો, હવે તેમના જીવનમાં શું કરવું એ તેઓ નક્કી કરશે.”
રાજને આ પહેલાં અનેક દૈનિક વેતનની નોકરીઓમાં કામ કર્યું છેઃ કેબલ નાખવા માટે ખોદકામ કરવું, ચણતર કરવું, ઘાસ કાપવું અને અન્ય કામો. પણ આ 53 વર્ષીય કહે છે, “પણ મેં આ કામ (કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું) ક્યારેય છોડ્યું નથી. કેટલાક દિવસોમાં મને 1,000 રૂપિયા મળે છે, તો કેટલાક દિવસોમાં 500 રૂપિયા મળે છે. કેટલાક દિવસો અમને ફૂટી કોડી પણ મળતી નથી. આવક કેટલી મળશે એ અમે જે તે દિવસે કેટલું કામ કરીએ છીએ તેના પર નિર્ભર હોય છે.”
ધોબીખાનાના કામદારોએ તેમના ગ્રાહકોને જાતે જ શોધવા પડે છે. તેઓ કપડાં ધોવાં, બ્લીચિંગ કરવું, કપડાં સૂકવવાં અને ઇસ્ત્રી કરવા જેવી સેવાઓ પ્રદાન કરે છે. ફક્ત ઇસ્ત્રી કરવાની કિંમત નંગ દીઠ 15 રૂપિયા છે, જ્યારે કપડાં ધોવા અને ઇસ્ત્રી બન્નેની કિંમત 30 રૂપિયા છે.
કુમારેસન કહે છે કે, ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં હોટલ અને વિશ્રામગૃહોમાં મુલાકાતીઓ અને પ્રવાસીઓની ભીડ હોય છે. આ મહિનાઓમાં, ધોબીખાનામાં પુષ્કળ કપડાં આવે છે. અન્ય સમયે, તેમની પાસે હોસ્પિટલો, સ્થાનિક હોટલો અને ઘરોમાંથી કપડાં આવે છે.
રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 68મા રાઉન્ડના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીય ઘરોમાં વોશિંગ મશીન અને લોન્ડ્રોમેટનો ઉપયોગ વધ્યો છે.
પરંતુ પરચૂરણ કામ કરનાર અને ધોબી એવા રાજન, આ સ્પર્ધાથી પ્રભાવિત નથી થતા. તેઓ કહે છે, “હજુ પણ સાબું ઘસીને કપડાં સૂકવવા જેવી કેટલીક વસ્તુઓ છે જે મશીનો બરાબર લરી શકતાં નથી. રાજકારણીઓ આવાં હાથથી સાફ કરેલાં કપડાં જ પહેરે છે.”
એ.એસ. જયપ્રકાશ છેલ્લા 23 વર્ષથી ધોબીખાનામાં કામ કરે છે. કપડાંને લયબદ્ધ રીતે કૂટતાં કહે છે, “આ તમારી કોર્પોરેટ નોકરી જેવું નથી, અહીં અમારે ક્યારે કામ કરવું એ અમે નક્કી કરીએ છીએ.”
અનુવાદક: ફૈઝ મોહંમદ