કોવિડ-19 મહામારી દરમિયાન તેમને હરિયાણાથી ઉત્તર પ્રદેશના તેમના વતન મહારાજગંજ સુધી કેવી રીતે મુસાફરી કરવી પડી હતી એ સુનિતા નિશાધને બરાબર યાદ છે.
તેઓ લાખો સ્થળાંતરિત શ્રમિકોમાંના એક હતા જેમને અચાનક રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાતને પગલે આ ઉથલપાથલમાંથી પસાર થવું પડ્યું હતું. તેથી કેન્દ્રીય બજેટ હેઠળ કે બીજે ક્યાંય જાહેર કરવામાં આવેલી કોઈ નવી સરકારી યોજનાઓમાં તેમને રસ ન હોય તેમાં નવાઈ નથી.
તેઓ આ પત્રકારને કહે છે, "તમે મને બજેટ વિશે પૂછો છો તેને બદલે સરકારને પૂછો કે કોરોના [કોવિડ -19 રોગચાળા] દરમિયાન અમને ઘેર પાછા મોકલવા માટે સરકાર પાસે પૂરતા પૈસા કેમ નહોતા."
આજકાલ 35 વર્ષના આ મહિલા ફરી પાછા હરિયાણામાં રોહતકના લાઢોત ગામમાં પ્લાસ્ટિકનો કચરો અલગ કરવાનું કામ કરી રહ્યા છે. "મજબૂર હું [હું લાચાર છું]. એટલા માટે મારે અહીં પાછા ફરવું પડ્યું છે."
રિસાયક્લિંગ માટે કાઢી નાખેલા પરફ્યુમના કેનને કાણું પાડતા તેઓ ઉમેરે છે “મેરે પાસ બડા મોબાઈલ નહીં હૈ, છોટા મોબાઈલ હૈ [મારી પાસે મોટો મોબાઈલ નથી, નાનો મોબાઈલ છે]. બજેટ શું છે મને ક્યાંથી ખબર પડે?" વધતા જતા ડિજીટલાઇઝેશન સાથે સરકારી યોજનાઓની ઝડપી પહોંચ સ્માર્ટફોન અને ઈન્ટરનેટ કનેક્શન હોવા પર ખૂબ જ નિર્ભર છે. પરંતુ ગ્રામીણ ભારતમાં ઘણા લોકો પાસે હજી આ બેમાંથી એકેયની પહોંચ નથી.
એ જ રીતે પડોશના ભૈયાન પુર ગામમાં 45 વર્ષના ભેંસ-પાલક કૌશલ્યા દેવી પણ કેન્દ્રીય બજેટ પ્રત્યે આવા જ ઉદાસીન છે.
"બજેટ? ઉસસે ક્યા લેના-દેના? [મારે તેની સાથે શું લેવાદેવા?] હું તો ફક્ત ગોબરના છાણાં થાપતી અને ભેંસો પાળતી મહિલા છું. જય રામજી કી!" તેઓ અમારી વાતચીતનો અંત લાવે છે.
કૌશલ્યા દેવીની ચિંતા સરકારના નીચા ખરીદ ભાવોની છે, ખાસ કરીને દૂધના. ભેંસનું છાણ એકઠું કરવા માટે ઉપયોગમાં લેવાતા બે ભારે કન્ટેનરમાંથી એકને ઉપાડતા તેઓ મજાક કરે છે, "હું બેય ઉપાડી લઈશ, બસ મને દૂધનો સારો ભાવ આપો."
તેઓ ઉમેરે છે, "જો આ સરકાર દૂધનાય ભાવ નથી આપતી તો એ સરકારની બીજી યોજનાઓ આપણને શો ભાવ આપશે?"
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક