દાદીમા બુટે માઝીને છ છોકરીઓ અને બે છોકરાઓની ચિંતા રહે છે, તેમનો દીકરો આ બાળકોને પાછળ છોડી ગયો છે; બાળકોમાં સૌથી નાની છે છ વર્ષની જાનકી.ઓડિશાના બાલાંગિર જિલ્લાના હીઆલ ગામના રહેવાસી 70 વર્ષના આ ગોંડ આદિવાસી મહિલા કહે છે, "ખબર નથી અમે આ બધાને મોટા શી રીતે કરીશું."
બે વર્ષ પહેલા તેમના દીકરા નૃપ માઝીનું મુત્યુ થયું ત્યારે તેઓ (નૃપ) 50 વર્ષના હતા, પરિવારનું માનવું છે કે નૃપનું મૃત્યુ તેમની કિડની કામ કરતી બંધ થઈ જવાને કારણે થયું હતું. એક સ્થળાંતરિત કામદાર, નૃપ અને તેમના પત્ની, 47 વર્ષના નામની ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા તેલંગણા, આંધ્રપ્રદેશ અને તમિળનાડુ જતા હતા.
નામની કહે છે, “નવેમ્બર 2019માં અમે એક ઈંટના ભઠ્ઠામાં કામ કરવા ચેન્નાઈ ગયા હતા. તેઓ કહે છે કે તેમના પરિવારના 10 લોકો ત્યાં ગયા હતા, જેમાં તેમના પતિ 50 વર્ષના નૃપ, તેમનો મોટો દીકરો 24 વર્ષનો જુધિષ્ઠિર અને તેની પત્ની 21 વર્ષની પરમીલા, 19 વર્ષની પૂરનામી, 16 વર્ષની સજને, 15 વર્ષની કુમારી અને તેમના પતિ 21 વર્ષના દિનેશ. તેઓ ઉમેરે છે, "અમને દરેકને સ્થાનિક સરદારે [ઠેકેદારે] 25000 રુપિયા અગોતરા ચૂકવ્યા હતા." પરિવારની સાથે 10 વર્ષની સાબિત્રી અને છ વર્ષની જાનકી પણ હતા, એ બંનેને ચૂકવણી કરવામાં આવી ન હતી.
જૂન 2020 માં કોવિડ -19 લોકડાઉન દરમિયાન તેઓ બધા તેમના ગામમાં પાછા ફર્યા હતા. ઓડિશા સરકારે પાછા ફરતા સ્થળાંતરિતો માટે શાળાઓ અને સમુદાય કેન્દ્રોમાં કામચલાઉ તબીબી અને સંસર્ગનિષેધ (કવોરન્ટાઇન) વિસ્તારોની વ્યવસ્થા કરી હતી. નામની યાદ કરે છે, “અમે ગામની શાળામાં 14 દિવસ રોકાયા. મારા પતિને અને મને પ્રત્યેકને ત્યાં રહેવા માટે [ઓડિશા સરકાર તરફથી] 2000 રુપિયા મળ્યા હતા."












