પારીના પ્રિય વાચક,
આ વર્ષે www.ruralindiaonline.org ખૂબ વ્યસ્ત રહ્યું છે.
2023નો અંત નજીક આવી રહ્યો હોવાથી, પારીની ટીમે આગામી નવ દિવસો સુધી દરરોજ આકર્ષક દૃશ્યોવાળી વર્ષના અંતની સમીક્ષાશ્રેણી બહાર પાડવાનું નક્કી કર્યું છે, જેમાં અમે અમારા સંપાદકોએ પસંદ કરેલી “પારીની સૌથી શ્રેષ્ઠ” વાર્તાઓ, કવિતાઓ, સંગીત અને ચિત્રો, ફિલ્મો, છબીઓ, અનુવાદો, લાઇબ્રેરી, ફેસીસ, સોશિયલ મીડિયા અને વિદ્યાર્થીઓ સાથેની અમારી ભાગીદારીમાંથી કેટલાક અંશ પ્રકાશિત કરીશું.
અમે દેશભરમાંથી વાર્તાઓ પ્રકાશિત કરવાનું આ વર્ષે પણ ચાલુ જ રાખ્યું હતું, અને વળી અમે આ વર્ષે તો ઉત્તર–પૂર્વ સહિતની નવી નવી જગ્યાઓએથી પણ ઘણી વાર્તાઓ રજૂ કરી હતી. ખેતી–સંંબંધી અમારા અહેવાલમાં હવે ચમેલી, તલ, સૂકી માછલી અને વધુ પર અપર્ણા કાર્તિકેયન દ્વારા ઝીણવટપૂર્વક સંશોધન કરાયેલ શ્રેણી હાજર છે. માનવ-પ્રાણી સંઘર્ષ અને અભયારણ્યોની નજીક રહેતા લોકો પર તેની માઠી અસરને જયદીપ હર્ડેકરની ‘આ એક નવા જ પ્રકારનો દુકાળ છે’ નામની વાચકને જકડી રાખે તેવી રસપ્રદ શ્રેણી પણ વાંચવા માટે તૈયાર છે.
પલાની કુમારે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો — મૂર્તિ બનાવનારાઓ, ટ્રાન્સ અભિનેતાઓ તેમજ તમિલનાડુના માછીમારો — ની અવિસ્મરણીય છબીઓ કેદ કરી હતી. રિટાયન મુખર્જી અને મુઝમ્મિલ ભટ્ટે કાશ્મીર અને લદ્દાખમાં પશુપાલકો સાથે મુસાફરી કરી હતી અને ઊંચા પર્વતોમાં કામ કરતી વખતે તેમની છબીઓ કંડારી હતી, જ્યારે તેઓ બદલાતી આબોહવાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યોતિ શિનોલીએ ગ્રામીણ મહારાષ્ટ્રમાં પ્રચલિત ઘણા અન્યાયના કિસ્સાઓને આવરી લીધા — યુવા રમતવીરો, સ્થળાંતર કરનારાઓના બાળકો માટે શિક્ષણ, માસિક સ્રાવ સાથે જોડાયેલ કલંકો અને અન્ય વધુ પણ. અને સાથે સાથે પારી ફેલો ઉમેશ કે. રેની બિહારથી મુસહર સમુદાય અને દારૂ સંબંધિત મૃત્યુ પરની સખત પ્રહાર કરતી શ્રેણી પણ અમે પ્રકાશિત કરી હતી.
અમે સમુદાયો અને સંરક્ષણની આસપાસની વાર્તાઓ સાથે નવા વિષયો પર વાર્તા માંડવામાં સફળ રહ્યાં: વિશાકા જ્યોર્જે પૂર્વીય હિમાલયમાં લુપ્તપ્રાય પક્ષી બુગુન લિઓચિચલાને નડતાં જોખમો અને કેવી રીતે સ્થાનિક લોકો આ કટોકટીને ઘટાડવામાં મદદ કરી રહ્યા છે તેની જાણ કરી; પ્રીતિ ડેવિડે રાજસ્થાનમાં ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને આવરી લીધું, અને પવિત્ર ઉપવનોને નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ્સ દ્વારા કબજે કરવામાં આવ્યા હોવાથી તેઓ કેમ હવે પવિત્ર નથી ગણાતાં તેની વાત કરી હતી.
અમને જેમ જેમ સમાચારો મળ્યા તેમ તેમ અમે તેના પર કામ કર્યું — અમે મહારાષ્ટ્રમાં વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે ચાલ્યાં, અને આદિવાસીઓ સાથે વાત કરી જ્યારે તેઓ તેમના અધિકારો માટે કૂચ કરી રહ્યા હતા, તેમજ હડતાળ પર ઉતરેલાં આંગણવાડી કાર્યકરો સાથે પણ અમે વાત કરી હતી. અને પછી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ડિસેમ્બર 2023ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, પાર્થ એમ.એન. તેમની સાથે જમીન પર હતા, જેમણે બુલડોઝર અન્યાય, આદિવાસીઓ પર થતા અત્યાચાર અને આ રાજ્યોમાં કસ્ટોડિયલ મૃત્યુથી પ્રભાવિત લોકોની જીવંત વાસ્તવિકતાઓ વિશે રસપ્રદ શૈલીમાં લખ્યું હતું.
જ્યારે પત્રકારો રિપોર્ટિંગ કરવા માટે ફરતાં હોય છે, ત્યારે અમુકવાર મહિલાઓના ગીતો અને મુર્શિદાબાદ જિલ્લામાં બાળકોની રમત જેવા નાના મુસાફિર લેખો મળી જાય છે, જ્યાં સ્મિતા ખટોર બિડીના કામદારોની વાત કરવા ગયાં હતાં. કેટલીક વાર્તાઓ વ્યક્તિગત સ્પર્શ સાથે આવે છે કેમ કે મેધા કાલે, જેઓ પોતે એક શિક્ષક પણ છે, તેમણે વિશેષ-શિક્ષકોની કામગીરીને ઉજવતો એક લેખ લખ્યો હતો. અમારા પત્રકારોએ ગ્રામીણ ભારતમાં તહેવારો જોયા અને તેમને આવરી પણ લીધા — મા બોનબીબી, શૈલા નૃત્ય, ચાદર બદની, પિળી વેશ, વગેરે. સાથે સાથે અમે ‘દરગાહ કોની કોની?’ નામનો એક લાગણીસભર લેખ પણ રજૂ કર્યો હતો.
પારીની ટીમ આખા દેશમાં વિવિધ સ્થળોએ ફેલાયેલી હોવાથી, અમે તેમની મદદથી ભારતભરમાં કામ કરતા અસહાય કામદારો, અનુવાદોની વેદના અને ભાવાવેશ, સ્થળાંતરિત કામદારો અને તેમના સાથે આવતા સ્થળાંતરિત શબ્દો, અને ગ્રામીણ ભારતમાં મહિલાઓ તેમનો 'ફુરસદનો' સમય કેવી રીતે વિતાવે છે તેના પર પણ કામ કરીએ છીએ. અમે આવતા વર્ષે આ પ્રકારની વધુ વાર્તાઓ રજૂ કરવાની આશા રાખીએ છીએ.






