રણની એ ભૂગોળમાં કે જ્યાં લગભગ આખું વર્ષ ગરમી ત્રાહિમામ પોકારતી હોય છે ત્યાં વરસાદનું વરસવું પણ એક ઘટના બની જાય છે. કાળઝાળ ગરમીમાંથી મળતી થોડા સમયની આ રાહત માટે લોકો તલસે છે. અને એટલે આશ્ચર્યની વાત નથી કે આ વરસાદ એ જે એક સ્ત્રીના એકધારા જીવનમાં પ્રેમની જેમ આવી વસતી એક બીજા પ્રકારની રાહતનું રૂપક પણ બની જાય છે.
પરંતુ ચોમાસાના વરસાદનો પ્રેમભર્યો રોમાંચ અને વૈભવ એ કંઈ કચ્છી લોકસંગીતની વિશેષતા જેવો નથી. નૃત્ય કરતા મોર, કાળા ડીબાંગ વાદળો, વરસતો વરસાદ અને પોતાના પ્રેમી માટે ઝંખતી યુવતીના પ્રતીકોમાં જરા સરખું ય નાવીન્ય નથી. લગભગ ચવાઈ ગયેલા કહી શકાય એવા આ પ્રતીકો માત્ર ભારતીય સંગીતની વિવિધ પરંપરાઓ -- શાસ્ત્રીય, લોકપ્રિય અને લોક સંગીત-- માં જ નહીં પરંતુ ચિત્ર અને સાહિત્યની અનેક શૈલીઓમાં પણ જોવા મળે છે.
અને છતાં, જ્યારે ગુજરાતીમાં ગવાયેલ અને અંજારના ઘેલજીભાઈના અવાજમાં પ્રસ્તુત થયેલ આ ગીતમાં આપણે જયારે આ પ્રતીકોને ફરી મળીએ છીએ, ત્યારે આ જ સૌ આપણને મોસમના પહેલા વરસાદની તાજી મહેક ભરીને મળે છે.
ગુજરાતી
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેહૂલો કરે ઘનઘોર,
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
નથડીનો વોરનાર ના આયો સાહેલડી (૨)
વારી વારી વારી વારી, વારી વારી કરે છે કિલોલ.
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
હારલાનો વોરનાર ના આયો સાહેલડી (૨)
વારી વારી વારી વારી, વારી વારી કરે છે કિલોલ.
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેહૂલો કરે ઘનઘોર
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
ગીતનો પ્રકાર : લોકગીત
ગીતગુચ્છ : પ્રેમ અને ઝંખના ના ગીતો
ગીત : 7
ગીતનું શીર્ષક : કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
સંગીતકારઃ દેવલ મહેતા
ગાયક : ઘેલજીભાઈ, અંજાર
વાજીંત્રો : હાર્મોનિયમ, ડ્રમ, બાન્જો, ખંજરી
રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો
લોકસમુદાય સંચાલિત રેડિયો, સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા આ 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે.
આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.