મણિરામનું જીવન વત્સલા એ બચાવ્યું હતું.
મણિરામ વાત માંડતાં કહે છે, “અમે પાંડવ ધોધ પર ગયા હતા. અને વત્સલા ચરવા માટે જતી રહી હતી. હું તેને લેવા જઈ રહ્યો હતો ને એવામાં એક વાઘ દેખાયો.”
જ્યારે મણિરામે મદદ માટે બૂમો પાડી ત્યારે, “તે દોડીને આવી અને પોતાનો આગળનો પગ ઊંચો કર્યો જેથી હું તેની પીઠ પર સવાર થઈ શકું. એક વાર હું બેસી ગયો એટલે તેણે તેના પગ નીચા કરી દીધા ને ઝાડ વિખેરી નાંખ્યાં. ટાઈગર ભાગ ગયા [વાઘ ભાગી ગયો],” રાહતનો શ્વાસ લેતાં મહાવત કહે છે.
પન્ના ટાઇગર રિઝર્વની ભવ્ય હાથણ, વત્સલા 100 વર્ષથી વધુ વયની હોવાનું કહેવાય છે − જે તેને વિશ્વની સૌથી મોટી વયની જીવંત હાથી બનાવે છે. 1996થી વત્સલાની સંભાળ રાખતા ગોંડ આદિવાસી મણિરામ કહે છે, “કેટલાક કહે છે કે તે 110 વર્ષની છે, કેટલાક કહે છે કે તે 115 વર્ષની છે. મને લાગે છે કે તે સાચું છે.”
વત્સલા એક એશિયાટિક હાથી (એલિફાસ મેક્સિમસ) છે અને તે કેરળ અને મધ્ય પ્રદેશની રહેવાસી છે. મણિરામ કહે છે કે તે ખૂબ જ સૌમ્ય છે પરંતુ જ્યારે તે યુવાન હતી, ત્યારે તે ઉગ્ર હોઈ શકે છે. આજે પણ, તેની દૃષ્ટિ અને સાંભળવાની ક્ષમતા નબળી પડી ગઈ હોવા છતાં, તે ભયના પ્રથમ સંકેત પર ટોળાને ચેતવી દે છે.
મણિરામ કહે છે કે તેની ગંધને પારખવાની તાકાત હજુ પણ મજબૂત છે અને તે અન્ય પ્રાણીની જોખમી હાજરીને અનુભવી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તે ટોળાને ચેતવી દે છે અને તેઓ તરત જ ભેગા થઈ જાય છે, અને મદનિયાંઓને ટોળાની વચ્ચે રાખી દે છે. “જો પ્રાણી હુમલો કરવાનો પ્રયાસ કરે, તો તેઓ તેમની સૂંઢ વડે પથ્થરો અને લાકડીઓ અને ડાળીઓ મારીને તેને ભગાડી મૂકે છે,” મણિરામ કહે છે. “પેહલે બોહોત તેઝ થી [તે પહેલાં ખૂબ ચપળ હતી]”










