હવે 60 વર્ષે પહોંચેલા સુબ્બૈયા, છેલ્લા કેટલાક વર્ષોમાં વધુને વધુ બેચેની સાથે આ પ્રદેશના તેમના સાથી ખેડૂતોને તેમના ખેતરોમાં ઉગેલા વડના વૃક્ષો (ફાઇકસ બેંગાલેન્સિસ)ને વેચતાં જોતા હતા. બે દાયકા પહેલાં સુબ્બૈયાએ પણ તેમના પોતાના બે એકરના ખેતરમાં વડનું વાવેતર અને સંવર્ધન કર્યું હતું. આ છોડ વધીને એક મોટા વૃક્ષોમાં ફેરવાયા હતા, જે ગરમીના દિવસોમાં છાંયડો અને આશ્રય પૂરો પાડતા હતા.
હવે ઝાડ વેચવાની વારી સુબ્બૈયાની હતી, પણ તેમને આ વડના એક ઝાડ દીઠ ફક્ત 8,000 રૂપિયા જ મળ્યા. તેમણે આ વેચાણ તેમનાં પત્નીની સારવાર કરાવવા માટે બળજબરીપૂર્વક કરવું પડ્યું હતું. બે વર્ષ પહેલાં, ગૌરી-ગણેશ હબ્બા (કર્ણાટકમાં એક તહેવાર) ના એક પખવાડિયા પહેલા, સુબ્બૈયાનાં પત્ની, 56 વર્ષીય મહાદેવમ્મા બકરાંની સંભાળ રાખતી વખતે પથ્થર પર લપસી ગયાં હતાં અને તેમના થાપામાં ફ્રેક્ચર થયું હતું.
તે દુર્ભાગ્યપૂર્ણ દિવસની ઘટનાઓને યાદ કરતાં મહાદેવમ્મા કહે છે, “હું ટોલામાંથી અલગ થઈ ગયેલા એક લવારાનો પીછો કરી રહી હતી, અને તેથી મેં પથ્થર જોયો નહોતો. હું પડી ગયા પછી મારી જાતને સંભાળી શકી નહોતી. મને અસહ્ય પીડા થઈ રહી હતી. સદ્ભાગ્યે, પસાર થતા લોકોની નજર મારા પર પડી અને તેમણે મને ઘરે પહોંચવામાં મદદ કરી.”
આ ઘટનાએ આ દંપતીની પહેલેથી જ નાજુક દુનિયાને ઉથલાવી દીધી હતી.










