“ હું તમને શું કહું? મારી પીઠ તૂટી ગઈ છે. છાતીનું પાંજરું બહાર ધસી આવ્યું છે. મારું પેટ સંકોચાઇ ગયું છે અને છેલ્લા બે-ત્રણ વર્ષથી મારા છાતીપેટ એક થઈ ગયાં છે. ડૉક્ટર કહે છે કે મારા હાડકાં પોલાં થઈ ગયાં છે.” બીબાબાઈ લોયારે પોતાની સ્થિતિનું વર્ણન કરતાં કહે છે.
મૂળશી બ્લોકના હાડાશી ગામના બીબાબાઈના ઘરની બાજુમાં આવેલા પતરાના છાપરાના લગભગ અંધારિયા એવા રસોડામાં અમે બેઠા હતા. લગભગ પંચાવન વર્ષની બીબાબાઈ માટીના ચૂલા પર વધેલો ભાત ગરમ કરતી હતી. એણે મને એક લાકડાની પાટલી આપીને બેસવા કહ્યું અને પોતાના કામ કરતી રહી. એ જ્યારે વાસણ સાફ કરવા ઉઠી ત્યારે મારું ધ્યાન ગયું કે એ તો કમરેથી સાવ જ બેવડ વળી ગયેલી છે. એની દાઢી એના ઢીંચણને અડકે છે. એ જ્યારે પગ ઊભા કરીને બેસે ત્યારે એના ઢીંચણ એના કાનને અડકે છે.
છેલ્લા પચીસ વર્ષમાં બીબાબાઈને ચાર શસ્ત્રક્રિયાઓ કરાવવી પડી છે. એની સાથે હાડકાં પોલાં થઈ જવાની સમસ્યા. એને લીધે એની સ્થિતિ આવી થઈ ગઈ છે. પ્રથમ, તે ટ્યુબેક્ટોમી પ્રક્રિયામાંથી પસાર થઈ, પછી હર્નીયાની શસ્ત્રક્રિયા, ત્યારબાદ હિસ્ટરેક્ટોમી અને ત્યારબાદ ઓપરેશન જેમાં તેના આંતરડા, પેટની ચરબી અને સ્નાયુઓના ભાગને દૂર કરાયો.
“હું મોટી થઈ (મને માસિક આવવાનું શરૂ થયું) કે તરત મારા લગ્ન થઈ ગયાં. હું એ વખતે બાર કે તેર વર્ષની હતી. પહેલા પાંચ વર્ષ તો મને ગર્ભ ન રહ્યો.” બીબાબાઈએ કહ્યું. એને નિશાળે જવા મળ્યું જ નહોતું. એનો પતિ મહીપતિ લોયારે - એને બધા આપ્પા કહે છે - એનાથી વીસ વર્ષ મોટો હતો. એ જિલ્લા પરિષદની સ્કૂલમાં શિક્ષક હતો. હવે નિવૃત્ત છે. પૂના જિલ્લાના મૂળશી બ્લોકના જુદા જુદા ગામોની શાળાઓમાં એની બદલીઓ થતી. લોયારે કુટુંબ પાસે જમીન છે. એમાં એ લોકો ડાંગર, ચણા અને કઠોળના પાક લે છે. એમની પાસે બે બળદ, એક ભેંસ અને એક ગાય-વાછરડું છે. એમના દૂધથી વધારાની આવક થાય છે. મહીપતિને પેન્શન પણ મળે છે.
બીબાબાઈ પોતાની વાત આગળ ચલાવે છે. “ મારા બધાં છોકરાં ઘરમાં જ થયેલાં.” પહેલું બાળક, છોકરો જન્મ્યો ત્યારે એ સત્તર વર્ષની હતી. “ અમે મારે પિયર જતાં હતાં. (એ ગામ ડુંગરાની પેલે પાર હતું.) ત્યાં પહોંચવાનો પાકો રસ્તો હતો નહીં અને એ વખતે અમારા ગામમાં વાહનો ય નહોતા. અમે બળદગાડામાં જતાં હતાં અને મને પાણી પડવા માંડ્યું. બળદગાડામાં જ મને વેણ ઉપડી. થોડી વારમાં તો બાળક અવતર્યું! બળદગાડામાં જ!!” બીબાબાઈ પોતાની એ પ્રથમ પ્રસૂતિની વાત યાદ કરે છે. યોનિમાર્ગની પાસેની જગ્યા ફાટી જતાં એપીસીઓટોમી કરી નાનું ઑપરેશન કરાવવું પડેલું. પણ એ ક્યાં થયેલું એ એને યાદ નથી.







