ધ્રુજારી રાજવી શયનગૃહ સુધી પહોંચે ત્યાં તો બહુ મોડું થઇ ચૂક્યું હતું. બરબાદ થઇ ગયેલા બુરજોના સમારકામ માટે હવે મોડું થઇ ગયું હતું. નાયબ સેનાપતિઓને અને પ્રધાનોને જગાડવા માટે પણ હવે મોડું થઇ ગયું હતું
આખા સામ્રાજ્યમાં ઊંડી ખાઈઓ ગૌરવભેર પથરાઈ ગઈ હતી. ખાઈઓ જેમાંથી તાજા કાપેલા લીલા ઘઉંના રાડાંની સુગંધ આવતી, અને જે સમ્રાટને એમની ભૂખે ટળવળતી પ્રજા માટે જેટલો ઊંડો તિરસ્કાર હોય એનાથી ય વધારે હોય ઊંડી, અને હોય એમની આકાશગંગાને શરમાવે એવી છાતીથી ય વિશાળ . ખાઈઓ દોડી જતી હતી મહેલ સુધીના તમામ રસ્તાઓ પર થઇ, બજારોની વચમાંથી, પવિત્ર ગૌશાળાની દીવાલો પરથી. હવે બહુ મોડું થઇ ચૂક્યું હતું.
પાંજરા ખોલી લોકોની વચમાં છોડી દેવાયેલા પાલતુ કાગડાઓ પાસે કા.. કા.. કા... કરીને આ ધ્રુજારીઓને ઉપદ્રવ જાહેર કરી દેવા માટે કે માત્ર કોઈ અજાણ્યો ધૂમાડો કહીને અવગણવા માટે ઘણું મોડું થઇ ગયું હતું. મોડું થઇ ગયું હતું એ કૂચ કરતા પગને ધિક્કારવાનું શીખવવા માટે. ઓહ, પેલા વાઢિયાંભર્યા સૂરજના તાપે તપેલા પગ, કેવા હચમચાવે છે એના રાજ સિંહાસનને! આ પરમસત્તાનું અસ્તિત્વ હજારો વર્ષો સુઘી રહેશે એવા બણગા ફૂંકવા માટે પણ હવે મોડું થઇ ગયું હતું. પેલા લીલા હાથ જે ધૂળમાંથી ખીલવે છે ભર્યા ઘઉંના અંકુરો એ હવે આકાશને ચૂમી રહ્યા હતા.
પણ કોની રાક્ષસી મુઠ્ઠીઓ હતી એ? અડધાથી વધારે સ્ત્રીઓ હતી, ત્રીજા ભાગનાને ગળે બાંધેલા હતા ગુલામીના ગાળિયા, ચોથા ભાગના હતા બીજાઓ કરતા સદીઓ પુરાણા. કોઈ કોઈએ વીંટાળેલા હતા મેઘધનુષ શરીરે, તો કોઈએ કર્યા હતા છાંટણા નારંગી ને હળદરિયા પીળા, તો કોઈ કોઈ સાવ ચીંથરેહાલ હતા. પણ એમના ચીંથરા અતિ કિમતી રાજપોશાકથી વધારે રાજવી હતા. આ મોતને ચકમો દેનારા ભૂતોને ના તો મસમોટી ગીલ્લોલોમાંથી ઝીંકાતા પથ્થરો મારી શકતી હતા ના બંદૂકોના છરા.
પણ ધ્રુજારીઓ રાજવી બાકોરાં સુધી પહોંચે, જ્યાં હકીકતમાં તો એક હૈયું હોવું જોઈતું હતું ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.



