જયપુરની રાજસ્થાન પોલો ક્લબમાં ફેબ્રુઆરી માસમાં સૂર્યના ઉજાસભર્યા દિવસે સાંજના ચારનો સમય છે.
ચાર ચાર ખેલાડીઓની દરેક ટુકડીએ પોતાનું સ્થાન લઈ લીધું છે.
પીડીકેએફની ભારતીય મહિલા ખેલાડીઓ પોલોફેક્ટરી આંતરરાષ્ટ્રીય ટુકડીની સામે જાહેર પ્રદર્શનની સ્પર્ધા માટે તૈયાર છે. આ મહિલાઓની આંતરરાષ્ટ્રીય સ્તરની પોલો સ્પર્ધા પ્રથમ વાર જ ભારતમાં રમાઈ રહી છે.
દરેક ખેલાડીના હાથમાં રમવાની શરૂઆત કરવા લાકડાની મૅલૅટ (લાંબા હાથાની હથોડી જેવી લાકડી) છે. અશોક શર્માની આ મોસમની આ પ્રથમ સ્પર્ધા છે; પરંતુ તેઓ આ રમત માટે જરા પણ અજાણ્યા નથી.
ત્રીજી પેઢીના આ કારીગર અશોકને પોલો મૅલૅટ્સ − પોલોની રમત રમનારા દરેક ખેલાડીના સરસમાનમાં અવશ્ય હોય એવી વાંસની ખાસ પ્રકારની લાકડી − બનાવવામાં 55 વર્ષનો અનુભવ છે. તેઓ પોતાના પરિવારના સો વર્ષના વારસાગત કૌશલ્યની વાત ગૌરવપૂર્ણ રીતે કહે છે, “મૅલૅટ્સ બનાવવાની કારીગરી તો મને ગળથૂથીમાં મળી છે.” ઘોડાની પીઠ પર બેસીને રમાતી પોલો વિશ્વભરમાં જૂનામાં જૂની ઘોડેસવારોની રમત છે.




















