“વીર નારાયણસિંહ?” છત્તીસગઢના સોનાખાન ગામના સહસ્રમ કંવર કહે છે. “એ તો લૂટેરા/લૂંટારો, ડાકુ હતો. કેટલાક લોકોએ તેને મહાન માણસ બનાવી માને છે. અમને એવું નથી લાગતું. ” આજુબાજુ બેઠેલા ઘણા લોકો સંમતિમાં ડોકું હલાવે છે. કેટલાક સહસ્રમના નિવેદનની પુષ્ટિ કરતા પોતાની ટિપ્પણીઓ ઉમેરે છે.
તે દુઃખદ હતું. અમે સોનાખાન ગામની શોધમાં લાંબી મુસાફરી કરીને આવ્યા હતા. 1850 ના દાયકાના મધ્યભાગમાં છત્તીસગઢ આદિજાતિ બળવાનું તે મુખ્ય કેન્દ્ર હતું. તેની શરૂઆત 1857 ના મહાન વિદ્રોહની પહેલા થઈ હતી. અને તે વિદ્રોહમાંથી જ એક અસલી લોક નાયક ઊભરી આવ્યો હતો.
આ એ ગામ છે જ્યાં વીર નારાયણસિંહે અંગ્રેજો વિરુદ્ધ બળવો પોકાર્યો હતો.
1850 ના દાયકામાં અહીં લગભગ દુકાળ જેવી હાલતને કારણે પરિસ્થિતિ વણસી હતી. પરિસ્થિતિ વધુ વણસતા સોનાખાનના નારાયણસિંહે આ વિસ્તારના સામંતોનો સામનો કરવો પડ્યો. મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતા આ ગામના સૌથી વૃદ્ધ આદિવાસી રહેવાસી ચરણસિંઘ કહે છે, “તેણે દયાની ભીખ ન માગી." તેઓ એકલા જ નારાયણસિંહ વિશે વધુ ઉદાર મત ધરાવતા હોય એવું લાગે છે.
"તેમણે વેપારીઓ અને જમીનદારોને ગોદામો ખોલવા અને ગરીબોને અનાજનું વિતરણ કરી તેમની ભૂખ સંતોષવા કહ્યું." બીજા ઘણા દુષ્કાળમાં થતું આવ્યું છે તેવી જ રીતે અનાજના ગોદામો ભરેલા હતા “અને તેણે કહ્યું કે પહેલો પાક થશે ત્યારે લોકો તેમને જે અનાજ આપવામાં આવ્યું હશે તે પાછું વાળશે. તેઓએ (જમીનદારોએ)ના પાડી ત્યારે તેમણે ગરીબોને સાથે લઈ વખારો કબજે કરી ગરીબોમાં અનાજનું વિતરણ કર્યું.” આદિવાસીઓએ તેમના જુલમખોરોનો સાહસપૂર્વક મુકાબલો કરતા આ લડત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ.








