આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.
કામેન્ગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા લગામ ગામના પાંત્રીસ વર્ષિય વિચરકી ભ્રમણશીલ પશુપાલક પેમ્પા ત્સુરિંગ કહે છે, "ઝોમો હવે અમારી વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે."
ઝોમો? એ શું છે? અને અહીં ૯૦૦૦ ફુટ ઉપર અરુણાચલ પ્રદેશના પર્વતો પર એમને શું લોકપ્રિય બનાવે છે?
ઝોમો, યાક અને એક પહાડી જાતના ઢોર, કોટના સંકર હોય છે. ઝો કહેવાતું, નર સંકર, વાંઝિયું હોય છે, એટલે પશુપાલકો માદા સંકર ઝોમોને પસંદ કરે છે. આ જાતિ નવી ના હોવા છતાં, અલ્પ-ભ્રમણશીલ પશુપાલક બ્રોક્પા સમૂહ, પૂર્વ હિમાલયાનાં બદલાતા વાતાવરણને અનુકૂળ થવા માટે, આજના સમયમાં તેમના પશુઓના ધણમાં વધારે ઝોમો પશુઓને ઉમેરે છે.
પેમ્પા, જેમના ૪૫ પશુઓના ધણમાં યાક અને ઝોમો બન્ને સામેલ છે, કહે છે કે "આ યાક-ઢોર સંકર ગરમીને વધારે જીરવી શકે છે, અને નીચાણના વિસ્તારો અને વધતા તાપમાન સાથે વધારે સારી રીતે અનુકૂળ થઈ શકે છે."
ઊંચાઈ વાળી આ ગોચર જમીનમાં ગરમી અથવા 'ઉષ્ણતા' બન્ને અતિ વાસ્તવિક અને સાપેક્ષિક હોય છે. અહીં, વર્ષ દરમ્યાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ વાળા દિવસો નથી હોતા. પણ યાક, જે ૩૫ ડિગ્રીથી ઓછા તાપમાનને સરળતાથી જીરવી શકે છે, તેને ૧૨ અથવા ૧૩ ડિગ્રી ઉપર થતું તાપમાન આકરું પડે છે. ખરેખર, જ્યારે પણ આ પરિવર્તન આવે છે ત્યારે સમસ્ત જીવસૃષ્ટિને ભારે પડે છે – જેવી રીતે તેઓ આ પર્વતો પર છેલ્લા થોડા વર્ષોથી કરી રહ્યા છે.
મુખ્ય મોનપા જાતિ (૨૦૧૧ના અરુણાચલ પ્રદેશના સેનસસ પ્રમાણે આશરે ૬૦,૦૦૦) હેઠળ આવતા બ્રોક્પા ભ્રમણશીલ પશુપાલકો, સદીઓથી યાકને ઉછેરીને પર્વતીય ચારણ મેદાનોમાં તેની માવજત કરે છે. કઠોર શિયાળાઓ દરમિયાન, તેઓ નીચાણના વિસ્તારોમાં વસવાટ કરે છે, અને ઉનાળામાં ૯,૦૦૦થી ૧૫,૦૦૦ ફુટ સુધી ચડીને ઊંચાઈ વાળા વિસ્તારોમાં પાછા ફરે છે.
પણ લદાખના
ચાંગથંગ પ્રદેશના ચાંગપાની
જેમ બ્રોક્પાને પણ અતિશય અનિયમિત વાતાવરણથી ભારે ફટકો પડ્યો છે. સદીઓથી તેમની આજીવિકા, અને તેમનો સમાજ, યાક, ઢોર, ઘેટાં અને બકરાના ઉછેર અને પશુપાલન પર આધારિત રહ્યાં છે. આમાંથી તેઓ આર્થિક, સામાજિક, અને આધ્યાત્મિક સ્તરે, યાક પર સૌથી વધારે નિર્ભર છે. તે સંબંધ હવે ગંભીરતાથી નબળું થઈ ચૂક્યું છે.
ચંદર (ચંદેર નામે પણ ઓળખાય) ગામની પશુપાલક લેકી સુઝૂકે મને કહ્યું કે, "ગરમીના કારણે યાક ફેબ્રુઆરી અંતથી જ થાક અનુભવવા લાગે છે." મેમાં પશ્ચિમ કામેન્ગના દિરંગ ઘટકની મુલાકાત દરમિયાન મેં તેના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. આશરે ૪૦ વર્ષની લેકી ઉમેરે છે કે, " છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળો લંબાતો જાય છે અને તાપમાનમાં વધારો થયો છે. યાક નબળા પડી ગયા છે."
બ્રોક્પા કહે છે કે ચીન, ભૂતાન, અને મ્યાનમાર વાળા તિબેટ સ્વાયત પ્રદેશની સરહદ ધરાવતા અરુણાચલ પ્રદેશના પર્વતોમાં છેલ્લા બે દાયકાથી તાપમાન સાથે સાથે સમગ્ર હવામાન પ્રણાલી પણ વધારે અણધારી થઇ ગઈ છે.
પેમા વાન્ગે કહે છે, "બધું વિલંબિત થઈ ગયું છે. ઉનાળાનું આગમન વિલંબાયુ છે. હિમવર્ષાનું આગમન વિલંબાયુ છે. મોસમી સ્થળાંતરો વિલંબાયા છે. બ્રોક્પાને તેમના ઊંચા ચારણ સ્થળો પર જતા તે બરફથી આચ્છાદિત મળે છે. અર્થાત બરફ ઓગળવામાં પણ વિલંબ થાય છે." આશરે ૩૦ના દશકની વયના પેમા, બ્રોક્પા નથી, પણ થેમ્બાન્ગ ગામના સંરક્ષણવાદી છે, જે મોનપા જાતિ સાથે સંબંધિત છે અને વિશ્વ વન્યજીવન ભંડોળ (વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ) માટે કામ કરે છે.
આ વખતે હું એમની સાથે ફોન પર વાત કરું છું, કારણ કે જે વિસ્તારમાંથી હું સામાન્ય રીતે પસાર થાઉં છું, તે ભારે વરસાદ પછી અસાધ્ય થઈ ગયો છે. પણ આ વર્ષે મેમાં, ચંદર ગામના એક બ્રોક્પા યાક પશુપાલક નાગુલી ત્સોપા સાથે ખડક પર ઉભા રહી પશ્ચિમ કામેન્ગ જિલ્લાના ધનાઢ્ય જંગલોને મેં જોયાં છે. તેમનો મોટા ભાગનો સમુદાય અહીં અને તવાન્ગ જિલ્લામાં કેન્દ્રિત છે.
આશરે ૪૦ વર્ષિય નાગુલી કહે છે, "અમારી ઉનાળાની ચરાઉ જમીન, માગો સુધીની મુસાફરી અહીંથી ઘણી લાંબી છે. અમારે ત્યાં પહોંચવા માટે ૩-૪ રાત જંગલોમાંથી પસાર થવું પડે છે. પહેલા (૧૦-૧૫ વર્ષ પહેલા) અમે (ઉચાણ તરફ સ્થળાંતર માટે) મે અથવા જૂનમાં નીકળી જતા. પણ હવે અમારે ફેબ્રુઆરી અથવા માર્ચ જેટલા વહેલા શરુ કરવું પડે છે અને પાછાં ફરતા ૨-૩ મહિના મોડું થાય છે.
નાગુલી, જેની સાથે ઉત્તમ પ્રકારના વાંસ એકત્રિત કરવા હેતુ, ખૂબ ધુમ્મસથી ભરેલ જંગલના અનેક લાંબા પ્રવાસમાંના એકમાં હૂં જોડાયો હતો, તે વધારે સમસ્યાઓ પર ધ્યાન દોરતા કહે છે, “લાંબા ઉનાળાઓના કારણે, યાક ની સારવાર માટે અમે જે અમુક સ્થાનિક ઔષધિય વનસ્પતિ વાપરીએ છીએ, તે હવે ઉગતી નથી. અમે તેમના રોગોનો ઉપચાર કેવી રીતે કરીયે?”
અરુણાચલ સામાન્ય રીતે વરસાદથી ભરપૂર રાજ્ય છે જ્યાં સરેરાશે વાર્ષિક ૩,૦૦૦ મીલીમીટર થી વધારે વરસાદ પડે છે. પણ તે રાજ્યએ છેલ્લા દાયકાના ઘણા વર્ષોમાં વરસાદની અછત અનુભવી છે, જેનું નિસરતું પ્રમાણ, ભારતીય હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા દાયકાના ઓછામાં ઓછા ૪ વર્ષોમાં ૨૫-૩૦ ટકા જેટલું છે. જોકે આ વર્ષે જુલાઈમાં આ રાજ્યએ મુશળાધાર વરસાદમાં ઘણા રસ્તાઓ ધોવાઈ કે ડૂબી જતા જોયા છે.
આ અસ્થિરતાઓ વચ્ચે, પર્વતો પર વધતું તાપમાન એક સ્થિરાંક છે.
૨૦૧૪માં વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીના એક અધ્યયનમાં પૂર્વ તિબેતી પઠાર (વિશાલ ભૌગોલિક ક્ષેત્ર જેમાં અરુણાચલ આવેલ છે) પર તાપમાનનો ફેરફાર નોંધાયો હતો. દૈનિક નિમ્ન તાપમાન “છેલ્લા ૨૪ વર્ષોમાં (૧૯૮૪ થી ૨૦૦૮ વચ્ચે) મોટા પ્રમાણમાં વધ્યું છે”. દૈનિક ઉચ્ચ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસ પ્રતિ ૧૦૦ વર્ષની ગતિએ વધ્યું છે.
આશરે ૩૦ વર્ષના સેરિંગ ડોન્ડુપ, અન્ય પશુપાલક, જેમની સાથે અમારી મુલાકાત થઈ, તેઓ કહે છે, “અમે અનિયમિત હવામાનની સમસ્યાઓનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા સ્થળાંતરના સમયગાળાને બેથી ત્રણ મહિના લંબાવી દીધો છે. અમે ચારો વધુ વૈજ્ઞાનિક તરીકે વાપરી રહ્યા છીએ (અવ્યવસ્થિત રૂપે ચરાવ્વા કરતા સુયોજિત ચરાઈ કરીને)."
તેની જેમ, મોટા ભાગના બ્રોક્પા વાતાવરણના ફેરફારથી વાકેફ છે. તેઓ આ કેમ થાય છે તેના વિષે કશું ખાસ કેહતા નથી, પણ જે નુકસાન તે પહોંચાડી રહ્યું છે તે સમજે છે. અને પ્રોત્સાહક વાત એ છે, કે ઘણા સંશોધનકારો કહે છે કે તેઓ અનુકૂળ થવા માટે વિવિધ ઉપાયો શોધી રહ્યા છે. આ સમુદાય પર સર્વેક્ષણ કરનાર એક સમૂહે ૨૦૧૪માં પરંપરાગત જ્ઞાન વિષેની ભારતિય પત્રિકામાં આ વાતને સૂચવ્યું હતું. તેમના સંશોધનનો નિષ્કર્ષ હતો કે ૭૮.૩ ટકા પશ્ચિમ કામેન્ગના અને ૮૫ ટકા તવાન્ગ ના બ્રોક્પા - જે અરુણાચલની આ વિચરતી જાતિના કુલ ૮૧.૬ ટકા થાય છે - " તેઓ વાતાવરણના ફેરફારોથી વાકેફ હતા". અને તેમાંથી ૭૫ ટકાથી વધુએ "જણાવ્યું છે કે તેઓએ વાતાવરણ પરિવર્તનનો સામનો કરવા માટે ઓછામાં ઓછો એક અનુકૂલન ઉપાય અપનાવી લિધો છે.”
સંશોધનકારીઓ બીજા ઉપાયો પણ નોંધે છે - 'પશુધન વૈવિધ્યકરણ', ઊંચાઈ વાળી જમીન પર સ્થળાંતર, સ્થળાંતર સમયપત્રકમાં (કૅલેન્ડર) ફેરફાર. તેમનું સંશોધન "હવામાનમાં ફેરફારની નકારાત્મક અસર"નો સામનો કરવા માટે "૧૦ ઉપાય પદ્ધતિઓ" આપે છે. ચારાના ઉપયોગમાં ફેરફાર, ઊંચાઈ વાળી જમીન પર બંજર થયેલ ચરાઉ જમીનને નવજીવિત કરવું, સુધારેલી પશુપાલન પદ્ધતિઓ, અને ઢોર-યાકની સંકરતાનું બીજા ઉપાયોમાં સમાવેશ થાય છે. તદુપરાંત, ઘાસની અછત હોય ત્યાં ચારા માટે અન્ય વસ્તુઓ પૂરી પાડવી, પશુધન આરોગ્યની નવી પદ્ધતિઓ અપનાવવી, અને માર્ગ બાંધકામ મજૂરી, લઘુ ઉધ્યોગો, અને ફળ એકત્રિત કરવા જેવી વધારાની આવકના સ્ત્રોતો શોધવા.
આમાંથી કશું પણ અન્ય વિસ્તૃત પ્રક્રિયાઓમાં અભિભૂત થયા વગર કામ લાગશે, તે જાણવાનો કોઈ રસ્તો નથી. પણ તેઓ કંઈક કરી રહ્યા છે - અને કરવું પડશે. પશુપાલકો મને જણાવે છે કે યાકના અર્થતંત્રના પતનથી દરેક કુટુંબ દીઠ સરેરાશ ૨૦-૩૦ ટકા વાર્ષિક આવક ગુમાવાઈ છે. દૂધની ઉપજમાં ઘટાડો એટલે ઘરે બનતા ઘી અને છુરપીમાં (યાકનું દૂધ ફાટવાથી બનતું ચીઝ) પણ ઘટાડો. ઝોમો ભલે ખડતલ હોય, પણ દૂધ અને ચીઝની ગુણવત્તામાં કે પછી ધાર્મિક મહત્વમાં યાક બરાબર ના સમજી શકાય.
મેની પેલી યાત્રા દરમિયાન પેમા વાન્ગેએ કહ્યું હતું કે, " જેમજેમ યાકના ટોળા સંકુચિત થાય કે ખરાબી પામે છે, તેમતેમ બ્રોક્પાની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. “હવે (વ્યાવસાયિક પ્રક્રિયા વાળી) પેકેજેડ ચીઝ સરળતાથી સ્થાનિક બજારમાં મળી રહે છે. તેથી છુરપીનું વેચાણ ઘટી રહ્યું છે. બ્રોક્પાને બન્ને તરફથી નુકસાન પહોંચ્યું છે.”
તે સમયે ઘરે પરત થવાના થોડા જ સમય પહેલા, મારો ભેટો ૧૧ વર્ષિય નોર્બુ થુપ્ટેન સાથે થયો. બ્રોક્પાના સ્થળાંતર માર્ગ પર આવતા અળગા પડેલા ઠુમરી ગામમાં તે તેના પશુઓના ટોળા સાથે હતો. તેણે વિશ્વાસ સાથે ભારપૂર્વક કહ્યું, “મારા દાદાનો સમય શ્રેષ્ઠ હતો.”. અને કદાચ તેના વડીલોની વાતોનું મનન કરતો હોય એમ ઉમેર્યું, “ઓછા લોકો અને વધારે ગોચર. વડીલો કહે છે કે અમારે ના તો સરહદના પ્રતિબંધો હતા, ના વાતાવરણની મુશ્કેલીઓ. પણ સુખના દિવસો હવે માત્ર ભૂતકાળની ઝંખના થઈ ગયા છે.”
PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.
આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને cc મોકલો: [email protected]
અનુવાદ: નિહાર આચાર્ય