ગમે તે ક્ષણે દેવી પૃથ્વી પર અવતરશે, અલબત્ત જો તેમને પહેલા વિશેષ પોશાક પહેરવાની તક મળશે તો. “સાંભળો, સાંભળો, સાંભળો. સાત વાગી ચૂક્યા છે. રજત જ્યુબિલી ગામના વ્હાલા રહેવાસીઓ, મહેરબાની કરીને ચાદર, સાડી, કાપડ લાવો. અમારે ગ્રીન રૂમ તૈયાર કરવો છે. 'પાલ ગાન' - મનસા એલો મોરતે [દેવીનું પૃથ્વી પર અવતરણ] શરૂ થવાની તૈયારીમાં છે." સંગીત-નાટિકાની પ્રસ્તુતિ શરૂ થતા પહેલાની જાહેરાતો હવામાં ફરી ફરી ગુંજતી રહે છે અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના ગોસાબા બ્લોકના આ ગામની ગલીઓમાં સપ્ટેમ્બરની શાંત, નીરસ સાંજને ઉત્સાહિત કરી મૂકે છે. આજની રાત આનંદોત્સવ અને ઉલ્લાસભરી હશે એ નક્કી.
એક કલાકમાં તો કામચલાઉ ગ્રીન રૂમ ઊભો થઈ ગયો અને ચમકદાર પોશાકમાં સજ્જ કલાકારોથી ધમધમી રહ્યો, કોઈ મેક-અપ લગાડી રહ્યું છે, કોઈ ઘરેણાં પહેરી રહ્યું છે તો કોઈ લેખિત સ્ક્રિપ્ટ વિના તેમના સંવાદોનું મોઢે પુનરાવર્તન કરી રહ્યા છે. જૂથનું નેતૃત્વ કરતા નિત્યાનંદ સરકાર આજે થોડા ગંભીર લાગે છે, હું પહેલી વાર હિરણમય અને પ્રિયંકાના લગ્ન દરમિયાન તેમને મળ્યો ત્યારે તેઓ એક ખુશખુશાલ નર્તકના રૂપમાં મળ્યા હતા. આજે તેઓ નાગ દેવી મનસાની ભૂમિકા ભજવશે. તેઓ આજે સાંજે પાલ ગાનમાં ભાગ લેનાર અન્ય કલાકારો સાથે મારો પરિચય કરાવે છે.
પાલ ગાન મંગલ કાવ્ય પર આધારિત એક સંગીત-નાટિકા છે, તે એક લોકપ્રિય દેવી અથવા દેવતાની પ્રશંસા કરતી મહાકાવ્ય કથા છે. ઘણી વખત ભારતભરમાં પૂજાતા શિવ જેવા દેવોની પ્રશંસામાં, પરંતુ મોટે ભાગે ધર્મ ઠાકુર, નાગ દેવી-મા મનસા, શીતળાની દેવી-શીતલા અને જંગલની દેવી- વન બીબી જેવા સ્થાનિક બંગાળી દેવતાઓની પ્રશંસામાં આ સવિસ્તર વૃત્તાન્ત કાવ્યોનું પઠન અથવા ગાન કરાય છે. કલાકારોના જૂથ આખા વર્ષ દરમિયાન સુંદરબનના ટાપુઓની આસપાસ ફરે છે અને મંત્રમુગ્ધ પ્રેક્ષકો સમક્ષ આ સંગીત-નાટિકા રજૂ કરે છે.
પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારના વિવિધ ભાગોમાં પ્રસ્તુત કરવામાં આવતું મનસા પાલ ગાન મનસા મંગલ કાવ્ય પર આધારિત છે, તે એક મહત્વનું મહાકાવ્ય છે, એક અંદાજ અનુસાર તે 13 મી સદીથી પ્રચલિત હોવાનું મનાય છે, અને તે કાવ્ય પ્રાચીન લોકકથાઓ અને દંતકથાઓ પર આધારિત હોવાનું કહેવાય છે. મનસા એ બંગાળમાં દક્ષિણ 24 પરગણાના તેમજ બાંકુરા, બીરભૂમ અને પુરુલિયા જિલ્લાઓના દલિત સમુદાયોના લોકપ્રિય દેવી છે. દર વર્ષે વિશ્વકર્મા પૂજા (આ વર્ષે 17 મી સપ્ટેમ્બર) ના દિવસે સુંદરવનના ભારતીય વિસ્તારના દૂર-દૂરના ગામોમાં ઘણા પરિવારો નાગ દેવીની પૂજા કરે છે અને પાલ ગાન પ્રસ્તુત કરે છે.

























