બપોરનો સમય હતો. બે બુલડોઝરોને શાળા તરફ આવતા જોઈને નિશાળના મેદાનમાં રમતા છોકરાઓએ બૂમાબૂમ કરી મૂકી, "સર.. સર.. બુલડોઝર..." એમની બૂમો સાંભળી, પ્રકાશ પવાર, શાળાના આચાર્ય, માતિન ભોંસલે, સંસ્થાપક, શાળાની ઓફિસમાંથી દોડતા આવ્યા.
"તમે અહીં શાને આવ્યા છો?" પવારે પૂછ્યું. "અમે હાઈવે માટે (શાળાના વર્ગો) તોડવા આવ્યા છીએ. ચાલો બાજુ ખસો." એક બુલડોઝરનો ડ્રાઈવર બોલ્યો. "પણ અમને કોઈ નોટિસ મળી નથી" ભોંસલે એ વિરોધ ચાલુ રાખ્યો. "ઉપરથી (અમરાવતી કલેક્ટરની ઓફિસથી ) ઓર્ડર આવ્યો છે." ડ્રાઈવર બોલ્યો.
શાળાના કર્મચારીઓએ ફટાફટ પાટલીઓ અને લીલા લખાણના પાટિયા બહાર કાઢી લીધા. એમણે કામચલાઉ લાયબ્રેરી પણ ખાલી કરી નાખી -- મરાઠીના લગભગ 2000 પુસ્તકો આંબેડકર, ફૂલે, ગાંધી વિષે, વિશ્વનો ઇતિહાસ, અને બીજા કેટલાંય. બધાને નજીકના શાળાના છાત્રાલયમાં લઇ જવાયા. જોતજોતામાં બુલડોઝર ત્રાટકયું. એક દીવાલ જમીનદોસ્ત થઇ.
જુનની 6ઠ્ઠી તારીખે પ્રશ્નચિહ્ન આદિવાસી આશ્રમશાળામાં આવું બે કલાક સુધી ચાલ્યા કર્યું. જે બાળકો એપ્રિલથી ઉનાળાની રજાઓમાં છાત્રાલયમાં હતા એમણે એમની શાળાના વર્ગોનો ધ્વંસ થતો જોયો. "એટલે હવે નિશાળ 26મી જૂનથી શરુ નહિ થાય? આ લોકો આવું કેમ કરે છે?" કેટલાકે પૂછ્યુંય ખરું.












