જમવાનું પતાવી આજે રોજની જેમ ટીવી પાસે જવાનું એણે ટાળ્યું. આજે સાંજના જમવામાં છોકરાઓએ 'વેજિટેબલ્સ ઈન શેઝવાન સૉસ વિથ રાઈસ' ની માંગણી કરેલી. સવારે શાકવાળા પાસે લાલ કે પીળા કેપ્સિકમ નહોતા. એણે ફરિયાદ કરી કે એ રોજ એના એ શાક લઈને આવે છે તો શાક્વાળાએ પોતાનું પુરાણ શરુ કર્યું,  "વંડો ખૂલતો નથી, બહેન. એક તો લૉકડાઉન અને ઉપરથી કરફ્યુ! શાકભાજી ક્યાંથી લાવવા કહો? આ જેટલાં  છે તે ય કેટલે દૂર ખેતરથી લઈને આવું છું."

શાકવાળાએ એની તકલીફોની કથા ક્યાંય સુધી ચલાવે રાખી, પણ એણે સાંભળવાનું બંધ કરી દીધેલું. એનું મગજ હવે સાંજે ફરમાઈશ પ્રમાણેની રસોઈમાં શી સર્જનાત્મકતા વાપરવી પડશે એ તરફ હતું. પણ છેવટે દિવસના અંતે પોતાના કોક અને ચાઇનીઝ - ટાઈ ગ્રેવીના એ આઈડિયાથી એ રાજી હતી. કમસેકમ છોકરાઓના કકળાટથી તો બચ્યા.  પણ આ ટીવીમાં એને જરાય રસ નહોતો.

એને સૌથી વધારે અણગમો આ ન્યૂઝ ચેનલોથી થતો. આખો દહાડો એ એકની એક એકની એક છબીઓ બતાવ્યા જ કરતા હોય સ્ક્રિન પર.  એના એ ઝૂંપડપટ્ટીમાં પાણી વગરના ગરીબો, સુરક્ષાસાધનો ને પહેરવેશ વિનાના સફાઈ કામદારો, અને સૌથી વધારે અકળામણ કરાવતા હોય તો પેલા લાખોની સંખ્યામાં સ્થળાંતર કરતા કામદારો- કોઈ ઘેર જતા રસ્તામાં અટવાયેલાં, કોઈ શહેરમાં ભરાઈ પડેલાં, દાવ-દારૂ વિના, ભૂખે મરતાં, આત્મહત્યા કરતાં, તો વળી રસ્તા પર ઉતરી દેખાવો કરતા, માંગણીઓ કરતા, હુલ્લડ કરતા એમના ધણના ધણ!

કોઈ ક્યાં સુધી આ ઉધઈઓ જેમ ઉભરાઈ આવેલાઓનું ગાંડપણ અને અંધાધૂંધીનો ખેલ જોયા કરે? એણે ફોન હાથમાં લઇ વૉટ્સએપ ખોલ્યું. મિત્રોના ગ્રુપ પર રસોડામાં ઘુસી આવેલા નવા નિશાળિયાઓ પોતાની કાર્યસિદ્ધિના ફોટાઓ મૂકતા હતા. એણે એક ફોટો પોતાના ડાઇનિંગ ટેબલનો જોડ્યો. બીજા ગ્રુપ પર લોકો અવનવા વિડિઓ શેર કરી રહ્યા હતા-- મુંબઈના બ્રીચકેન્ડી ક્લબના દરિયા કિનારે ઉછળકૂદ કરતી ડૉલ્ફિનના, નવી મુંબઈમાં ફ્લૅમિંગોના, કાલિકટમાં રસ્તા પર ઘૂમતી મલબાર સિવિટના, ચંદીગઢમાં સાબરના. અચાનક એને એના મોબાઈલ પર ચાલતી એક લાલ કીડીઓની હાર દેખાઈ.......

સાંભળો સુધન્વા દેશપાંડેનુ અંગ્રેજીમાં પઠન

The paintings with this poem is an artist's view of the march of the 'ants'. The artist, Labani Jangi, is a self-taught painter doing her PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata

આ કવિતા સાથેનું ચિત્ર એ કીડીઓના સરઘસનું એક કલાકારની દ્રષ્ટિએ નિરુપાયેલું  દ્રશ્ય છે. લબાની જંગી એક ચિત્રકાર છે. ચિત્રકાલાનું  જ્ઞાન એમણે સ્વયં સાધનાથી પ્રાપ્ત કર્યું છે. તેઓ હાલમાં સેન્ટર ફોર સોશિયલ સાયન્સીસ, કલકત્તામાં મજૂરોના સ્થળાંતરના વિષયમાં પીએચડી નો અભ્યાસ કરી રહ્યા છે.

લાલ કીડીઓ

રસોડાના પ્લૅટફૉર્મ પર

ખાંડ ઢોળાય ત્યારે

કે પછી કોઈ વંદો મરી ગયો હોય ત્યારે

બારસાખના નીચેના ખૂણામાંના

દરમાંથી નીકળી

ઊભી સીધી.. જમણે...નીચે...

ને પછી એક લાંબી લીટી માં

થઈ આવી પહોંચતી

એક પાછળ એક

શિસ્તબદ્ધ હરોળમાં ચાલતી

કામદારો જેવી

ઝીણી લાલ કીડીઓ

એક ખાંડનો ટુકડો

આખેઆખું વંદાનું ખોળિયું

ઝાલી, ખેંચી  પાછી વળતી

એમ જ એકની પાછળ એક.

એ કીડીઓને જોઈ એને

બહુ ચીતરી ચડતી

ઘાંટા પાડી પાડીને એ

માને બોલાવતી કીડીઓની ખબર લેવા

તે આજે જાણે

વરસો જૂનો હિસાબ

બરોબર કરવા માગતી હોય

એમ ચડી આવી

ખબર નહિ કેમની

આ અડધી રાતે

કોઈ ભયાનક સપનાની જેવી

અઢળક લાલ કીડીઓ

એના ઘરમાં.

કોઈ હરોળ વિના

કોઇ નિયમ કોઈ શિસ્ત વિના

મા દર પર ગેમેક્સિંનનો પાવડર છાંટે

ત્યારે બહાર નીકળી આવતા

બેબાકળી તરફડતી કીડીઓના ટોળામાં ના હોય

એમ ઉભરાઈ રહી આ કીડીઓ એના ઘરમાં.

એક વાર ઝડપથી ઝાડુ કરી

બહાર બગીચામાં ફેંકી

ફટાફટ બંધ કર્યા દરવાજા

ત્યાં તો

બારીઓની ફાટમાંથી

દરવાજા નીચેની સાવ સાંકડી

ના દેખાય એવી જગામાંથી

ચાવીના નાના કાણામાંથી

બારસખની તિરાડમાંથી

બાથરૂમના ખાળની જાળીના

એકેક ઝીણા કાણાંઓમાંથી

ફરસ પર એક એક લાદીની વચ્ચે

ભર્યા સફેદ સિમેન્ટના પોલાણમાંથી

સ્વિચબોર્ડ ને દીવાલ વચ્ચેની

સાવ અમસ્તી તડમાંથી

કબાટોની અંદરના અંધારામાંથી

એના ખાટલા નીચેના ખલીપામાંથી

ઊભરાઈ, ઊભરાઈને આવી રહ્યાં

બેબાકળી કીડીઓના

ટોળેટોળાં

કોઈએ વેરવિખેર કરેલાં

તોડેલા, ખતમ કરી નાખેલાં

એમનાં ઘર શોધતી

કોઈની ચપટીમાં

કોઈના ચંપલ તળે

ગૂંગળાઈ ગયેલાં

જીવન શોધતી

પોતાનાં દર શોધતી

ભૂખી, તરસી,

ભરીને અંદર

ભરોભાર ચટકા

તરફડતી લાલ કીડીઓ.

ઑડિયો: સુધન્વા દેશપાંડે એક અભિનેતા, જન નાટ્યમંચના દિગ્દર્શક, તેમ જ લેફ્ટવર્ડ બુક્સના તંત્રી છે.

Pratishtha Pandya

ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਪਾਂਡਿਆ PARI ਵਿੱਚ ਇੱਕ ਸੀਨੀਅਰ ਸੰਪਾਦਕ ਹਨ ਜਿੱਥੇ ਉਹ PARI ਦੇ ਰਚਨਾਤਮਕ ਲੇਖਣ ਭਾਗ ਦੀ ਅਗਵਾਈ ਕਰਦੀ ਹਨ। ਉਹ ਪਾਰੀਭਾਸ਼ਾ ਟੀਮ ਦੀ ਮੈਂਬਰ ਵੀ ਹਨ ਅਤੇ ਗੁਜਰਾਤੀ ਵਿੱਚ ਕਹਾਣੀਆਂ ਦਾ ਅਨੁਵਾਦ ਅਤੇ ਸੰਪਾਦਨ ਵੀ ਕਰਦੀ ਹਨ। ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਦੀਆਂ ਕਵਿਤਾਵਾਂ ਗੁਜਰਾਤੀ ਅਤੇ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿੱਚ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਹੋ ਚੁੱਕਿਆਂ ਹਨ।

Other stories by Pratishtha Pandya