ઉત્તર પ્રદેશ શિક્ષક મહાસંઘ અને તેની સાથે સંકળાયેલ સંગઠનોની સુધારેલી યાદી પ્રમાણે એપ્રિલ મહિનામાં ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં ફરજિયાત ફરજ બાદ કોવિડ -19 માં મૃત્યુ પામેલા શાળા શિક્ષકોની સંખ્યા હવે 1621 પર પહોંચી ગઈ છે - જેમાં 1181 પુરુષો અને 440 મહિલાઓનો સમાવેશ થાય છે. પારી પાસે અહીં હિન્દી અને અંગ્રેજી બંનેમાં સંપૂર્ણ સૂચિ છે.
10 મી મેના રોજ, અમે એક લેખ પ્રકાશિત કર્યો - જે આની નીચે છે - જેમાં આ માનવસર્જિત આપત્તિ કેવી રીતે સર્જાઈ તેનો સંપૂર્ણ વિગતવાર ચિતાર હતો. મતદાન મુલતવી રાખવાની વારંવાર અપીલ કરતી શિક્ષક સંઘોની અરજીઓને રાજ્ય ચૂંટણી પંચ (સ્ટેટ ઈલેક્શન કમિશન - એસઈસી) અને યુપી સરકાર બંનેએ નજરઅંદાજ કરી હતી. તે સમયે મતદાનને લગતી ફરજ બજાવી હોય અને કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા હોય તેવા શિક્ષકોની સંખ્યા 713 - 540 પુરુષ અને 173 મહિલા શાળા શિક્ષકો - હતી.
આ એક એવું રાજ્ય છે કે જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં આશરે 8 લાખ શિક્ષકો છે - જેમાંથી હજારો લાખોને મતદાનને લગતી ફરજો સોંપાઈ હતી. અને પ્રચંડ કવાયત સમી ચૂંટણી. 8 લાખથી વધુ બેઠકો પર ચૂંટણી લડતા 1.3 લાખ ઉમેદવારો, અને ઉમેદવારો પસંદ કરવા હકદાર 130 લાખ યોગ્ય મતદારો હોય ત્યારે દેખીતું છે કે (શિક્ષકો અને અન્ય)મતદાન અધિકારીઓએ હજારો માણસો સાથે સંપર્કમાં આવવું પડ્યું હતું, જેમાં હકીકતમાં નહિવત સલામતી પ્રોટોકોલ (શિષ્ટાચાર) જળવાયા હતા.
ભૂતકાળમાં યુ.પી.ની પંચાયતની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે - દાખલા તરીકે, સપ્ટેમ્બર 1994 થી એપ્રિલ 1995 સુધી. રાજ્યના ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર સતિષકુમાર અગ્રવાલ પૂછે છે, તો પછી "અભૂતપૂર્વ મહામારી અને અને આપણી આંખ સામે ઉભા આ માનવીય સંકટ વચ્ચે આ ઉતાવળ શા માટે?”
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ચૂંટણી યોજવાને અને શાળાના શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓના મોતને કોઈ જ પ્રકારનો સંબંધ હોવાની શક્યતાને સાવ નકારી કાઢી છે. 12 મી મેના રોજ તેમણે નોઈડામાં પત્રકારોને પૂછ્યું હતું, “દિલ્હીમાં કોઈ ચૂંટણી હતી કે? મહારાષ્ટ્રમાં હતી?” અલાહાબાદ હાઈકોર્ટના માથે જવાબદારી નાખવાના પ્રયાસો પણ કરાયા છે. મુખ્યમંત્રી આદિત્યનાથે પત્રકારોને કહ્યું કે, "પંચાયતની ચૂંટણી હાઇકોર્ટના નિર્દેશો અનુસાર યોજાઇ હતી."
આ અર્ધસત્ય છે. કોર્ટે ચૂંટણીઓ મુલતવી રાખવાની અરજીને નકારી કાઢી હતી એ સાચું. પણ તે ખાનગી અરજી હતી, રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી નહોતી. (બંધારણીય જરૂરિયાત મુજબ પંચાયતની ચૂંટણીઓ 21 મી જાન્યુઆરી, 2021 પહેલા થઈ ગઈ હોવી જોઈએ). પરંતુ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોવિડ -19 પ્રોટોકોલનું કડકમાં કડક પાલન થાય તે સુનિશ્ચિત કરીને ચૂંટણીઓ યોજવામાં આવે.
અલાહાબાદ હાઈકોર્ટે 6 ઠ્ઠી એપ્રિલે કહ્યું હતું કે તેનું માનવું છે કે રાજ્ય તમામ સલામતી પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરશે અને હકીકતમાં યુપી સરકારે "ચૂંટણી પ્રચાર દરમિયાન પાલન કરવાના પ્રોટોકોલ જાહેર કરી દીધા હતા." તેમાં વધુમાં આદેશ આપવામાં આવ્યો હતો કે "પંચાયત રાજની ચૂંટણીઓ એવી રીતે યોજવી જોઈએ કે જેથી લોકો એકઠા ન થાય. પછી તે નામાંકન હોય, પ્રચાર હોય કે વાસ્તવિક મતદાન, COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન થાય તેનું ધ્યાન રખાવું જોઈએ." બીજા શબ્દોમાં કહીએ તો, મતદાન "હાઈકોર્ટના નિર્દેશો મુજબ” યોજાયું નહોતું. શિક્ષકોના સંગઠનો કહે છે કે અદાલતના આ નિર્દેશોનું ઉલ્લંઘન શિક્ષકો માટે વિનાશ નોતરનારું બની રહ્યું.
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને સંબોધીને શિક્ષકોના સંગઠનોના તાજેતરના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'માનનીય સુપ્રીમ કોર્ટ (સર્વોચ્ચ અદાલત) ની સુનાવણી દરમિયાન પણ શિક્ષક મહાસંઘે તેના વકીલ મારફત તેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. જો કે સરકારી વકીલે માનનીય સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે મતગણતરી દરમિયાન લોકોને કોવિડ ઇન્ફેક્શનથી બચાવવા માટેની માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવામાં આવશે."
હૃદયને વલોવી નાખે એવા એક વાક્ય દ્વારા પત્ર ધ્યાન દોરે છે: "એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે આટલી મોટી સંખ્યામાં શિક્ષકોના મોત બદલ હજી સુધી કોઈએ જ દુઃખની લાગણી વ્યક્ત કરી નથી, ન તો બેઝિક એડયુકેશન ડિપાર્ટમેન્ટે, કે ન તો ઉત્તર પ્રદેશ સરકારે."
ચહેરાને માસ્કથી ઢાંકવાના અને સામાજિક અંતર જાળવવા સહિતના તમામ પ્રોટોકોલ જેનું ચુસ્તપણે અને સાવધાનીપૂર્વક પાલન થાય એ સુનિશ્ચિત કરવું જરૂરી હતું તેનું "પાલન ન કરવા" બદલ 26 મી એપ્રિલે કોર્ટે એસઇસીને નોટિસ ફટકારી હતી. સરકાર અથવા એસઈસી કોર્ટના આદેશોથી નાખુશ હોત તો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શક્યા હોત. પણ તેઓએ તેમ કર્યું નહીં. આ અગાઉ પણ માર્ચના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં મોટા પાયે હોળીની ઉજવણી દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય દ્વારા કોઈ વાસ્તવિક પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.
મહત્વનું છે કે, અલાહાબાદ હાઈકોર્ટે 12 મી મેના રોજ જણાવ્યું હતું કે પંચાયતની ચૂંટણીમાં ફરજ બાદ કોવિડ -19 ને કારણે મૃત્યુ પામેલા મતદાન અધિકારીઓ (શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ) ના પરિવારોને રાજ્યએ નૈતિક ફરજની રૂએ વળતર રૂપે ઓછામાં ઓછા 1 કરોડ રુપિયા મંજૂર કરવા જોઈએ. ન્યાયાધીશો સિદ્ધાર્થ વર્મા અને અજિત કુમારની ખંડપીઠના શબ્દોમાં: "આ કોઈ એવો કિસ્સો નથી કે ચૂંટણી દરમિયાન કોઈએ સ્વેચ્છાએ સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપી હતી, એથી ઊલટું જેમને ચૂંટણી સંબંધિત ફરજ સોંપવામાં આવી હતી તેમને માટે ચૂંટણી દરમિયાન તેમની ફરજો બજાવવાનું ફરજિયાત કરાયું હતું, એ અંગે તેમણે પોતાની અનિચ્છા દર્શાવી હોવા છતાં."
નોંધનીય છે કે દેશની કોઈ પણ અદાલતે ઉત્તરાખંડ અથવા ઉત્તર પ્રદેશની સરકારોને કુંભ મેળો એક વર્ષ વહેલો યોજવા કોઈ આદેશ આપ્યો નહોતો. હરિદ્વારમાં કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે અને તે પછીનો કુંભ મેળો 2022 માં ત્યાં યોજાનાર હતો જ. તેમ છતાં કુંભ એ એક બીજો મહત્ત્વનો સામુહિક જમાવડાનો ઉપક્રમ હતો, જેના ઘણા દિવસો આ વર્ષે જે સમયગાળામાં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ તે જ સમયગાળામાં ઉજવાયા. કુંભ મેળાને 2022 થી 2021 સુધી આગળ લાવવાની જરૂરિયાત અંગે ઉત્કટ જ્યોતિષીય અને ધાર્મિક તર્કસંગતતાઓ આગળ ધરાઈ છે. પરંતુ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ-માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા 'સફળતાપૂર્વક' કુંભ મેળો અને પંચાયતની ચૂંટણીઓ યોજવાની રાજકીય જરૂરિયાતની બહુ ઓછી ચર્ચા કરવામાં આવી છે. કુંભ મેળો અને પંચાયતની ચૂંટણીઓ બંને જો સંપૂર્ણપણે વિનાશક સાબિત થયા ન હોત, તો વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને મહાન સિદ્ધિઓ તરીકે ટાંકી તેમનો (રાજકીય લાભ માટે) 'ઉપયોગ' થઈ શક્યો હોત.
આ છે દુર્ઘટના પરનો પારીનો (10 મેનો) મુખ્ય લેખ:













