પોતાની સાત વર્ષની પુત્રી નવ્યાની વાત કરતા શિશુપાલ નિષાદ કહે છે, "તે 'મમ્મીને લઈ આવો' કહેતી કલાકો સુધી રડતી રહે છે." ઉત્તર પ્રદેશના સિંગતાઉલી ગામના 38 વર્ષના શ્રમિક ઉમેરે છે, "પણ હું તેને લાવું ક્યાંથી? મને લાગે છે કે હું પણ ગાંડો થઈ ગયો છું. અમે અઠવાડિયાઓથી ઊંઘ્યાં નથી."
શિશુપાલના પત્ની મંજુ - નવ્યાના માતા - જાલૌન જિલ્લાના કુથોન્દ બ્લોકની સિંગતાઉલી પ્રાથમિક શાળામાં ‘શિક્ષા મિત્ર’ અથવા પેરા-ટીચર હતા. યુપીની પંચાયતની ચૂંટણીઓમાં ફરજિયાત ફરજ બાદ કોવિડ -19 માં મૃત્યુ પામેલા 1621 શાળા શિક્ષકોની યાદીમાં તેમનું નામ 1282 મા ક્રમે છે. તેમના મૃત્યુ સુધી એ પાંચ સભ્યોનું કુટુંબ હતું જો કે તે કુટુંબ માટે મંજુ નિશાદ એક આંકડાથી ઘણું ઘણું વધારે હતા
તેઓ ત્રણ બાળકોના માતા હતા અને પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા, જેઓ મહિને 10000 રુપિયા કમાઈને ઘેર લાવતા. કરાર પર કામ કરનારા અને કાર્યકાળની કોઈ સુરક્ષા ન હોય તેવા શિક્ષા મિત્રોને મહિને માત્ર 10000 રુપિયા જેવી મામૂલી રકમ ચૂકવવામાં આવે છે -19 વર્ષ સુધી તે ક્ષમતામાં કામ કરનાર મંજુ જેવી વ્યક્તિને પણ. શિક્ષા મિત્ર ખરેખર શીખવે છે, પરંતુ શિક્ષણ સહાયક (અથવા શિક્ષકના સહાયક) તરીકે વર્ગીકૃત થયેલ છે.
શિશુપાલ પોતે બુંદેલખંડ એક્સપ્રેસ વેના બાંધકામ સ્થળે શ્રમિક તરીકે કામ કરતા અને દિવસના 300 રુપિયા કમાતા. તેઓ કહે છે, “એક્સપ્રેસ વેનો એ તબક્કો જ્યાં હું કામ કરતો હતો તે, બે મહિના પહેલા પૂરો નહોતો થયો ત્યાં સુધી મેં એ કામ કર્યું. નજીકમાં કોઈ બીજું બાંધકામ કાર્ય ચાલતું ન હતું. આ પાછલા મહિનાઓમાં અમે મારી પત્નીની આવક પર નભી રહ્યા હતા."
15, 19, 26 અને 29 મી એપ્રિલના રોજ યોજાનારી યુપીની પ્રચંડ ચાર તબક્કાની પંચાયતની ચૂંટણીઓમાં હજારો શિક્ષકોને ચૂંટણી સંબંધિત ફરજ સોંપવામાં આવી હતી. શિક્ષકો પહેલા એક દિવસની તાલીમ માટે ગયા, પછી બે દિવસની ચૂંટણી સંબંધિત ફરજો માટે - પહેલે દિવસે તૈયારી માટે અને પછી મતદાનના વાસ્તવિક દિવસે. પાછળથી 2 જી મે એ મતગણતરી માટે ફરીથી હજારો (શિક્ષકો) ફરજ પર હાજર થાય એ જરૂરી હતું. આ ફરજો માટે હાજર થવું ફરજિયાત હતું અને મતદાન મુલતવી રાખવા માટેની શિક્ષક સંગઠનોની અરજીઓને અવગણવામાં આવી હતી.
યુ.પી. શિક્ષક મહાસંઘે (ટીચર્સ ફેડરેશને) તૈયાર કરેલી 1621 (મૃતકો) ની યાદીમાં 193 શિક્ષા મિત્રો છે - જેઓ મૃત્યુ પામ્યા હતા. જેમાં મંજુ સહિત 72 મહિલાઓ હતી. જો કે 18 મી મેના રોજ યુપી બેઝિક એજ્યુકેશન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ નોટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા લોકો જ વળતર મેળવવા હકદાર છે. અને શિક્ષકોના કિસ્સામાં તેનો અર્થ એ થશે કે ફક્ત જેઓ તેમના ફરજ સ્થળે અથવા ઘેર જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા તેઓ જ વળતર મેળવવા હકદાર છે . પ્રેસ નોટ કહે છે: "જો વ્યક્તિ આ સમયગાળા દરમિયાન કોઈપણ કારણથી મૃત્યુ પામે તો તેને વળતર ચૂકવવું જરૂરી છે, જે રાજ્ય ચૂંટણી પંચ [સ્ટેટ ઈલેક્શન કમિશન - એસઈસી] દ્વારા મંજૂર કરવામાં આવશે."








