રોપી પાસે તેઓ જેનો સંદર્ભ આપી શકે એવો કોઈ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ નહોતો તેમ છતાં તેમણે ખાનગી પ્રસૂતિગૃહના ડૉક્ટરને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું (ગર્ભમાં) જોડિયા બાળકો છે.
રોપી મન્નુ બેટે થોડા આનંદ અને ખૂબ રમૂજ સાથે લગભગ બે વર્ષ પહેલાંની ઘટનાનું વિગતવાર વર્ણન કરે છે. “કાન મેં વો લગાયા [તેણે તે વસ્તુ તેના કાનમાં પહેરી],” સ્ટેથોસ્કોપથી તપાસતા ડૉક્ટરની નકલ કરતા તેઓ કહે છે. ડૉક્ટરે અશક્ત સગર્ભા મહિલાના સાધારણ કદના પેટ પર છેલ્લી નજર નાખી અને રોપીના જોડિયા બાળકોના અનુમાન સાથે તેઓ અસંમત થયા.
દવાખાનાના ડિલિવરી રૂમમાં ટિપોઈ પર બેસવા પાછા ફરતા પહેલા તેમણે (રોપીએ) ફરીથી કહ્યું, "મેડમ, દો હોતા, દો [મેડમ બે, (ગર્ભમાં) બે બાળકો હશે]." લગભગ 70 વર્ષના રોપી અને તે સમય સુધીમાં તો પીડાથી તડપતી પ્રસૂતા માતા ઉત્તર-પૂર્વ મહારાષ્ટ્રમાં મેલઘાટ જંગલના સીમાડે આવેલા તેમના ગામ જૈતાદેહીથી 20 કિલોમીટર દૂર પરતવાડા શહેરમાં હતા.
સાંજ સુધીમાં એક છોકરો જન્મ્યો અને થોડી સેકન્ડ પછી બીજા બાળકનું માથું બહાર આવ્યું. આ વખતે એક છોકરી હતી - જોડિયા બહેન.
પોતાના પરંપરાગત માટીના મકાનના વરંડાના એક છેડે લાકડાના ખાટલાના પાટિયા પર બેઠેલા રોપી મોટેથી હસે છે, ગાયના છાણથી લીંપેલી તેમના ઘરની ભોંય ચમકતી હતી. (ઘરની) અંદર લાકડાના મોભવાળા ત્રણ ઓરડાઓ ખાલી છે, તેમના જુવાન દીકરાઓ પરિવારના બે એકરના ખેતરમાં કામ પર ગયા છે.
તેઓ કંઈક ચીડથી કોરકુમાં એક ગાળ બોલે છે - જેનો શાબ્દિક અર્થ ગધેડાની** થાય છે - અને થોડું વધારે હસે છે, ને તેમના ચહેરા પરની કરચલીઓ વધુ ઊંડી થાય છે. શહેરના એક ડોક્ટરને ગાળ ભાંડી શકવાની પોતાની એ ઉપલબ્ધિને યાદ કરી જાતે જ રાજી થતા હોય એમ તેઓ કહે છે, "મેં એ જ તો તેમને (ડોક્ટરને) કહ્યું હતું."
(રોપીનો) આ આત્મવિશ્વાસ આવે છે ચાર દાયકાથી વધુના તેમના અનુભવમાંથી - કોરકુ સમુદાયના રોપી જૈતાદેહીના છેલ્લા-છેલ્લા બાકી બચેલા પરંપરાગત દાયણ છે, અને તેઓ કહે છે કે તેમણે ઓછામાં ઓછા 500-600 બાળકોને જન્મ અપાવવામાં માતાઓની મદદ કરી હશે. તેમણે ક્યારેય એની કોઈ ગણતરી રાખી નથી. તેઓ દેખીતી રીતે જ અભિમાનથી કહે છે કે જ્યારે તેઓ પ્રસૂતિની જવાબદારી સંભાળતા હતા ત્યારે એક પણ બાળક મૃત જન્મ્યું નહોતું. "સબ ચોખા [બધા (બાળકો) તંદુરસ્ત (જન્મ્યા) હતા]." દાયણો પરંપરાગત જન્મ પરિચારકો (ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્ટ્સ - ટીબીએ) છે જે મિડવાઇફ (બાળજન્મની પ્રક્રિયામાં માતાની મદદ કરનાર વ્યક્તિ) તરીકે સેવા આપે છે, જો કે તેમણે કોઈ પણ જાતની આધુનિક તાલીમ લીધેલ નથી કે નથી તેમની પાસે કોઈ પ્રમાણપત્ર.
મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં અમરાવતી જિલ્લાના ધર્નિ અને ચિખલદરા બ્લોકના ગામડાઓમાં રહેતા મેલઘાટ જંગલના કોરકુ આદિવાસીઓ માટે ઘણા લાંબા સમયથી રોપી જેવી મહિલાઓ બાળકોને ઘેર જન્મ આપવાની પરંપરાના રખેવાળથી આગળ વધીને કંઈક વધુ છે. અનુભવી મિડવાઇફ તરીકે તેઓ પ્રસૂતિ પહેલાની સંભાળ પણ પૂરી પાડે છે અને દૂરના, જંગલથી છવાયેલા અને પહાડી વિસ્તારોમાં, જે વિસ્તારોમાંથી બહાર નીકળી તબીબી જરૂરિયાતો માટે બીજા સ્થળે પહોંચવું ઘણી વાર મુશ્કેલ હોય છે તેવા વિસ્તારોમાં, આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.
રોપી કહે છે કે મેલઘાટના મોટાભાગના ગામોમાં હજી એક કે બે દાયણો છે, પરંતુ તે બધા હવે વૃદ્ધ થયા છે અને ટીબીએની આગામી પેઢી ઉભરી આવી નથી. જૈતાદેહીના બીજા એક માત્ર દાયણ કેટલાક વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. રોપીનું માનવું છે કે તેઓ પોતાની પાછળ એકાદ દીકરી કે દીકરાની વહુ છોડી ગયા હશે જેણે આ પરંપરાગત કુશળતા હસ્તગત કરેલી હોય પરંતુ આજ સુધી તે પરિવારમાંથી કોઈ દાયણનું કામ કરવા આગળ આવ્યું નથી.
રોપીના બધા જ બાળકો તેમની માતા અને એક દાયણની મદદથી ઘેર જ જન્મ્યા હતા. તેમને ચાર દીકરા હતા, જેમાંથી એકનું એક દાયકા પહેલા બીમારીથી મૃત્યુ થયું હતું. તેમને બે દીકરીઓ પણ છે, બંને પરણેલી છે અને જૈતાદેહીમાં જ રહે છે, તેમને પૌત્રો-પૌત્રીઓ અને પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ પણ છે. (રોપી કહે છે કે તેમની એક દીકરી (પરંપરાગત દાયણનું) આ કામ થોડું-ઘણું શીખી હતી ખરી, પણ તેમની દીકરીઓએ આ કામ હાથમાં લેવાની ના પાડી દીધી છે.)
તેઓ ઉમેરે છે, "મારા દીકરાની વહુ તો બહુ ગભરાય, એ તો જે રૂમમાં (પ્રસૂતા) મહિલા બાળકને જન્મ આપતી હોય ત્યાં મારી સાથે ઊભી પણ ના રહે. ટાંકા લેવાનો દોરો કે કપડું કે બીજું કંઈ પણ મારે જોઈતું હોય તો એ મને આપે ય નહીં." લોહી જોતા જ એકદમ થરથર કાંપવા માંડતી યુવાન વહુની નકલ કરતા તેઓ કહે છે, “ઐસા કાંપને લગતા [એ તો ધ્રૂજવા જ માંડે છે]."
રોપી યાદ કરે છે કે જૂની પેઢીઓની મહિલાઓ રોજબરોજની શારીરિક પ્રક્રિયાઓથી ગભરાતી નહોતી. “અમારે છૂટકો નહોતો, અમારે બહાદુર બન્યા વિના ચાલે એમ નહોતું. દરેક નાની-નાની વસ્તુ માટે દોડાદોડી કરવા કોઈ ડોકટરો અને નર્સો નહોતા.
તેમના માતા અને દાદી બંને દાયણો હતા અને દાદી (પ્રસૂતિના) કામ માટે જાય ત્યારે તેમની સાથે જતા-જતા જ તેઓ આ (પરંપરાગત દાયણની) કુશળતા શીખી ગયા હતા. રોપી કહે છે કે તેમની માતા જ્યારે બાળકોને જન્મ અપાવવામાં (માતાઓને) મદદ કરવા ઘેર જતા ત્યારે એક ઘડી ય સખણી બેસી ન શકતી આ ચંચળ દીકરીને - જે ક્યારેય શાળાએ ગઈ ન હતી તેને - પોતાની સાથે લઈ જતા નહોતા. તેમને યાદ છે કોરકુમાં કિશોર દીકરીને વઢતા તેઓ કહેતા, " બાકેઈ હેજેદો [બેસ ઘરમાં]." તેઓ ઉમેરે છે, "પરંતુ હું માંડ 12-13 વરસની જ હતી ત્યારે પણ મારા દાદી મને સાથે લઈ જતા." અને લગભગ 16 વર્ષની ઉંમરે રોપીના લગ્ન થયા તે પહેલા જ તેમણે પોતાના દાદીના મદદનીશ તરીકે કામ કરવાનું શરુ કરી દીધું હતું.
*****
મેલઘાટની ફરતે આવેલી ટેકરીઓ અને જંગલોમાં - જે જૈવ વિવિધતાનો એક મુખ્ય ભંડાર છે તેમાં - વિશાળ મેલઘાટ ટાઈગર રિઝર્વ આવેલ છે, તે 1500 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે. સૂકા પાનખર જંગલમાં આવેલા ગામોમાં કોરકુ અને ગોંડ એ સ્થાનિક સમુદાયો રહે છે. આમાંની ઘણી આદિવાસી વસાહતો ટાઈગર રિઝર્વની અંદર, તેના બફર ઝોનમાં અને તેના સીમાડે આવેલી છે. અહીંના લોકો મોટે ભાગે ખેડૂતો અને પશુપાલકો છે અને આવકના સ્ત્રોત તરીકે તેઓ વાંસ અને જડીબુટ્ટીઓ જેવી વન પેદાશો પર પણ આધાર રાખે છે.
મુખ્ય જંગલ વિસ્તારમાં આવેલ 150 પરિવારોનું ગામ બોર્ત્યાખેડા ચિખલદરા તાલુકા શહેરથી લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં લગભગ 70 વર્ષના ચારકુ બાબુલાલ કાસડેકર “મને યાદ છે ત્યારથી” દાયણ(નું કામ કરે) છે. તેઓ કહે છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તબીબી સુવિધાઓની પહોંચમાં થોડોઘણો સુધારો થયો છે તેમ છતાં આજે પણ મેલઘાટના દૂર-દૂરના ગામડાઓમાં દર 10 સગર્ભા મહિલાઓમાંથી લગભગ પાંચના પરિવારો બાળકને ઘેર જ જન્મ આપવાનું પસંદ કરે છે. (રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ 2015-2016, (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે), એનએફએચએસ-4 નોંધે છે કે ગ્રામીણ વિસ્તારોમાં 91 ટકાથી વધુ બાળજન્મ સંસ્થાકીય પ્રસૂતિ હતા, આ આંકડાઓ મેલઘાટના દૂરના ગામડાઓની વિશેષ વાસ્તવિકતાને આવરી શકતા નથી).
એપ્રિલ 2021માં બોર્ત્યાખેડાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી)નું પેટા-કેન્દ્ર મળ્યું, મેં જ્યારે તેની મુલાકાત લીધી ત્યારે એ માત્ર એક માળનું માળખું હતું, જેને પાણી માટેની પાઈપલાઈન હજી બે મહિના પછી મળવાની હતી. અહીં એક સહાયક નર્સ-મિડવાઇફ (એએનએમ) ફરજ પર હાજર હોય છે, તેઓ 24 કલાક ત્યાં ઉપલબ્ધ હોય છે. તેમને પહેલે માળે રહેણાંકની જગ્યામાં રહેવાનું હોય છે, પરંતુ બોર્ત્યાખેડાના એએનએમ શાંતા વિહીકે દુર્વે સ્થાનિક છે, તેઓ ગામમાં જ પરણેલા છે.
પેટા-કેન્દ્રમાં નિયુક્ત સામુદાયિક આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવવા માટેના ડોક્ટરની પોસ્ટ છે પરંતુ ગામલોકોએ મને કહ્યું કે પાણીની પાઈપલાઈનનો અભાવ આ પોસ્ટ પર નિયુક્ત થયેલ કોઈને પણ માટે અવરોધરૂપ છે. લગભગ 20 કિલોમીટર દૂર સેમાડોહ ગામમાં આવેલા પીએચસીમાં તાલીમ લઈ રહેલા નવા સ્નાતક થયેલા ડોક્ટર ટૂંક સમયમાં (મેં ગયા વર્ષે પેટા-કેન્દ્રની મુલાકાત લીધી હતી તે સમયની આસપાસ) જ આ પેટા-કેન્દ્રમાં જોડાવાના હતા .
એએનએમ કહે છે કે પરંતુ ઘણી સગર્ભા મહિલાઓ પેટા-કેન્દ્ર જવાનું પસંદ કરતી નથી. બાજુના મોર્શી બ્લોકમાં આવેલ પેટા-કેન્દ્રમાં એક દાયકાના અનુભવ પછી અહીં નિયુક્ત થયેલ લગભગ 30 વર્ષના શાંતા ઉમેરે છે, "તેમનામાંની જ કોઈ એક મહિલા તેમની પ્રસૂતિ સાંભળતી હોય તો મહિલાઓને તેના પર શ્રદ્ધા હોય છે."
સેમાડોહમાં આવેલ પીએચસીમાં પ્રસૂતિ કરાવવવામાં આવે ત્યારે પણ તેઓ ચારકુને સાથે આવવા વિનંતી કરે છે. શાંતા કહે છે કે, પરિવારો પણ દાયણની સલાહ ખુશીથી સ્વીકારી લે છે, અને બોર્ત્યાખેડામાં હવે કોઈ યુવાન દાયણ નથી, ચારકુના સેવાના વારસાને આગળ લઈ જનાર કોઈ રહ્યું નથી એ બાબતે તેઓ દુઃખ વ્યક્ત કરે છે. ગામની બીજી એક દાયણે વૃદ્ધાવસ્થાને કારણે કામ કરવાનું લગભગ બંધ જ કરી દીધું છે, અને તેમણે કેટલાક વર્ષો પહેલા યુનિસેફની સાથે મળીને સરકારે આયોજિત કરેલ ટૂંકા તાલીમ અભ્યાસક્રમમાં પણ ભાગ લીધો નહોતો.
એક દિવસીય અભ્યાસક્રમમાં ભાગ લેનાર ચારકુ કહે છે, “આપણે માનતા હોઈએ કે આપણે બધું જ જાણીએ છીએ, પરંતુ તેઓએ સાબુનો ઉપયોગ કરવો કેટલો જરૂરી છે, હાથ કેવી રીતે ધોવા અને નવી બ્લેડનો ઉપયોગ કરવા જેવી કેટલીક વધુ મહત્વની બાબતો અમને શીખવી."
વેણ ઊપડ્યું હોય (પ્રસવ-પીડા શરુ થઈ હોય) તેવી મહિલા સાથે તેઓ પીએચસી અથવા ક્યારેક જ ખાનગી દવાખાનામાં જાય છે ત્યારે પ્રસૂતિ મહિલા નર્સ દ્વારા કરવામાં આવે છે. ચારકુ કહે છે કે જ્યાં સુધી નર્સ તેઓ પોતે પ્રસૂતિ સંભાળી શકતા નથી એમ ન કહે કે ત્યાં સુધી પ્રસૂતા મહિલાઓ પુરૂષ ડોક્ટરને ટાળે છે. જો કોઈ ગૂંચવણ હોય તો જ ડોક્ટરને બોલાવવામાં આવે છે..
આ રીતે સાથે જવા માટે ચારકુને કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી. તો પછી તેઓ શા માટે સાથે જાય છે? “ચલો બોલા તો જાતી [જો તેઓ મને કહે તો હું જાઉં છું]. જો મારા ત્યાં રહેવાથી માતાને રાહત રહેતી હોય તો હું કેમ ના જઉં?''
ચારકુ કહે છે કે વર્ષો પહેલા તેમને ચૂકવણીરૂપે અનાજ આપવામાં આવતું - ચોખા અથવા ઘઉંની બે કે ત્રણ પાઈ - પાઈ હાથા વિનાના મોટા ઊભા પ્યાલા જેવું પિત્તળનું એક પરંપરાગત વાસણ છે. કેટલીકવાર નાની રોકડ રકમ બોનસ પેટે અપાતી.
દાયકાઓથી દાયણોની કમાણીમાં ખાસ સુધારો થયો નથી. જૂન 2021 માં હું ચારકુને મળી તેના અઠવાડિયા પહેલા તેમણે કરાવેલી છેલ્લી પ્રસૂતિ માટે તેમને 500 રુપિયા અને ચાર કિલો ઘઉં આપવામાં આવ્યા હતા. પ્રસૂતિ ઝડપથી થઈ ગઈ હતી, લગભગ વેણ ઊપડતાની સાથે જ બાળકનો જન્મ થયો હતો. તેઓ કહે છે, "પ્રસૂતિમાં વાર લાગી હોત, તો પણ મને તો એટલા જ પૈસા મળત."
લગભગ પાંચ વર્ષ પહેલા ચારકુના પતિનું મૃત્યુ પામ્યા હતા; તેઓ એક એકર જમીનમાં ખેતી કરતા હતા, હવે તેમની દીકરી ને જમાઈ ત્યાં ખેતી કરે છે. ચારકુ કહે છે કે દાયણ તરીકેના તેમના કામમાંથી ક્યારેય સ્થિર આવક મળતી ન હતી. તાજેતરના વર્ષોમાં કેટલાક મહિનાઓમાં તેમને 4000 રુપિયા સુધીની કમાણી થઈ છે તો કેટલાક મહિનાઓમાં માંડ 1000 રુપિયા ય નથી મળ્યા.
અહીંની મહિલાઓનો અંદાજ છે કે છેલ્લા ત્રણ દાયકામાં બોર્ત્યાખેડામાં જન્મેલા બાળકોમાંથી ઓછામાં ઓછા અડધા બાળકો એવા હશે કે જેમના જન્મ સમયે ચારકુ હાજર હોય. ચારકુના પોતાના પૌત્રો-પૌત્રીઓ અને પ્રપૌત્રો-પ્રપૌત્રીઓના જન્મ પણ તેમની મદદથી જ થયા છે.
તેમણે જે બાળજન્મ કરાવવામાં મદદ કરી હોય તેમાંના કેટલાક નવજાત શિશુઓ થોડા દિવસો પછી મૃત્યુ પામ્યા હતા એ યાદ કરતા તેઓ કહે છે, "જન્મ દરમિયાન નહીં, પરંતુ થોડા દિવસો પછી." આ મૃત્યુના કારણ તેમને ખબર નથી. પોતાની વાત વ્યાજબી ઠેરવતા તેઓ કહે છે, કોઈને ય (આ મૃત્યુના કારણ) ખબર નથી.
હવે તેમને આંખે ઝાંખુ દેખાય છે, પરિણામે તેઓ વધુ ને વધુ વાર પરિવારોને (પ્રસૂતિ માટે) પીએચસી અથવા નવા પેટા-કેન્દ્રમાં જવાની સલાહ આપે છે.
*****
રોપીને ખબર નથી કે તેમની ઉંમર કેટલી છે, તેમને તાજેતરમાં પગમાં તકલીફ થઈ રહી છે. ઘૂંટીની આસપાસ સોજો આવી ગયો છે અને તેના ઢીંચણમાં સખત દુઃખાવો છે. એ માટે તેમણે શહેરના ડોક્ટરની સલાહ લીધી નથી, અને સ્થાનિક વૈદે સૂચવેલ તેલ ઘસવાથી કોઈ ફાયદો થયો નથી.
જો કે તેઓ જૂના પરિચિતોને મળવા અને પોતાની દીકરીઓને મળવા જવા ગામમાં હરે-ફરે છે છતાં પ્રસૂતિ માટે તેમનો સંપર્ક સાધતા મોટાભાગના પરિવારોને તેઓ ના પાડે છે, કારણ તેમને પોતાને ખાત્રી નથી કે તેઓ ક્યાં સુધી ઘરની બહાર હરી-ફરી શકશે અને તેમની આંખો પણ હવે કેટલી સારી રહી હશે. રોપી કહે છે, “હું તેમને [પરતવાડા નગરમાં આવેલા] શહેરના દવાખાનામાં ફોન કરવાનું કહું છું, અને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી હું તેમની સાથે રાહ જોઉં છું. કોઈ વાર જો વાહન તરત જ ગામ પાછું ફરવાનું હોય તો હું સાથે જઉં છું."
દાયણ તરીકે ખાસ્સું કામ મળતું હતું એ વર્ષોમાં તેઓ જૈતાદેહીમાં ઝડપથી અને સ્વસ્થતાથી પરિસ્થિતિઓને પહોંચી વળવાની તેમની રીત માટે જાણીતા હતા. "અગાઉ તેઓ મને બોલાવવા આવતા ત્યારે હું તેમને પહેલેથી કહી દેતી કે મારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે - એક બ્લેડ, ધાગા [દોરો, ટાંકા લેવા માટે], સુઈ [સોય]." પેરીનિયલ ટેર માટે ટાંકા લેવામાં અનેક દાયણો માહેર હોય છે, આ જાણે કોઈ બહુ મોટી વાત ન હોય તેમ તેઓ ખભા ચડાવે છે.
એ પછી વેણ ઉપડવાની હજી માત્ર શરૂઆત જ થઈ છે કે વધારે આગળના તબક્કામાં પહોંચેલું છે તેના આધારે તેઓ પોતાના કામકાજ આટોપીને ઝડપભેર ચાલતા ભાવિ-માતાના ઘેર, જ્યાં ચિંતાતુર પરિવારજનો ભેગા થયેલા હોય ત્યાં, પહોંચી જતા.
રોપી હંમેશા સૌથી પહેલા પ્રાર્થના કરીને (તેમના કામની) શરૂઆત કરતા, પછી પ્રસૂતા મહિલાનું ડાયલેશન તપાસતા પહેલા હાથ ધોઈ લેતા.
“[ભાવિ-માતાની] માતા કંઈ કરતી ન હોય, પરંતુ તે હંમેશા તેની દીકરીની પાસે જ હોય, રડતી ય હોય. માતાની આજીજીઓ તેની દીકરીની વેદનાની ચીસો સાથે મેળ ખાતી હોય. માતાઓ પોકારતી, ‘ઓ માઈ, જલદી કર દો માઈ', [‘ઓ મા, તેની પીડા જલ્દી ખતમ કર, મા’]. રોપી આવેશથી કહે છે, "જાણે બધું મારા હાથમાં ન હોય!”
ક્યારેક પ્રસવ-પીડા કલાકો સુધી ચાલુ રહેતી અને રોપી ઝડપથી થોડું કંઈક ખાઈ લેવા અથવા તેમના પતિ અથવા દીકરાને જમવાનું પીરસવા ઘેર પાછા ફરતા. “તે કિસ્સાઓમાં માતાઓ વધારે મોટેથી રડવા માંડતી અને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી મને બહાર ન જવા કહેતી. પરંતુ ક્યારેક ક્યારેક તો પ્રસવ-પીડા આખી રાત કે આખો દિવસ ચાલે. એ સંજોગોમાં બીજા બધા ગભરાઈ જાય, પણ હું ના ગભરાઉં.”
ઘણીવાર તેઓ સગર્ભા સ્ત્રીના પેટ પર માલિશ કરવા માટે થોડું તેલ (રસોડામાં મળી રહેતું કોઈ પણ તેલ) માગતા. રોપી કહે છે કે તેઓ પેટને અડકીને નક્કી કરી શકતા કે બાળક ઊંધુ છે કે નહીં, અથવા યોગ્ય દિશામાં જોરથી બરોબર મસાજ કરીને ગર્ભના માથાને યોગ્ય દિશામાં ગોઠવી શકાય તેમ છે કે નહીં. જન્મ સમયે બાળકના પગ પહેલા બહાર આવ્યા હોય એવા કિસ્સાઓ પણ બન્યા હતા, પરંતુ તેઓ દાવો કરે છે કે આ પ્રકારના જન્મોમાં પણ તેમને કોઈ ખાસ મોટી તકલીફ પડી નહોતી.
બીજી પરંપરાગત માન્યતાઓથી છૂટકારો મેળવવો વધુ મુશ્કેલ છે. ચારકુ કહે છે કે નવમો મહિનો પૂરો થયા પછી પણ જો વેણ ન ઉપડે તો તેઓ સગર્ભા મહિલાને ભૂમકાળે મંત્રેલા પાણીના થોડા ઘૂંટડા પીવડાવવાની સલાહ આપે છે
રોપી ઉમેરે છે કે સામાન્ય રીતે પ્રસૂતિ થઈ ગયા પછી દાયણ જે જગ્યાએ બાળકને જન્મ આપ્યો હોય તે જગ્યા સાફ કરે છે. તેઓ કહે છે, “અને પહેલા અમે બાળકને તરત જ નવડાવતા. હવે અમે તેમ કરવાનું બંધ કરી દીધું છે." પરંપરાગત પ્રથા મુજબ બાળકને નવડાવીને પછી જ તેને પહેલી વાર સ્તનપાન કરાવવા માતાને સોંપવામાં આવતું.
ચારકુ પણ આ વાત સાથે સહમત છે. “અગાઉ અમે બાળકનો જન્મ થાય એ પછી તરત જ તેને હૂંફાળા પાણીથી નવડાવતા. અને કેટલીકવાર બાળકને થોડા દિવસો પછી જ માતાનું દૂધ આપવામાં આવતું." કેટલાક પરિવારો બાળકને પહેલે દિવસે માત્ર ગોળનું પાણી અથવા મધવાળું પાણી જ આપતા.
નવજાત શિશુને નવડાવવાની પ્રથા હવે ભાગ્યે જ અનુસરવામાં આવે છે. મુખ્યત્વે સ્થાનિક એએનએમની સલાહ, સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવાના અભિયાનો અને મેલઘાટની બાળ મૃત્યુદરની સમસ્યા પર રાજ્ય-સ્તરે ધ્યાન અપાવાને કારણે આ ફેરફાર જોવા મળ્યો છે. (વિવિધ અભ્યાસો અને અહેવાલો એ આ પ્રદેશના ઊંચા બાળ મૃત્યુ દર અને ગંભીર કુપોષણ વિશે વાત કરી છે). બોર્ત્યાખેડાની એએનએમ શાંતા કહે છે કે હવે સામાન્ય રીતે જન્મ પછીની વિધિઓ અને દેવતાઓને ચડાવાતા ભોગ કરતાં બાળકના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે, અને સરકાર-યુનિસેફની (સંયુક્ત ભાગીદારીથી અપાયેલી) તાલીમે ઘેર કરાવવામાં આવતી પ્રસૂતિ પ્રક્રિયાઓમાં સલામતીનું વધુ સારું સ્તર સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે.
હવે માતા થોડી મિનિટો આરામ કરી લે પછી બાળક હલનચલન કરવા માંડે ત્યારે સૂતા સૂતા અથવા બેસીને સલામત સ્થિતિમાં બાળકને સ્તનપાન કેવી રીતે કરાવવું એ દાયણ માતાને સમજાવે છે. અને ચારકુ કહે છે કે હવે તો (જન્મના) અડધા કલાકમાં જ બાળકને માતાનું દૂધ આપવામાં આવે છે.
બીજી પરંપરાગત માન્યતાઓથી છૂટકારો મેળવવો વધુ મુશ્કેલ છે. ચારકુ કહે છે કે નવમો મહિનો પૂરો થયા પછી પણ જો વેણ ન ઉપડે તો તેઓ સગર્ભા મહિલાને ભૂમકાળે (પરંપરાગત આધ્યાત્મિક ઉપચારકે) મંત્રેલા પાણીના થોડા ઘૂંટડા પીવડાવવાની સલાહ આપે છે.
રોપી કહે છે કે ગર્ભવતી મહિલાને દીકરો થશે કે દીકરી તેની આગાહી કરવાનું તેમને ગમે છે. તેઓ દાવો કરે છે કે નર ભ્રૂણ હોય તો પેટ આગળની તરફ વધેલું દેખાય. માદા ભ્રૂણ હોય તો પેટ બંને બાજુ તરફ વધેલું દેખાય." પરંતુ તેઓ પણ આ સામાન્યીકરણને હસી કાઢે છે અને કહે છે કે આ તો થોડુંઘણું અનુમાન છે અને બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી માણસને તેના લિંગની ખબર ન પડે એવી જ ભગવાનની ઈચ્છા છે.
બોર્ત્યાખેડામાં ગામલોકો કહે છે કે પરંપરાગત દાયણો સમુદાયના સ્વાસ્થ્યમાં સહાયક ભૂમિકા ભજવે છે, સગર્ભા મહિલાઓને પ્રસૂતિના છેલ્લા દિવસ સુધી રાજ્ય તરફથી મળતી સહાય (નિયમિત તપાસ, આયર્ન-ફોલિક એસિડ અને કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ પહોંચાડવા) બાબતે તેમની ભૂમિકા મહત્ત્વની છે, તેઓ બાળ-જન્મની યોજના તૈયાર કરે છે અને પ્રસૂતાને સમયસર હોસ્પિટલમાં દાખલ કરાવે છે.
નજીક હોવાને કારણે પરતવાડા નગરના ખાનગી વ્યવસાયીઓ સુધી સરળતાથી પહોંચી શકતા જૈતાદેહીના ગામલોકોને રોપી પછી કોઈ (પરંપરાગત) દાયણ નહીં મળે તેની ખાસ ચિંતા નથી. દરમિયાન રોપી કહે છે કે જ્યાં બાળકોનો જન્મ કરાવવામાં આવે છે તે સરકારી સંસ્થાઓને તેઓ કેટલીક બાબતો જણાવવા માગે છે. તેઓ કહે છે કે, “કેટલીક સ્ત્રીઓ એટલી બધી પાતળી હોય છે, તેઓ નવ મહિના સુધી રોજેરોજ ઉલ્ટી કરે છે. તેઓ માંસ ખાવાની ના પાડે છે, અમુક પ્રકારના ખોરાક જોઈને મોઢું બગાડે છે. સગર્ભા સ્ત્રીઓએ તો બધું જ ખાવું જોઈએ. કંઈ પણ ખાવાની મનાઈ નથી. ડૉક્ટરોએ સગર્ભા સ્ત્રીઓને આ બાબતો વિશે પણ સલાહ આપવી જોઈએ."
તેમના સમુદાયમાં કોરકુ પરિવારમાં બાળકનો જન્મ થયા પછી પાંચમા દિવસની ઉજવણી માટે દાયણને આમંત્રિત કરવામાં આવે છે. બાળક શરૂઆતના અનિશ્ચિત સમયગાળામાં જીવી ગયું છે એના પ્રતીકરૂપે ઘણીવાર તેમને તે દિવસે ચૂકવણી કરવામાં આવે છે. રોપી દાર્શનિક ઢંગથી કહે છે, "કેટલાક (બાળકો) અકસ્માત મૃત્યુ પામે છે, કેટલાક બીમારીને કારણે તો કેટલાક જન્મ સમયે મૃત્યુ પામે છે. દરેક વ્યક્તિએ એકને એક દિવસ તો મારવાનું જ છે. પરંતુ પ્રસૂતિ સુખરૂપ પર પડે એમાં માતા અને બાળક બંનેની જીત છે.
રોપી કહે છે કે બાળકો જીવિત રહેવા બદલ લોકો તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે તે જ દાયણ તરીકે તેમની સૌથી મોટી ખુશીઓમાંની એક હતી. અને હવે તેઓ પહેલા જેટલું કામ કરી શકતા નથી ત્યારે એ જ તેમને સૌથી વધુ યાદ આવે છે. તેમની મદદ લેવા આવતા મોટાભાગના લોકોને તેઓ પાછા મોકલે છે. તેઓ તેમને કહે છે, "જાઓ બાબા, અબ મેરે સે હોતા નહીં, હવે મારાથી નથી થતું."
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક