57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની માલિકી ધરાવે છે. જો કે, ત્યાં માત્ર એક સમસ્યા છે. તેમની માલિકીની ખેતીની જમીન નજીક જવાની તેમને મંજૂરી નથી.
તેમના જમીનના માલિકી–હકના કાગળો, કે જે હવે ફાટી જાય તેવા અને પીળા પડી ગયેલા છે, તે બતાવતાં તેઓ કહે છે, “મારી પાસે મારી માલિકીનો પુરાવો છે. પરંતુ [જમીનનો] કબજો ઉચ્ચ જાતિના લોકો પાસે છે.”
અનુસૂચિત જાતિના ચમાર સમુદાયના મજૂર બાલાભાઈ મદદ માટે દરેક વ્યક્તિ તરફ વળ્યા છે — મદદ માટે હવે કોઈ દરવાજા ખટખટાવવાના બાકી નથી. તેઓ ઉમેરે છે, “હું દરરોજ ચૂક્યા વિના જમીન પર જાઉં છું. હું તેને દૂરથી જોઉં છું, અને કલ્પના કરું છું કે મારું જીવન કેવું હોત.”
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડ ગામે આવેલ તે ખેતીની જમીન, 1997માં ગુજરાતની જમીન વિતરણ નીતિ હેઠળ બાલાભાઈને ફાળવવામાં આવી હતી. ગુજરાત કૃષિ જમીનની ટોચમર્યાદા અધિનિયમ 1960, જે અંતર્ગત કૃષિ જમીનની માલિકી પર ટોચ મર્યાદા લાદવામાં આવી હતી, તે હેઠળ સંપાદિત કરાયેલ ‘વધારાની જમીન’ ને “સામાન્ય ભલાઈ માટે” નિર્ધારિત કરવામાં આવી હતી.
સાંથણી જમીન તરીકે ઓળખાતા આ સંપાદિત જમીન વિસ્તારોને, સરકારની માલિકીની પડતર જમીન સાથે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોના સભ્યોના પ્રાધાન્ય સાથે — ખેડૂતોની સહકારી મંડળીઓ, જમીનવિહોણા વ્યક્તિઓ અને ખેતમજૂરો સહિત — “ખેતી માટે જમીનની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ” માટે અલગ રાખવામાં આવ્યા હતા.
આ યોજના કાગળ પર કારગર પુરવાર થાય છે. પણ વ્યવહારમાં, એટલી નહીં.
જમીનનો માલિકી–હક મળ્યા પછી બાલાભાઈએ તેમની જમીન પર કપાસ, જુવાર અને બાજરીની ખેતી કરવાની યોજના બનાવી હતી. તેમણે ખેતરમાં એક નાનું ઘર બનાવવાનું પણ વિચાર્યું હતું, જેથી તેઓ જ્યાં કામ કરે ત્યાં રહી શકે. તે સમયે તેઓ 32 વર્ષના હતા, જે વખતે તેમનો એક યુવાન પરિવાર હતો અને ભવિષ્યમાં તેને આગળ ધપાવવાનું લક્ષ્ય હતું. તેઓ કહે છે, “મારે ત્રણ નાના બાળકો હતા. હું મજૂર તરીકે કામ કરતો હતો. મને લાગ્યું કે બીજાઓને ત્યાં સખત મહેનત કરવાના દિવસો હવે ખતમ થઈ ગયા છે. મારી પોતાની જમીન સાથે, મેં વિચાર્યું કે હું મારા પરિવારને સારું જીવન આપી શકીશ.”








