“કોરોના શરૂ થયો ત્યારથી કોચિયા (વચેટિયો) અમારે ગામ આવતો બંધ થઈ ગયો છે.” જમુનાબાઇ માંડવી કહે છે. ત્રણ અઠવાડિયા પહેલાં એ ટોપલા ખરીદવા આવેલો. એ ન આવે એટલે અમારા ટોપલા વેચાય નહીં. એટલે અમારી પાસે કશું ખરીદવાના પૈસા ન હોય.”
જમુનાબાઇ છત્તીસગઢના ધમાતરી જિલ્લાના નગરી બ્લોકના કૌહાબાહરા ગામમાં રહેતી ચાર બાળકોની માતા છે. લગભગ ૪૦ વર્ષની આ વિધવા સ્ત્રી કમાર સમુદાયની આદિવાસી છે. આ જૂથને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં વિષેશ રૂપથી નબળા આદિજાતી જૂથની યાદીમાં મૂકેલું છે. આ ગામમાં એના જેવા બીજા ૩૬ કમાર કુટુંબો છે. જમુનાબાઇની જેમ જ એ બધા પણ આસપાસના જંગલોમાંથી વાંસ કાપી લાવીને ટોપલા બનાવી ગુજરાન ચલાવે છે.
જમુનાબાઇ જેને ‘કોચિયા’ કહે છે એ આ વાંસના ટોપલા બનાવનાર બધાને માટે ખૂબ મહત્ત્વનો માણસ છે. આ વચેટિયાઓ કે વેપારીઓ દર અઠવાડિયે એમના ગામમાં ટોપલા ખરીદવા આવે છે અને એ ટોપલા શહેરોના બજારમાં કે ગામડાના અઠવાડિક હાટોમાં વેચાય છે.
છેલ્લે લગભગ એક મહિના પહેલા વચેટિયા કૌઆબાહરા આવેલા. કોવિડ-19નો લૉકડાઉન શરૂ થયો એ પછી એમનું આવવાનું બંધ થયું છે. જમુનાબાઇને ચાર બાળકો છે. બાર વર્ષની લાલેશ્વરી, એણે પાંચમી ભણીને ભણવાનું છોડી દીધું છે. આઠ વર્ષની તુલેશ્વરી, છ વર્ષની લીલા અને ચાર વર્ષની લખમી. એનો પતિ સિયારામ ચાર વર્ષ પહેલાં ચાળીસેક વર્ષની ઉમરે અતિસારના રોગમાં ગુજરી ગયો. જમુનાબાઇ માટે ચાર બાળકો સાથે જીવવાનું ઘણું અઘરું છે. લૉકડાઉનને કારણે માત્ર ટોપલા વેચવાની આવક જ નહીં, બીજા સ્રોતોમાંથી થતી આવક પર પણ માઠી અસર થઈ છે.
હમણા જંગલમાં મહુડાના ફૂલની ઋતુ પણ છે, જેમાંથી દેશી દારૂ બને છે. નબળા સમયે આ લોકોને મહુડા વેચવાની આવક પણ મળે છે.




