થોડા મહિના પહેલાં વરસોવા જેટી પર ખાડીને કિનારે બેઠેલા રામજીભાઇને મેં પૂછ્યું, ‘કેમ છો, શું ચાલે છે આજકાલ?’ એમના હાથમાં પકડેલી, નાની સરખી ટેંગડા માછલી દેખાડીને એમણે કહ્યું, ‘કંઈ નહીં, ટાઈમ પાસ. બસ આજે આટલું ઘેર લઈ જવા જેવું મળ્યું.’ બીજા માછીમારો પણ ગઇકાલે રાતે દરિયામાં રાખેલી જાળ સાફ કરતા હતા. જાળમાં માછલીઓ નહિ જેવી હતી, પ્લાસ્ટિક ઢગલે ઢગલા હતું.
“ખાડીના દરિયામાં હવે માછીમારી મુશ્કેલ બનતી જાય છે.” ઉત્તર મુંબઇના કે-પશ્ચિમ વૉર્ડના માછીમારોના ગામ વરસોવા કોલીવાડાના રહેવાસી ભગવાન નામદેવ ભાણજી કહે છે, “ખાડીના દરિયામાં હવે માછીમારી મુશ્કેલ બનતી જાય છે. સિત્તેર વરસથી હું અહીં જ રહ્યો છું. અમે નાના હતા ત્યારે આ દરિયો મોરિશિયસના દરિયા જેવો હતો. પાણી એવાં ચોખ્ખાં રહેતા કે એમાં પૈસો નાખોને તો ય દેખાય”.
ભગવાનજીના પડોશીઓની જાળમાં માછલીઓ આવે તો છે પણ ‘હવે દરિયામાં જાળ બહુ ઊંડે નાખવી પડે છે ને તો ય મોટી માછલીઓ તો બહુ મળતી જ નથી. છેલ્લા પચીસ વર્ષથી માછલી વેચવાનું કામ કરતી ભગવાનજીની અડતાલીસ વર્ષની પુત્રવધૂ પ્રિયા ભાણજી કહે છે, “પહેલા જેવી મોટી ઝીંગા માછલીઓ ય નથી આવતી. ધંધાને બહુ ખોટી અસર થાય છે.”
2010ની દરિયાઈ માછીમારી વિશેની વસ્તી ગણતરી મુજબ અહીં કોલીવાડામાં 1072 પરિવારો એટલે કે 4943 લોકો માછીમારીના કામમાં જોડાયેલા છે અને એ બધા પાસે માછલી ઓછી થઈ જવા વિષે કશુંક ને કશુંક કહેવા જેવું છે. એમના કહેવા મુજબ આ હાલતનું કારણ સ્થાનિક સ્તરે પ્રદૂષણથી લઈને વૈશ્વિક સ્તરે થઇ રહેલા વાતાવરણના ફેરફારો છે. આ બેઉ બાબતો મુંબઈ શહેરના વરસોવાના દરિયાકાંઠાને માઠી અસરો પહોંચાડી રહી છે.











