એ ૧૯૯૭નું વર્ષ હતું.
વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પશ્ચિમ બંગાળ અને મણિપુર એકબીજાની સામે રમી રહ્યા હતા. આ વાર્ષિક આંતર-રાજ્ય ટુર્નામેન્ટની છેલ્લી ત્રણ ફાઇનલમાં બંગાળ મણિપુર સામે હારી ગયું હતું, પરંતુ તેઓ હવે તેમની પીળી અને મરૂન જર્સીમાં શાનથી ઊભા હતા. ફૂટબોલર બંદના પૉલ પશ્ચિમ બંગાળના હલ્દિયા શહેરમાં દુર્ગાચક સ્ટેડિયમમાં તેમના ઘરેલું મેદાન પર ઊભા હતા.
સીટી વાગી અને મેચ શરૂ થઈ.
અગાઉ, આ ૧૬ વર્ષીય સ્ટ્રાઈકરે ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલ મેચમાં હેટ્રિક ફટકારી હતી. તે મેચમાં ગોવા સામે પશ્ચિમ બંગાળ જીત્યું હતું, પરંતુ તેમાં પૉલને ડાબા પગની ઘૂંટણમાં ઈજા થઇ હતી. તેઓ કહે છે: “હું હજુ પણ [પંજાબ સામે] સેમીફાઈનલમાં રમી હતી પરંતુ મને પીડા થઈ રહી હતી. તે દિવસે જ્યારે અમે ફાઇનલમાં પહોંચ્યા ત્યારે હું ઊભી પણ નહોતી રહી શકતી.”
પશ્ચિમ બંગાળના સૌથી યુવા ખેલાડી પૉલે ચેમ્પિયનશિપની ફાઈનલ બેન્ચ પરથી નિહાળી. મેચમાં ગણતરીની ક્ષણો બાકી હતી પણ બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. પશ્ચિમ બંગાળના કોચ શાંતિ મલિક ખુશ નહોતા. અને ૧૨,૦૦૦ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા વાળા સ્ટેડિયમમાં રાજ્યના મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી પણ એ દિવસે પ્રેક્ષકોમાં હોવાથી તેણી વધારે તણાવમાં હતી. મલિકે પૉલને તૈયાર થવા કહ્યું. પૉલ કહે છે, “‘મારી હાલત તો જુઓ’, મેં તેણીને કહ્યું. પરંતુ કોચે કહ્યું, ‘જો તમે ઊભા થશો તો એક ગોલ થશે. મારું હૃદય મને કહી રહ્યું છે’.”
તેથી પીડા ઘટાડવા માટે બે ઇન્જેક્શન અને ઇજા વાળા ભાગની આસપાસ ચુસ્તપણે ક્રેપ પટ્ટી બાંધીને, પૉલે કીટ પહેરી અને રાહ જોઈ. મેચ ડ્રો થવા તરફ જઈ રહી હતી અને ગોલ્ડન ગોલ માટે વધારાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો - જે પણ ટીમ પ્રથમ ગોલ કરશે તે ચેમ્પિયનશિપની વિજેતા કહેવાશે.
“મેં ક્રોસબાર તરફ લક્ષ્ય સાધ્યું, અને બોલ જમણી તરફ ફંટાયો. ગોલકીપરે કૂદકો માર્યો. પરંતુ બોલ તેની પાસેથી ઝટ કરતો નેટમાં પહોંચી ગયો.”
અહીં પૉલ એક અનુભવી વાર્તાકારની માફક સરળતાથી વિરામ લે છે. આ ફૂટબોલર હસતાં હસતાં કહે છે, “મેં મારા ઈજાગ્રસ્ત પગથી ગોલ માર્યો હતો. ગોલકીપર ગમે તેટલો ઉંચો કેમ ન હોય, ક્રોસબાર શોટને બચાવવા મુશ્કેલ હોય છે. મેં ગોલ્ડન ગોલ કર્યો હતો.”
તે મેચ પછી ચોથા ભાગની સદી વીતી ગઈ છે, પરંતુ ૪૧ વર્ષીય પૉલ હજી પણ ગર્વ સાથે તેને ફરીથી કહે છે. એક વર્ષ પછી, પૉલને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળી, જે ટૂંક સમયમાં બેંગકોક ખાતે ૧૯૯૮ની એશિયન ગેમ્સમાં રમવા માટે જવાની હતી.
અહીં સુધી, પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ઈચ્છાપુર ગામના આ ફૂટબોલર માટે તે એક સ્વપ્ન જેવું હતું: “મારા દાદી રેડિયો પર [ફાઇનલની] કોમેન્ટ્રી સાંભળી રહ્યા હતા. મારા પરિવારમાં આ પહેલા કોઈ ફૂટબોલના આ સ્તર સુધી પહોંચ્યું ન હતું. તે બધાને મારા પર ગર્વ હતો.”
જ્યારે પૉલ યુવાન હતો, ત્યારે સાત જણનું તેમનું કુટુંબ ગાઈઘાટા બ્લોકમાં ઈચ્છાપુરમાં આવેલા તેમના ઘરમાં રહેતું હતું, જ્યાં તેમની પાસે બે એકર જમીન હતી જેના પર તેઓ તેમના રોજીંદા જીવન નિર્વાહ માટે ચોખા, સરસવ, લીલા વટાણા, મસૂર અને ઘઉં ઉગાડતા હતા. આ જમીનનો અમુક હિસ્સો હવે વેચી દેવામાં આવ્યો છે અને અમુક હિસ્સો પરિવાર વચ્ચે વારસામાં વહેંચાઈ ગયો છે.
પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના પૉલ કહે છે, “મારા પિતા દરજી તરીકે કામ કરતા હતા અને મારી માતા તેમને સીવણ અને ભરતકામમાં મદદ કરતી હતી. તેણી પાગડીઓ, રાખડીઓ અને અન્ય વસ્તુઓ પણ બનાવતી હતી. અમે નાના હતા ત્યારથી જમીન પર કામ કરતા હતા.” બાળકોની ફરજોમાં આશરે ૭૦ મરઘીઓ અને ૧૫ બકરીઓની સંભાળ રાખવાનો સમાવેશ થતો હતો - જેમના માટે શાળાએ જતા પહેલા અને પછી ઘાસ કાપવું પડતું હતું.
પૉલે ઈચ્છાપુર હાઈસ્કૂલમાં ૧૦ માં ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. ભૂતપૂર્વ ફૂટબોલર એક પોમેલો (સાઇટ્રસ મેક્સિમા) લાવવા માટે રૂમની બહાર નીકળીને કહે છે, “ત્યાં કોઈ છોકરીઓની ફૂટબોલ ટીમ નહોતી, તેથી હું શાળા પછી છોકરાઓ સાથે રમતો હતો.” પૉલ પોમેલો બતાવીને કહે છે, “અમે આને બતાબી કે જાંબુરા કહીએ છીએ. અમારી પાસે ફૂટબોલ ખરીદવા માટે પૈસા ન હતા, તેથી અમે આ ફળને ઝાડ પરથી તોડીને તેનાથી રમતા હતા. મેં આ રીતે શરૂઆત કરી.”
આવા જ એક દિવસે ઈચ્છાપુરમાં બુચુ દા (મોટા ભાઈ) તરીકે ઓળખાતા સિદનાથ દાસે ૧૨ વર્ષના આ બાળકને ફૂટબોલ રમતો જોયો. બુચુ દાએ પૉલને નજીકના બારાસત શહેરમાં ચાલી રહેલી ફૂટબોલ ટ્રાયલ વિષે વાત કરી, જેને અનુસરીને પૉલે બારાસત જુબક સંઘ ક્લબ ટીમમાં સ્થાન મેળવ્યું. તે ટીમમાં પહેલી સિઝનમાં પ્રભાવશાળી દેખાવ કર્યા પછી, પૉલને કોલકાતાની એક ક્લબ, ઇતિકા મેમોરિયલ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો. પછી તેમણે પાછું વળીને જોયું નહીં.
પૉલને ૧૯૯૮ની એશિયન ગેમ્સમાં રમવા માટે જનારી રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને ફૂટબોલરના પાસપોર્ટ અને વિઝા અરજીઓ ઝડપથી પૂરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ખેલાડી યાદ કરીને કહે છે, “અમે એરપોર્ટ પર હતા, અને જવા માટે તૈયાર હતા. પણ પછી તેમણે મને પાછો મોકલી દીધો.”
મણિપુર, પંજાબ, કેરળ અને ઓડિશાની ખેલાડીઓ એશિયન ગેમ્સ માટે એકસાથે તાલીમ લઈ રહ્યા હતા ત્યારે પૉલના પ્રદર્શન પર તે બધાનું ધ્યાન ગયું હતું. તેઓ પૉલના લિંગ અંગે શંકાસ્પદ હતા અને તેમણે આ વાત તેમના કોચ સાથે કરી હતી. આ મામલો ટૂંક સમયમાં આ રમતના સંચાલક મંડળ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) સુધી પહોંચી ગયો.
પૉલ કહે છે, “મને રંગસૂત્ર પરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું હતું. તે સમયે, આ પરીક્ષણ ફક્ત મુંબઈ કે બેંગલોરમાં જ થતું હતું.” કોલકાતામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ)ના ડૉ. લૈલા દાસે પૉલના બ્લડ સેમ્પલ મુંબઈ મોકલ્યા. પૉલ કહે છે, “દોઢ મહિના પછી, રિપોર્ટમાં કેરીયોટાઇપ ટેસ્ટ ટાંકવામાં આવ્યો જેમાં ‘46 XY’ દર્શાવ્યું હતું. સ્ત્રીઓ માટે તે ‘46 XX’ હોવું જોઈએ. ડૉક્ટરે મને કહ્યું કે હું [ઔપચારિક રીતે] રમી શકીશ નહીં.”
ફૂટબોલનો ઉભરતો સિતારો માત્ર ૧૭ વર્ષનો હતો, પરંતુ તેની રમતનું ભવિષ્ય હવે શંકામાં હતું.
ઈન્ટરસેક્સ વ્યક્તિઓ, કે પછી ઈન્ટરસેક્સ ભિન્નતા ધરાવતી વ્યક્તિઓમાં જન્મજાત એવી લૈંગિક લાક્ષણિકતાઓ હોય છે જે સ્ત્રી અથવા પુરુષ શરીર માટેના તબીબી અને સામાજિક ધોરણો સાથે બંધબેસતી નથી. ભિન્નતા બાહ્ય કે આંતરિક પ્રજનન ભાગો, રંગસૂત્ર પેટર્ન અથવા હોર્મોનલ પેટર્નમાં હોઈ શકે છે. જેની સ્પષ્ટતા જન્મ સમયે કે તે પછી પણ થઈ શકે છે
***
ભૂતપૂર્વ ફૂટબોલર કહે છે, “મારે એક ગર્ભાશય હતું, એક અંડાશય હતું અને અંદર એક શિશ્ન હતું. મારે બંને ‘બાજુઓ’ [પ્રજનન ભાગો] હતી.” રાતોરાત, ફૂટબોલ સમુદાય, મીડિયા અને પૉલના પરિવાર દ્વારા આ ખેલાડીની ઓળખ પર સવાલ ઉઠાવવામાં આવ્યા.
ભૂતપૂર્વ ફૂટબોલર કહે છે, “તે સમયે, કોઈ આ વસ્તુ જાણી કે સમજી શક્યું નહોતું. આતો છેક હવે લોકો આ વિષે બોલી રહ્યા છે અને એલજીબીટીકયુના મુદ્દાઓ ઉજાગર કરવામાં આવી રહ્યા છે.”
પૉલ એક ઈન્ટરસેક્સ વ્યક્તિ છે - જેને એલજીબીટીકયુઆઈએ+ સમુદાયમાં રહેલા ‘આઈ’ થી દર્શાવવામાં આવે છે. અને હવે તેઓ બોની પૉલ નામથી ઓળખાય છે. બોની, કે જેઓ પોતાને એક પુરુષ તરીકે ઓળખાવે છે, કહે છે કે, “મારા જેવું શરીર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણા લોકોને છે. ખેલાડીઓ, ટેનિસ ખેલાડીઓ, ફૂટબોલરો, મારા જેવા ઘણા ખેલાડીઓ છે.” તેઓ વિવિધ પ્રેક્ષકો સમક્ષ તેમની લિંગની ઓળખ, લિંગ અભિવ્યક્તિ, જાતિયતા અને જાતીય અભિગમ વિષે બોલે છે, જેમાં તબીબી સમુદાયના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
ઈન્ટરસેક્સ વ્યક્તિઓ , કે પછી ઈન્ટરસેક્સ ભિન્નતા ધરાવતી વ્યક્તિઓમાં જન્મજાત લૈંગિક લાક્ષણિકતાઓ હોય છે જે સ્ત્રી અથવા પુરુષ શરીર માટેના તબીબી અને સામાજિક ધોરણો સાથે બંધબેસતી નથી. ભિન્નતા બાહ્ય કે આંતરિક પ્રજનન ભાગો, રંગસૂત્ર પેટર્ન અથવા હોર્મોનલ પેટર્નમાં હોઈ શકે છે. જેની સ્પષ્ટતા જન્મ સમયે કે તે પછી પણ થઈ શકે છે. મેડીકલ પ્રેક્ટિશનરો ઈન્ટરસેક્સ ભિન્નતા ધરાવતી વ્યક્તિઓ માટે ડીએસડી - સેક્સ ડેવલપમેન્ટના તફાવતો/વિકૃતિ - શબ્દનો ઉપયોગ કરે છે.
યુનિવર્સિટી કોલેજ ઑફ મેડિકલ સાયન્સ, દિલ્હીના ફિઝિયોલોજીના પ્રોફેસર ડૉ. સતેન્દ્ર સિંહ કહે છે, “ડીએસડીને ઘણીવાર તબીબી સમુદાયમાં ઘણા લોકો દ્વારા ખોટી રીતે 'સેક્સ ડેવલપમેન્ટની વિકૃતિઓ' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ કહે છે, ઇન્ટરસેક્સ લોકોના સ્વાસ્થ્ય વિષેની અજ્ઞાનતા અને મૂંઝવણને કારણે, ઇન્ટરસેક્સ વાળા લોકોની કુલ સંખ્યા વિષે કોઈ નિશ્ચિત આંકડો મળી શક્યો નથી.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત ટ્રાંસજેન્ડર વ્યક્તિઓને લગતા મુદ્દાઓ પરનો ૨૦૧૪નો અહેવાલ નોંધે છે કે દર ૨,૦૦૦ બાળકોમાંથી ઓછામાં ઓછું બાળક એક એવી જાતીય શરીરરચના સાથે જન્મે છે “જે સ્ત્રી અને પુરુષની લાક્ષણિકતાઓને એવી રીતે મિશ્રિત કરે છે જેનાથી એક નિષ્ણાંત વ્યક્તિને પણ તેમને પુરુષ કે સ્ત્રી તરીકે વર્ગીકૃત કરવામાં મુશ્કેલી થઇ પડે છે.”
ડૉ. સિંઘ, કે જેઓ પોતે માનવાધિકાર કાર્યકર્તા અને વિકલાંગતાના અધિકારોના રક્ષક છે, કહે છે, “આ હકીકત હોવા છતાંય [ભારતના તબીબી અભ્યાસક્રમમાં] પાઠ્યપુસ્તકો હજુ પણ ‘હર્માફ્રોડાઇટ’, ‘અસ્પષ્ટ જનનેન્દ્રિય’ અને ‘વિકૃતિ’ જેવા અપમાનજનક શબ્દો વાપરે છે.”
મહિલા ટીમમાંથી તેમની હકાલપટ્ટી કરાયા પછી, બોનીએ કોલકાતાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ) દ્વારા મંજૂર કરાયેલી શારીરિક તપાસ કરાવી હતી અને તેમને કોઈપણ મહિલા ફૂટબોલ ટીમમાં ભાગ લેવાથી રોક લગાવવામાં આવી હતી. બોની કહે છે “જ્યારે ફૂટબોલની રમત ચાલી ગઈ, ત્યારે મને લાગ્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. મારી સાથે અન્યાય થયો હતો.”
તેઓ કહે છે કે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ તેમને આશા અપાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, “કોઈની લૈંગિક ઓળખનો સ્વીકાર એ ગરિમા સાથે જીવવાના મૂળભૂત અધિકારના કેન્દ્રમાં હોય છે. લિંગ એ વ્યક્તિની હોવાની ભાવનાનું મૂળ તેમજ વ્યક્તિની ઓળખનો અભિન્ન ભાગ છે. તેથી, લિંગ ઓળખની કાનૂની માન્યતા એ આપણા બંધારણ હેઠળ બાહેંધરી આપવામાં આવેલા ગરિમા અને સ્વતંત્રતાના અધિકારનો એક ભાગ છે.” આ ચુકાદો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને પૂજાયા માતા નસીબ કૌર જી મહિલા કલ્યાણ સોસાયટી દ્વારા ‘ટ્રાન્સજેન્ડર’ તરીકે ઓળખાતી વ્યક્તિઓની કાનૂની માન્યતા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં આપવામાં આવ્યો હતો. આ લેન્ડમાર્ક (સીમાચિહ્નરૂપ) ચુકાદામાં લૈંગિક ઓળખની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તે નોન-બાઈનરી (બિન-દ્વિસંગી) લિંગ ઓળખને કાયદેસર રીતે માન્યતા આપનાર અને ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના મૂળભૂત અધિકારોને સમર્થન આપતો પહેલો ચુકાદો હતો.
આ ચુકાદાએ બોનીની સ્થિતિને સ્વીકૃતિ આપી. તેઓ કહે છે “મને લાગ્યું કે હું મહિલા ટીમનો સભ્ય બની જઈશ. પરંતુ જ્યારે મેં એઆઈએફએફને પૂછ્યું કે હું શા માટે રમી શકતો નથી, તો તેઓએ કહ્યું કે તે તમારા શરીર અને રંગસૂત્રોને કારણે.”
નેતાજી સુભાષ ઈસ્ટર્ન સેન્ટર, કોલકાતાના એસએઆઈ અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને ઇન્ટરસેક્સ ભિન્નતા ધરાવતા ખેલાડીઓ માટે લિંગ અને લિંગ પરીક્ષણ નીતિઓની પ્રક્રિયાની માહિતી મેળવવા માટે ઘણા બધા સંદેશાઓ મોકલવામાં આવ્યા હોવા છતાં આ પત્રકારને તેમનો કોઈ જવાબ મળ્યો નથી.
***
બદલાવ લાવવા માટે કટિબદ્ધ થઈને, એપ્રિલ ૨૦૧૯ માં, બોની ઈન્ટરસેક્સ હ્યુમન રાઈટ્સ ઈન્ડિયા (આઈએચઆરઆઈ) ના સ્થાપક સભ્ય બન્યા - જે ઈન્ટરસેક્સ વ્યક્તિઓ અને તેમના સમર્થકોનું ભારતભરમાં ફેલાયેલું નેટવર્ક છે. આ નેટવર્ક ઇન્ટરસેક્સ વ્યક્તિઓના અધિકારોને પ્રોત્સાહન આપે છે, પીઅર કાઉન્સેલિંગ પૂરું પાડે છે અને એડવોકસી દ્વારા તેમના પડકારો અને જરૂરિયાતોને ઊજાગર કરે છે.
બોની આ નેટવર્કમાં ઇન્ટરસેક્સ વિવિધતા ધરાવતી એકમાત્ર વ્યક્તિ છે જેઓ સક્રિયપણે બાળકો સાથે કામ કરે છે. આઈએચઆરઆઈના સમર્થક સદસ્ય પુષ્પા અચંતા કહે છે, “પશ્ચિમ બંગાળમાં સરકારી સ્વાસ્થ્ય પ્રણાલી અને બાળ સંભાળ સંસ્થાઓ દ્વારા બોનીના સમયસરના હસ્તક્ષેપોએ ઘણા યુવાનોને તેમના શરીર અને જાતીય તથા લિંગ ઓળખને સમજવામાં અને સ્વીકારવામાં અને તેમના સંભાળ રાખનારાઓને જરૂરી અને સંભવિત સહાય પૂરી પાડવામાં મદદ કરી છે.”
ખેલાડીઓના અધિકારોના કાર્યકર્તા ડૉ. પયોશ્ની મિત્રા કહે છે, “યુવાન ખેલાડીઓમાં તેમની શારીરિક સ્વાયત્તતા વિષેની જાગરૂકતામાં વધારો થયો છે. બોની માટે, તે સમયે આવું નહોતું.” સ્વિટ્ઝર્લૅન્ડના લૉસૅન ખાતે ગ્લોબલ ઑબ્ઝર્વેટરી ફોર વુમન, સ્પોર્ટ, ફિઝિકલ એજ્યુકેશન એન્ડ ફિઝિકલ ઍક્ટિવિટી ખાતે સીઇઓ તરીકે ડૉ. મિત્રાએ સમગ્ર એશિયા અને આફ્રિકાની મહિલા ખેલાડીઓ સાથે નજીકથી કામ કર્યું છે જેથી તેઓ રમતગમતમાં માનવ અધિકારોના ઉલ્લંઘનને સંબોધવામાં સક્ષમ છે.
બોની યાદ કરીને કહે છે, “જ્યારે હું [એરપોર્ટ પરથી] પાછો આવ્યો, ત્યારે સ્થાનિક અખબારોએ મારી હેરાનગતિ કરી. ‘મહિલા ટીમમાં, એક પુરુષ રમી રહ્યો છે’ - આ પ્રકારની હેડલાઇન્સ હતી.” તે ઈચ્છાપુર પરત ફરવાની દુઃખદાયક પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરે છે: “મારા માતા-પિતા, ભાઈ અને બહેનો ડરી ગયા હતા. મારી બે બહેનો અને તેમના સાસરિયાઓએ અપમાન વેઠવું પડ્યું. હું સવારે ઘેર પાછો આવ્યો, પણ સાંજ સુધીમાં નાસી છૂટવું પડ્યું.”
બોની તેમના ખિસ્સામાંથી લગભગ ૨,૦૦૦ રૂપિયા લઈને નાસી છૂટ્યા હતા. જે દિવસે તેઓ ઘેરથી નીકળ્યા હતા તે દિવસે તેમણે જીન્સ પહેર્યું હતું અને ટૂંકા વાળ હતા એ તેમને યાદ છે. તેઓ એવી જગ્યા શોધવા માગતા હતા જ્યાં તેમને કોઈ ઓળખતું ન હોય.
પાલ સમુદાયના બોની કહે છે, “મને મૂર્તિઓ બનાવતા આવડતું હતું, તેથી હું આ કામ કરવા કૃષ્ણનગર જતો રહ્યો. “અમે મૂર્તિઓ બનાવનારા છીએ.” ઈચ્છાપુર ગામમાં તેમના કાકાના મૂર્તિ નિર્માણ યુનિટમાં મદદ કરવાના તેમના અનુભવે તેમને માટીની મૂર્તિઓ અને ઢીંગલીઓ માટે પ્રખ્યાત કૃષ્ણનગર શહેરમાં નોકરી મેળવવા માટે જરૂરી કૌશલ્યો શીખવાડી દીધા હતા. તેમની કૌશલ્યની કસોટી તરીકે, તેમને ચોખા અને શણના દોરડાની સુકી દાંડીઓ વડે મૂર્તિ બનાવવાનું કહેવામાં આવ્યું. બોનીને રોજના ૨૦૦ રૂપિયા કમાણી થાય એવી નોકરી મળી, અને આમ તેમણે છુપાઈને જીવન શરૂ કર્યું.
ઈચ્છાપુરમાં, બોનીના માતા-પિતા, અધીર અને નિવા, તેમની મોટી પુત્રી સાંકરી અને પુત્ર ભોલા સાથે રહેતા હતા. બોની ત્રણ વર્ષ સુધી એકલા રહ્યા હતા, તેઓ યાદ કરે છે કે શિયાળાની ઠંડી સવાર હતી જ્યારે તેમણે ઘરે જવાનું નક્કી કર્યું: “તેઓએ [સ્થાનિકોએ] સાંજે મારા પર હુમલો કર્યો. હું ઝડપથી ભાગવામાં સફળ રહ્યો. પણ મારી માતા મને ભાગતો જોઈને રડી રહી હતી.”
તેમણે શારીરિક રીતે પોતાનો બચાવ કરવો પડ્યો હોય એવું આ પહેલી કે છેલ્લી વાર નહોતું. પરંતુ તેમણે તે દિવસે પોતાની જાતને એક વચન આપ્યું: “હું બધાને બતાવીશ કે હું મારા પોતાના પગ પર ઊભો રહી શકું છું. મેં નક્કી કર્યું કે મારા શરીરમાં જે પણ સમસ્યાઓ છે, તેને હું સરખી કરીશ.” બોનીએ સર્જરી કરાવવાનું નક્કી કર્યું.
તેમણે એવા ડોકટરોની શોધ કરી કે જેઓ તેના પ્રજનન અંગો પર ઓપરેશન કરી શકે, અને અંતે તેમને કોલકાતા નજીક સોલ્ટ લેકમાં એક આવો ડોક્ટર મળી આવ્યો, જ્યાં ચાર કલાક ટ્રેનની મુસાફરી કરીને પહોંચી શકાતું હતું. બોની કહે છે, “દર શનિવારે, ડૉ. બી.એન. ચક્રવર્તી લગભગ ૧૦ થી ૧૫ ડૉક્ટરો સાથે બેસતા. તેઓ બધા મને તપાસતા.” તેમણે અમુક મહિનાઓમાં ઘણીવાર પરીક્ષણ કરાવ્યા. બોની કહે છે, “મારા ડૉક્ટરે બાંગ્લાદેશના લોકો પર આવા જ ત્રણ ઓપરેશન કર્યા હતા અને તે સફળ રહ્યા હતા.” પરંતુ તેઓ ઉમેરે છે કે બધાના શરીર અલગ અલગ હોય છે, અને આ પ્રક્રિયામાં આગળ વધતા પહેલા તેમણે તેમના ડૉક્ટર સાથે ઘણી વાતચીત કરવી પડી હતી.
સર્જરી માટે તેમને લગભગ બે લાખ રૂપિયા ખર્ચ થવાનો હતો, પરંતુ બોની કટિબદ્ધ હતા. ૨૦૦૩માં, તેમણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચઆરટી) શરૂ કરી, અને ટેસ્ટોસ્ટેરોન-પ્રેરિત ઇન્જેક્શન - ૨૫૦ મિલિગ્રામ ટેસ્ટોવિરોન ખરીદવા માટે દર મહિને લગભગ ૧૦૦ રૂપિયા ખર્ચ કરતા રહ્યા. દવાઓ, ડૉક્ટરની મુલાકાતો અને સર્જરી માટે બચત કરવા માટે, બોની કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં પેઇન્ટિંગની નોકરી જેવી દૈનિક વેતનની મજૂરી તરફ વળ્યા. આ કામ તેઓ કૃષ્ણનગરમાં મૂર્તિ બનાવવાના કામ ઉપરાંત કરતા હતા.
બોની કહે છે, “હું સુરતની એક ફેક્ટરીમાં મૂર્તિઓ બનાવનાર વ્યક્તિને ઓળખતો હતો, તેથી હું ત્યાં તેની પાસે ગયો.” તેઓ અઠવાડિયામાં છ દિવસ કામ કરીને ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી અને અન્ય તહેવારો માટે દરરોજ મૂર્તિઓ બનાવીને દૈનિક ૧,૦૦૦ રૂપિયા કમાતા હતા.
સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં ઉજવાતી દુર્ગા પૂજા અને જગધાત્રી પૂજા માટે તેઓ દર વર્ષે કૃષ્ણનગર પાછા ફરતા હતા. ૨૦૦૬ સુધી આ રીતે ચાલતું રહ્યું, જ્યાં સુધી બોનીએ કૃષ્ણનગરમાં કરારના આધારે મૂર્તિઓ માટે ઓર્ડર લેવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, “સુરતમાં મેં ૧૫૦-૨૦૦ ફૂટ ઊંચી મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે શીખી લીધું હતું, અને અહીં તેની માંગ હતી. હું એક કારીગર રાખતો હતો, અને અમે ઑગસ્ટ અને નવેમ્બર વચ્ચેની વ્યસ્ત તહેવારની મોસમમાં ઘણી કમાણી કરી શક્યા હતા.”
આ સમય દરમિયાન, બોની કૃષ્ણનગરની મૂર્તિ બનાવતી સ્વાતિ સરકારના પ્રેમમાં પડ્યો. સ્વાતિએ ભણવાનું છોડી દીધું હતું, અને તેની માતા અને ચાર બહેનો સાથે સુશોભિત મૂર્તિઓ બનાવતી હતી. બોની માટે તે તણાવપૂર્ણ સમય હતો, જેને યાદ કરીને તેઓ કહે છે, “મારે તેને મારા વિષે જણાવવું જરૂરી હતું. અને મારી પાસે [મારી સર્જરીની સફળતા વિષે] ડૉક્ટરની વાત હતી, તેથી મેં તેને કહેવાનું નક્કી કર્યું.”
સ્વાતિ અને તેની માતા દુર્ગાએ તેને ટેકો આપ્યો હતો અને સ્વાતિએ ૨૦૦૬માં બોનીની સર્જરી માટે સંમતિ પત્ર પર સહી પણ કરી હતી. ત્રણ વર્ષ પછી, ૨૯ જુલાઈ, ૨૦૦૯ના રોજ, બોની અને સ્વાતિના લગ્ન થયા હતા.
સ્વાતિને યાદ છે કે તે રાત્રે તેની માતાએ બોનીને કહ્યું હતું, “મારી પુત્રી તમારા શરીરની સમસ્યા સમજી છે. તેમ છતાં તેણીએ તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે, તો હું શું કહું? તુમી શાત દીબા, તુમી થાકબા [તમે તેનો સાથ આપશો, અને તેની પડખે ઊભા રહેશો].”
***
બોની અને સ્વાતિના જીવનની શરૂઆત વિસ્થાપિત થવાથી થઈ હતી. કૃષ્ણનગરના લોકોએ બીભત્સ વાતો કહેવાનું શરૂ કર્યું, તેથી દંપતીએ ૫૦૦ કિલોમીટર ઉત્તરમાં દાર્જિલિંગ જિલ્લાના મટીગારા તરફ જવાનું નક્કી કર્યું, જ્યાં કોઈ તેમને ઓળખશે નહીં. બોનીએ નજીકની મૂર્તિ બનાવવાની વર્કશોપમાં કામ માંગ્યું. તેઓ કહે છે, “તેઓએ મારું કામ જોયું અને મને ૬૦૦ રૂપિયાનું દૈનિક વેતન આપવાનું કહ્યું. હું સંમત થયો. મટીગરાના લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો.” તેઓ યાદ કરીને ઉમેરે છે કે કેવી રીતે તેમની આસપાસના લોકોએ તેમને પોતાના એક તરીકે સ્વીકાર્યા હતા અને તેઓ સાંજે ચાની દુકાનો પર સાથે ફરતા હતા.
પરંતુ બોનીનો પરિવાર તેમને સ્વીકારવા તૈયાર ન હોવાથી આ દંપતી ઈચ્છાપુર પરત ફરી શક્યું ન હતું. જ્યારે બોનીના પિતાનું અવસાન થયું ત્યારે તેમને અંતિમ સંસ્કારમાં શામેલ નહોતા થવા દેવાયા. તેઓ કહે છે, “માત્ર રમતગમતના લોકો જ નહીં, મારા જેવા બીજા ઘણા લોકો છે જેઓ સમાજના ડરથી ઘરની બહાર નીકળતા નથી.”
જ્યારે બોનીના જીવન પર બનેલી એક ડોક્યુમેન્ટ્રી, આઈ એમ બોનીએ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦૧૬માં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો ત્યારે આ દંપતીને લાગ્યું કે તેમના સંઘર્ષને માન્યતા મળી છે. ત્યાર બાદ થોડા સમય પછી, બોનીને કિશાલય ચિલ્ડ્રન હોમમાં ફૂટબોલ કોચ તરીકે નોકરીની ઓફર કરવામાં આવી હતી, જે બારાસત શહેરમાં પશ્ચિમ બંગાળ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (ડબલ્યુબીસીપીસીઆર) દ્વારા સંચાલિત છોકરાઓની સંભાળ રાખતી સંસ્થા છે. ડબલ્યુબીસીપીસીઆરના ચેરપર્સન અનન્યા ચક્રવર્તી ચેટર્જી કહે છે, “અમને લાગ્યું કે તેઓ બાળકો માટે પ્રેરણાદાયી બની શકે છે. જ્યારે અમે બોનીને કોચ તરીકે રાખ્યા, ત્યારે અમે જાણતા હતા કે તેઓ એક ખૂબ જ સારા ફૂટબોલર છે જેમણે રાજ્ય માટે ઘણી કીર્તિઓ જીતી છે. પરંતુ તેમની પાસે કામ નહોતું. તેથી અમે વિચાર્યું કે તેઓ કેટલા સારા ખેલાડી હતા એ બધાને યાદ કરાવવું રહ્યું.”
બોની એપ્રિલ ૨૦૧૭થી ત્યાં કોચિંગ આપી રહ્યા છે, અને તેઓ પેઇન્ટિંગ અને શિલ્પના પ્રશિક્ષક પણ છે. તેઓ પોતાની ઓળખ વિષે બાળકો સાથે મુક્તપણે વાત કરે છે અને ઘણા લોકોની આવી વાતોના વિશ્વાસુ પણ છે. પરંતુ તેઓ હજુ પણ તેમના ભવિષ્ય વિષે ચિંતિત છે. તેઓ કહે છે, “મારી પાસે કાયમી નોકરી નથી. મને કામ કરવા માટે જેટલા દિવસ બોલાવવામાં આવે તેટલા દિવસો માટે જ પગાર મળે છે.” તેઓ સામાન્ય રીતે દર મહિને લગભગ ૧૪,૦૦૦ રૂપિયા કમાતા હતા, પરંતુ ૨૦૨૦માં કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછી તેમની પાસે ચાર મહિના સુધી કોઈ આવક નહોતી.
ફેબ્રુઆરી ૨૦૨૦માં, બોનીએ ઈચ્છાપુરમાં તેમની માતાના ઘરથી થોડેક જ દૂર એક ઘર બનાવવા માટે પાંચ વર્ષની લોન લીધી, જ્યાં સ્વાતિ અને તેઓ હવે તેમના ભાઈ, માતા અને બહેન સાથે રહે છે. આ તે ઘર છે જ્યાંથી બોનીએ મોટા ભાગના જીવન સુધી ભાગતા રહેવું પડ્યું હતું. ફૂટબોલર તરીકે બોનીની કમાણી આ ઘર બનાવવા પાછળ ખર્ચાઈ ગઈ હતી, જ્યાં તેઓ અને સ્વાતિ હવે એક નાનકડો બેડરૂમ ધરાવે છે. તેમને હજુ પણ પરિવાર દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવ્યા નથી, અને તેમના રૂમની બહાર નાનકડી જગ્યામાં ગેસના ચૂલા પર તેમનું ભોજન રાંધે છે.
૩૪૫,૦૦૦ રૂપિયાની માઇક્રો હોમ લોનને બોનીએ તેમના જીવન પર બનેલી ફિલ્મના રાઇટ્સ વેચીને કમાવવાની અપેક્ષા રાખી હતી. પરંતુ મુંબઈના ફિલ્મ નિર્માતા ફિલ્મને રીલીઝ કરી શક્યા નથી, અને તેથી બોનીનું દેવું બાકી છે.
પ્રમાણપત્રો અને ઝળહળતી ટ્રોફીથી ભરેલા કબાટની સામે બેઠેલા, બોની એક ઇન્ટરસેક્સ વ્યક્તિ તરીકે તેમના જીવનને વર્ણવે છે. અનિશ્ચિતતાઓથી ભરેલું જીવન હોવા છતાંય, તેમણે અને સ્વાતિએ કબાટની ઉપર મૂકવામાં આવેલી લાલ સૂટકેસમાં અખબારોની ક્લિપિંગ્સ, ફોટોગ્રાફ્સ અને યાદગીરીઓ કાળજીપૂર્વક સાચવી રાખી છે. તેઓ આશા રાખે છે કે તેઓએ બે વર્ષ પહેલા જે ઘર બનાવવાનું શરૂ કર્યું હતું તે તેમના માટે કાયમી જગ્યા હશે.
બોની કહે છે, “કેટલીકવાર, હું હજી પણ મારા ગામમાં ૧૫ ઓગસ્ટે [સ્વતંત્રતા દિવસ] ક્લબ સાથેની મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લઉં છું. પણ મને ફરી ક્યારેય ભારત માટે રમવાની તક મળી નહીં.”
અનુવાદક: ફૈઝ મોહંમદ