બડકા રાજપુરથી લગભગ ચાર કિલોમીટર ઉત્તરમાં તિલક રાય કા હટ્ટા, બક્સર જિલ્લાનું 340 ઘરોનું ગામ છે, જેમાંથી મોટા ભાગના ભૂમિહીન પરિવારો છે. અહીં, કેટલાક ઘરોની બહાર લાગેલા હેન્ડપંપમાંથી ખૂબ જ પ્રદુષિત પાણી આવે છે.
2013-14માં, આ ગામમાં મહાવીર કેન્સર સંસ્થાન દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ભૂગર્ભજળમાં આર્સેનિકની ઊંચી સાંદ્રતા જોવા મળી હતી, તિલક રાય કા હટ્ટાના પશ્ચિમી વિસ્તારોમાં તો ખૂબ જ વધારે, એમ મુખ્ય સંશોધક ડો.કુમાર કહે છે. આર્સેનીકોસિસના સામાન્ય લક્ષણો ગામમાં "વ્યાપકપણે જોવા મળ્યા" હતા: 28 ટકાને તેમની હથેળીઓ અને તળીયાઓમાં હાયપરકેરેટોસિસ (છાલા) હતા, 31 ટકાની ચામડી કાળી પડી ગઈ હાતી , 57 ટકાને લીવર સંબંધિત સમસ્યાઓ હતી, 86 ટકાને ગેસ્ટ્રાઇટિસ, (પેટ સંબંધિત સમસ્યા) હતી અને 9 ટકા મહિલાઓને અનિયમિત માસિક ચક્ર હતું.
કિરણ દેવીના પતિ આ ગામના, જે ઈંટ અને કાદવના ઘરોથી બનેલું છે અને બિચ્છુ કા ડેરા તરીકે ઓળખાય છે, રહેવાસી હતા. તે કહે છે, "પેટના દુખાવાના કેટલાક મહિનાઓ પછી 2016 માં તેમનું અવસાન થયું." પરિવાર તેમને સિમરી અને બક્સર શહેરોના ડોક્ટરો પાસે લઈ ગયો, અને વિવિધ નિદાન કરવામાં આવ્યા. “તેઓએ કહ્યું કે તે ક્ષય રોગ અથવા લીવર કેન્સર છે, ”કિરણ કહે છે, જેમની ઉંમર 50ના દાયકામાં છે. તેમની પાસે જમીનનો એક નાનો ભાગ છે, પરંતુ તેમના પતિની આવકનો મુખ્ય સ્રોત દૈનિક વેતન મજૂર તરીકે કામ હતું.
2018થી, કિરણ દેવીને તેમની હથેળીઓ પર કડક અને રંગીન ફોલ્લીઓ થઈ આવી છે, જે આર્સેનિક ઝેરની નિશાની છે. "હું જાણું છું કે તે પાણી છે, પરંતુ જો હું અમારા પોતાના પંપનો ઉપયોગ ન કરી શકું તો મારે પાણી માટે ક્યાં જવું?" તેમનો હેન્ડપંપ તેમના નાના ઘરની બહાર સ્થિત છે, જ્યાં એકાંતમાં તેમનો બળદ વાગોળતો હોય છે.
તેઓ કહે છે કે ચોમાસા સિવાયના સમયગાળામાં (નવેમ્બર થી મે) પાણીની ગુણવત્તા વધુ ખરાબ હોય છે, તે પાણીવાળી ચા જેવું લાગે છે. “અમે ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. એવામાં ડૉક્ટર ની સારવાર કે ટેસ્ટ માટે હું પટના કેવી રીતે જઈ શકું?” તેઓ પૂછે છે. તેમની હથેળીઓમાં ભયંકર ખંજવાળ આવે છે, અને જ્યારે તે ડિટરજન્ટને અડે છે અથવા દિવસ ભરમાં એકઠા થયેલ છાણને ભેગું કરે છે ત્યારે તેમને હાથમાં ખૂબ બળતરા થાય છે.
રામુની કહે છે, "સ્ત્રીઓ અને પાણી ખૂબ નજીકથી સંકળાયેલ છે, કારણ કે બંને ઘરના કેન્દ્રમાં છે. તેથી જો પાણી ખરાબ હોય તો સ્વાભાવિક છે કે મહિલાઓ પર સૌથી વધુ અસર થશે.” ઉમાશંકર ઉમેરે છે કે કેન્સરની સામાજિક ભીતિ ઘણાને, ખાસ કરીને મહિલાઓને, સારવાર લેવામાં ત્યાં સુધી આડે આવે છે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
ગામની આંગણવાડીએ, તેઓ મને કહે છે, રામુનીના સ્તન કેન્સરની જાણ થયા પછી તરત જ પાણીની ગુણવત્તા વિશે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. મુખી તરીકે ચૂંટાઈ આવે તો તે (રામુની) આ વિષયે વધુ કામ કરવાની યોજના ધરાવે છે. "દરેક જણને તેમના ઘર માટે આરઓ પાણી ખરીદવાનું પરવડી શકે તેમ નથી," તે કહે છે. “અને બધી સ્ત્રીઓ સરળતાથી હોસ્પિટલમાં જઈ શકતી નથી. અમે આમાંથી બચવાની બીજી રીતો શોધવાનો પ્રયત્ન કરતા રહીશું. ”
PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોર છોકરીઓ અને યુવતીઓ પર રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટ ભારતના પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા-સપોર્ટેડ પહેલનો એક ભાગ છે જે સામાન્ય લોકોના અવાજો અને જીવંત અનુભવ દ્વારા આ મહત્વપૂર્ણ છતાં હાંસિયામાં ધકેલાયેલા જૂથોની પરિસ્થિતિનું અન્વેષણ કરે છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો.
અનુવાદક: જાહ્નવી સોધા