મદુરાઇ જિલ્લાના કિન્નર લોક કલાકારો માટે વર્ષના પ્રથમ છ મહિના નિર્ણાયક હોય છે. આ સમયગાળા દરમિયાન ગામો સ્થાનિક ઉત્સવોનું આયોજન કરે છે અને મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ લોકડાઉન દરમિયાન મોટા જાહેર મેળાવડા પરના પ્રતિબંધોથી તમિલનાડુના આશરે 500 કિન્નર મહિલા કલાકારોને ગંભીર અસર પહોંચી છે.
તેમાંથી એક (લોક કલાકાર) મેગી છે, અને મદુરાઈ શહેરથી 10 કિલોમીટરથી ઓછા અંતરે વિલાંગુડી શહેરમાં આવેલું તેનું બે ઓરડાનું ઘર અન્ય કિન્નર મહિલાઓ માટે ભેગા થવાનું સ્થળ અને આશ્રયસ્થાન છે. મેગી વાવણી પછી બીજ અંકુરણની ઉજવણી કરવા પરંપરાગત કુમ્મી પાટુ ગીતો રજૂ કરતી જિલ્લાની કેટલીક કિન્નર મહિલાઓમાંથી એક છે. દર વર્ષે જુલાઇમાં તમિલનાડુમાં ઉજવાતા 10 દિવસના મુલાઇપરી ઉત્સવ દરમિયાન આ ગીત વરસાદ, જમીનની ફળદ્રુપતા અને સારા પાક માટે ગામની દેવીઓને પ્રાર્થનારૂપે અર્પણ કરાય છે.
તેમના મિત્રો અને સહકાર્યકરો પણ આ ગીતો પર નૃત્ય કરે છે. લાંબા સમયથી એ તેમના માટે આવકનો સ્ત્રોત છે. પરંતુ મહામારી-લોકડાઉનના પગલે જુલાઈ 2020 માં તહેવાર યોજાયો ન હતો અને આ મહિને પણ યોજાયો ન હતો (વાંચો: મદુરાઈના કિન્નર લોક કલાકારોનું દર્દભર્યું જીવન). અને તેમની આવકનો બીજો નિયમિત સ્ત્રોત મદુરાઇ અને તેની આસપાસ અથવા બેંગલુરુમાં પણ - દુકાનોમાંથી (માગીને) પૈસા ભેગા કરવા - લગભગ ઠપ્પ થઈ ગયો હતો. તે સાથે તેમની આશરે 8000 થી10000 રુપિયાની માસિક આવક લોકડાઉન દરમિયાન ઘટીને લગભગ નહિવત થઈ ગઈ હતી.







