खाण्डव वन
ખાંડવવન ભડકે બળે છે, ધર્મરાજ!
વનમાંથી ઉઠતો ગાઢો, કાળો, ધૂમાડો
તમારા નાકની સુરંગોમાં થઈને
પહોંચી જાય છે ફેફસાંની ગુફાઓમાં
રાની પશુઓની માફક...
અંધારામાં ચમકે છે
અંગાર સમી આંખો
જીભ જકડાઈ જાય છે ભયથી
અને સૂકાઈ ગયેલી દ્રાક્ષના લૂમખાં જેવા ફેફસામાંથી
ટપક્યા કરે છે ઝેરી, કાળો રસ;
દેશ ગૂંગળાઈ રહ્યો છે, યોગીરાજ!
ખાંડવવન ભડભડ બળે છે!
નગરશેઠોના વિષયાસક્ત યજ્ઞોથી તૃપ્ત થતા
રાજાઓની કામુક આહુતિ ભૂખ્યા
આ હવસખોર
બ્રાહ્મણવેશધારી અગ્નિને
ઓક્સિજન જોઈએ છે
પોતાના યૌવનને ભડકાવવા
જોઈએ છે લીલા વૃક્ષોનું લોહી
જોઈએ છે પશુઓનાં શરીરની બળેલી ચામડીની ગંધ
એને જોઈએ છે બળતાં લાકડાંની
તડતડતી વેદના પાછળથી આવતી
માણસની ચીસ.
"તથાસ્તુઃ" કૃષ્ણ બોલ્યા
કામ થઇ જશે: અર્જુને મૂછ પર હાથ ફેરવ્યો
ને સળગી ઉઠ્યું ખાંડવવન…
ખાંડવવન ભડકે બળે છે, યોગેશ્વર!
ગૂંગળાય છે પશુ-પંખીઓ, ભાગે છે ચિત્કારતાં
એક એકને પગથી ઝાલીને
અગ્નિ પટકે છે ફરી પાછો
જ્વાળાઓની વચમાં;
ભીલ, કોલ, કિરાત, નાગ... તપસ્તવીઓ સૌ
એક ઢાંકણી ઓક્સિજન માટે છટપટતાં
ભાગે છે જંગલની બહાર –
ત્રાહિમામ!
ખાંડવવનના છેડે ઉભા છે કૃષ્ણ
મદિરાથી ચૂર આંખો
અર્જુન ફરજ પર છે
આગથી ભાગતા લોકોને મોત ને ઘાટ ઉતારતો
પકડીને પાછા અગ્નિકુંડમાં નાખતો
અમને બસ ઓક્સિજન બક્ષી દો
મહાભારતના વિજેતાઓ
આ ભારત તમારું
આ મહાભારત તમારું
આ ધરતી, આ ધન – ધાન્ય
આ ધર્મ, આ નીતિ
ગત - આગત બધું તમારું
અમને માત્ર એક સિલિન્ડર આપી દો, મધુસુધન
આ ઓક્સિજન અગ્નિનું ભાણું નથી
આ અમારું જીવન છે.
તમે કહ્યું તું ને
અગ્નિ આત્મા ને બાળી શકતો નથી
પરંતુ આ વન અમારી આત્મા છે
અને એ હવે સળગી રહ્યું છે
ખાંડવવન ભળકે બળે છે, ગીતેશ્વર
ખાંડવવન એક વિશાલ ચિતાની જેમ
ધૂ- ધૂ કરતું સળગી રહ્યું છે.



