નર્તક ઈતવારી રામ મછિયા બૈગા કહે છે, “અમે દસરા નાચ [નૃત્ય] કરવા જઈ રહ્યા છીએ." છત્તીસગઢ બૈગા સમાજના પ્રમુખ ઈતવારીજી ઉમેરે છે, "આ [નૃત્ય] દસરા [દશેરા]થી શરૂ થાય છે અને ત્રણ-ચાર મહિના, ફેબ્રુઆરી-માર્ચ સુધી સુધી ચાલે છે. દસરા ઉજવ્યા પછી અમે અમારા જેવા જ બીજા બૈગા ગામોની મુલાકાત લઈએ છીએ અને આખી રાત નૃત્ય કરીએ છીએ,”
બાસઠ-તેસઠ વર્ષના આ નર્તક અને ખેડૂત કબીરધામ જિલ્લાના પંડ્રિયા બ્લોકના અમાનિયા ગામમાં રહે છે. ઈતવારીજી મંડળીના બીજા સભ્યો સાથે રાયપુરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે.
બૈગા સમુદાય એ છત્તીસગઢના સાત પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) માંથી એક છે. આ સમુદાય મધ્યપ્રદેશમાં પણ રહે છે.


