તે ફૂટપાથ પર ખાલી હાથે ઊભી હતી. જીવતું જાગતું પીડાનું સ્મારક. એણે હવે તેમના પાપી પંજામાંથી કંઈપણ બચાવવાનો પ્રયત્ન કરવો છોડી દીધો હતો. એના મગજમાં આંકડાઓને સ્થિર રાખવા મુશ્કેલ હતા એટલે એણે એના નુકસાનની ગણતરી કરવાનું પણ બંધ કરી દીધું હતું. આઘાત, ડર, આક્રોશ, પ્રતિકાર, નિરાશા, ને હતાશા - થોડી મિનિટોમાં એ સંવેદનોના કેટકેટલા પ્રદેશો પાર કરી આવેલી. હવે પાંપણે થીજી ગયેલા આંસુ અને તેના ગળામાં દર્દના ગૂંગળાવતા ડૂમા સાથે તે શેરીની બંને બાજુએ ઉભા બીજા કેટલાય લોકોની જેમ એ તોફાન, અફડાતફડી જોઈ રહી હતી. બુલડોઝરના પગ તળે તેનું જીવન કચરાઈને પડ્યું હતું. જાણે થોડા દિવસો પહેલાના રમખાણો પૂરતા ન હોય એમ.
નઝમા સમજતી હતી કે સમય છેલ્લા કેટલાક વખતથી બદલાઈ રહ્યો છે. તે મેળવણ લેવા રશ્મિને ઘેર જાય ત્યારે એની સામે જોતી રશ્મિની નજર પૂરતો નહી, કે પછી શાહીન બાગમાં વિરોધ કરી રહેલી મહિલાઓ સાથે તે જોડાઈ તે પછીથી રોજેરોજ એને સતાવતા એ બિહામણા સ્વપ્ન પૂરતો ય નહીં, જેમાં એ ઊંડી ખાઈથી ઘેરાયેલી જમીનના નાના ટુકડા પર પોતાને એકલી ઊભી જોતી. જે બદલાઈ રહ્યું હતું એ બધું તેની અંદર પણ હતું, જે રીતે એ વિચારતી, અનુભવતી, બનવો વિષે, પોતાની જાત, પોતાની દીકરી અને દેશ વિશે એ બધામાં હતું. એના મનમાં હવે દર હતો.
ને છતાંય જેને પોતાનું માનતા હો એ સહુ લૂંટાઈ જવાની ઘટના પરિવારના ઈતિહાસમાં પહેલી વાર બની હોય એવું ય નહોતું. હુલ્લડખોરોની ધિક્કારની અગનઝાળે જેમનો પીછો કરેલો એ દાદી જરૂર જાણતી હોવી જોઈએ આ મન:સ્થિતિને, એ વિચારતી હતી. ત્યાં નાનકડી આંગળીઓ એના દુપટ્ટાને ખેંચી રહી. એણે પાછળ વળીને જોયું એક નિર્બળ સ્મિત. બસ એ વખતે જંગલી વિચારો એના મનમાં પાછા ફૂટી નીકળ્યા.


