શાંતિ માંજી જ્યારે પહેલીવાર નાની બન્યા ત્યારે એમની ઉંમર ફક્ત ૩૬ વર્ષ હતી. એ રાત્રે તેમની સાથે બીજી એક વસ્તુ પણ પહેલીવાર બની - દુબળા બાંધાની આ સ્ત્રી, જેણે બે દાયકાઓમાં કોઈ ડોક્ટર કે નર્સની મદદ વગર તેમના ઘરે ૭ બાળકોને જન્મ આપ્યો છે, તેઓ પહેલીવાર હોસ્પિટલમાં ગયા.
જ્યારે એમની મોટી દીકરી મમતા પ્રસુતિની પીડાને લીધે વ્યાકુળ હતી એ દિવસને યાદ કરીને તેઓ કહે છે, “મારી દીકરી કલાકો સુધી પિડાતી રહી, પણ બાળક બહાર ન આવ્યું. પછી અમારે ટેમ્પો બોલાવ્યો પડ્યો.” ‘ટેમ્પો’ થી એમનો મતલબ છે ત્રણ પૈડા વાળી ગાડી જેને માંડ ચાર કિલોમીટર દૂર આવેલા શેઓહર નગરમાંથી પહોંચતા એક કલાક જેટલો સમય લાગી ગયો. મમતાને ઉતાવળે શેઓહરની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમણે થોડાક કલાકો પછી એક દીકરાને જન્મ આપ્યો.
ટેમ્પોનું ભાડું વધારે હોવાથી શાંતિ હજુપણ ગુસ્સામાં છે. તેઓ કહે છે, “તેણે ૮૦૦ રૂપિયા પડાવ્યા. અમારા ટોળા [નેસ]માંથી કોઈ હોસ્પિટલ નથી જતું, આથી અમને ખબર જ નથી કે એમ્બ્યુલન્સ છે કે નહીં.”
શાંતિએ એમની સૌથી નાની, ૪ વર્ષની દીકરી કાજલ, ભૂખ્યા પેટે ના સૂઈ જાય એ માટે થઈને મોડી રાત્રે ઘરે પરત ફરવું પડ્યું. તેઓ કહે છે, “હું હવે નાની બની ગઈ છું, પણ મારા ઉપર માની જવાબદારી તો છે જ.” મમતા અને કાજલ સિવાય, એમને ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ છે.
માંજી પરિવાર મુસહર ટોળામાં રહે છે, જે ઉત્તર બિહારના શેઓહર બ્લોક અને જિલ્લામાં માધોપુર અનંત ગામથી એક કિલોમીટર દૂર આવેલું ઝૂંપડી ઓનું ઝુમખું છે. મુસહર ટોળામાં માટી અને વાંસની બનેલી ૪૦ ઝૂંપડી ઓમાં લગભગ ૩૦૦-૪૦૦ લોકો રહે છે. આ બધા લોકો મુસહર જાતીના છે, જે બિહારમાં ખૂબજ પછાત મહાદલિત સમુદાય તરીકે વર્ગીકૃત છે. કેટલાક ઘરોના ખૂણામાં નાનકડી જગ્યાએ, થોડીક બકરીઓ કે ગાય ખીલાથી બાંધેલી જોવા મળે છે.










