દરરોજ સાંજે 5 વાગ્યાની આસપાસ કામ પરથી પાછા ફર્યા પછી, ડૉ. શબનમ યાસ્મિન સીધા તેમના ઝાંખા-ભૂખરા ઘરની છત પર જાય છે. ત્યાં તેઓ સ્નાન કરે છે, પેન અને ડાયરીઓ સહિત કામના સ્થળે લઈ ગયા હોય તે દરેક વસ્તુને તેઓ જંતુમુક્ત કરે છે, તેમના કપડાં ધોઈ નાખે છે (આ બધા માટે છત પર વ્યવસ્થા કરવામાં આવી છે), અને પછી જ નીચે તેમના પરિવાર સાથે રહેવા જાય છે. તેઓ છેલ્લા એક વર્ષથી આ નિત્યક્રમ ખૂબ સાવચેતીપૂર્વક અનુસરી રહ્યા છે.
ઉત્તર-પૂર્વ બિહારના કિશનગંજ શહેરમાં પોતાના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર આવેલી સદર હોસ્પિટલના સ્ત્રીરોગચિકિત્સક અને સર્જન 45 વર્ષના ડૉ. યાસ્મિન કહે છે, “જ્યારે બધું બંધ હતું, ખાનગી હોસ્પિટલો પણ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે મહામારી [લોકડાઉન] દરમિયાન મેં બધો જ સમય કામ કર્યું છે. મને ક્યારેય કોરોના સંક્રમણ થયું નથી, જો કે મારા કેટલાક સહકાર્યકારો સંક્રમણનો ભોગ બન્યા હતા. અમે હોસ્પિટલમાં બે કોવિડ - 19 પોઝિટિવ ગર્ભાવસ્થાઓ સફળતાપૂર્વક સંભાળી હતી.”
શબનમ માટે આ બધું સરળ નથી. કોરોનાવાયરસ વાહક બનવાનું જોખમ લેવાનું તેમને પોસાય તેમ નથી. ઘેર તેમની માતા અને બાળકો - 18 અને 12 વર્ષના બે દીકરા - છે. અને તેમના પતિ, 53 વર્ષના ઇર્તાઝ હસન, જેઓ હાલ કિડનીની બિમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, અને તે માટે બમણી કાળજી લેવી જરૂરી છે. યાસ્મિન કહે છે, “મારી માતા અઝરા સુલ્તાનાને કારણે જ હું [છેલ્લું એક વર્ષ] કામ કરી શકી છું. તેમણે બધી જવાબદારી સંભાળી લીધી, નહિ તો - તબીબ, ગૃહિણી, શિક્ષક, ટ્યુશનશિક્ષક - બધું હું જ હતી."
2007 માં તેમણે તબીબી શિક્ષણ પૂરું કર્યું ત્યારથી તેમના જીવનનો આવો જ દોર ચાલે છે. યાસ્મિન કહે છે, “હું MBBS ના છેલ્લા વર્ષમાં હતી ત્યારે ગર્ભવતી હતી. મારા લગ્ન પછી લગભગ છ વર્ષ સુધી હું ક્યારેય મારા પરિવાર સાથે રહી નથી. મારા પતિ વકીલ હતા, તેઓ પટનામાં વકીલાત કરતા હતા. મને જ્યાં મોકલવામાં આવતી ત્યાં હું કામ કરતી.”
સદર હોસ્પિટલમાં ડૉ. શબનમની નિમણુક થઈ તે પહેલા 2011 માં તેમના ઘરથી લગભગ 45 કિલોમીટર દૂર ઠાકુરગંજ બ્લોકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી-પ્રાઈમરી હેલ્થ સેન્ટર) માં તેમની નિમણુક કરાઈ હતી. 2003 માં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી એમબીબીએસની અને 2007 માં પટના મેડિકલ કોલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે તબીબ તરીકેની ખાનગી પ્રેક્ટિસની શરુઆત કરી હતી. થોડા વર્ષો તબીબ તરીકેની ખાનગી પ્રેક્ટિસ કર્યા પછી તેમને આ સરકારી નોકરી મળી હતી. તેઓ તેમના બીજા નાનકડા દીકરાને પોતાની માતા પાસે છોડીને ઠાકુરગંજ પીએચસી પહોંચવા એક સ્થાનિક બસમાં આવ-જા કરતા. તે આકરું અને મહેનત માગી લે તેવું હતું, તેથી નવ મહિના પછી તેઓ તેમની માતા અને બાળકો સાથે ઠાકુરગંજ સ્થળાંતરિત થઈ ગયા. તેમના પતિ ઇર્તાઝા પટના રહ્યા અને દર મહિને તેમના પરિવારની મુલાકાત લેતા.







