ફોર્બ્સ 2021 સૂચિને જો માનીએ તો (અને જ્યારે અબજોપતિઓ અને તેમની સંપત્તિની વાત આવે, ત્યારે ફોર્બ્સને માનવું રહ્યું) 12 મહિનામાં ભારતીય ડૉલર અબજોપતિઓની સંખ્યા 102 થી વધીને 140 પર પહોંચી ગઈ છે. ફોર્બ્સ નોંધે છે કે, તેમની સંયુક્ત સંપત્તિ છેલ્લા એક વર્ષમાં “લગભગ બમણી થઈને $ 596 અબજ થઈ ગઈ છે.
આનો અર્થ એ છે કે 140 વ્યક્તિઓ, અથવા આખી વસ્તીના 0.000014 ટકા લોકોની કુલ સંપત્તિ આપણા $ 2.62 ટ્રિલિયનના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ના 22.7 ટકા (અથવા પાંચમા ભાગ કરતા વધારે) બરાબર છે. જે હંમેશની માફક અંગ્રેજી ભાષાના 'ગ્રોસ' શબ્દને એક બીજો અર્થ આપી રહે છે. (ગ્રોસનો એક અર્થ છે 'કુલ' અને બીજો અર્થ છે 'ઘૃણાસ્પદ')
મોટાભાગના મોટા ભારતીય દૈનિકોએ ફોર્બ્સની ઘોષણાને ખાસ આ પ્રકારના પરાક્રમો માટે સાચવીને રખાતા એક સ્વીકૃતિના સ્વરમાં પ્રકાશિત કરી હતી - અને જે વાત ખૂબ સીધી અને સ્પષ્ટ રીતે ઓરેકલ ઓફ પેલ્ફ પણ કરે છે તેને એમણે ઉલ્લેખવામાંથી બાકાત રાખી હતી.
આ દેશ વિશેના અહેવાલના પહેલા ફકરામાં જ ફોર્બ્સ કહે છે કે, “બીજી કોવિડ -19 ની લહેર ભારતભરમાં ફેલાઈ રહી છે અને કુલ કેસ હવે ૧૨ કરોડથી વધુ છે. પરંતુ દેશનું શેરબજાર મહામારીના ડરની સામે ખભા ચડાવીને નવા શિખરોને સર કરવામાં પડ્યું છે; બેન્ચમાર્ક સેન્સેક્સ અગાઉના વર્ષ કરતાં 75% ઊંચો ગયો છે. ગયાવર્ષે ભારતીય અબજોપતિઓની કુલ સંખ્યા 102 હતી તે વધીને થઈને હવે 140 થઈ ગઈ છે; તેમની સંયુક્ત સંપત્તિ લગભગ બમણી થઈને $ 596 અબજ થઈ છે. "
ખરેખર, જે વર્ષમાં જીડીપીમાં 7.7 ટકાનો ઘટાડો થયો છે તે વર્ષમાં આ 140 ધનાધિપતિઓની સંયુક્ત સંપત્તિ 90.4 ટકા વધી છે. અને એક તરફ એમની આ સિદ્ધિના સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ આપણે શહેરોને છોડી તેમના ગામો તરફ ફરી એકવાર સ્થળાંતર કરી રહેલા મજૂરોના સમૂહોને જોઈ રહ્યા છીએ - ફરી એક વાર આંકડા એટલા મોટા અને ગંભીર છે કે સમજાવવા મુશ્કેલ છે. આ બધાને પરિણામે જે નોકરીની ખોટ સર્જાશે તેનાથી જીડીપીને કોઈ ફાયદો થશે નહીં. પરંતુ રાહતની વાત છે કે આપણા અબજોપતિઓને વધુ નુકસાન નહિ થાય. આ વાતની ફોર્બ્સ પણ ખાતરી આપે છે.
આ ઉપરાંત, અબજોપતિઓની સંપત્તિ કોવિડ -19 કરતા સાવ ઊંધા તર્કમાં માને છે. સંક્રમણ જેટલું વધારે તેટલી ફેલાવાની શક્યતા ઓછી.
"સમૃદ્ધિ ટોચ ઉપર વિલસે છે," એવું ફોર્બ્સનું કહેવું છે. "એકલા ત્રણ ધનિક ભારતીયોએ મળીને એમની વચ્ચે 100 અબજ ડોલરથી વધારેની સંપત્તિ ઉમેરી છે." આ ત્રણની કુલ સંપત્તિ - $ 153.5 અબજ ડોલર - એ ક્લબ 140 ની સંયુક્ત સંપત્તિના 25 ટકાથી વધુનો હિસ્સો છે. સૌથી ટોચના માત્ર બે વ્યક્તિઓ અંબાણી ($ 84.5 અબજ) અને અદાણી ($ 50.5 અબજ)ની સંપત્તિ પંજાબના કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન ($ 85.5 અબજ) અથવા હરિયાણા ($ 101 અબજ) ની સરખામણીમાં ઘણી વધારે છે.
મહામારીના વર્ષમાં અંબાણીએ તેમની સંપત્તિમાં $ 47.7 અબજ (રૂ.3.57 ટ્રિલિયન) ઉમેર્યા - એટલે કે દર એક સેકંડમાં સરેરાશ રૂ. 1.13 લાખ, જે પંજાબના 6 ખેડૂત કુટુંબોની સરેરાશ કુલ માસિક આવક (રૂ. 18,059) કરતા વધારે છે (5.24 વ્યક્તિઓવાળા કુટુંબ).
એકમાત્ર અંબાણીની કુલ સંપત્તિ લગભગ પંજાબના જીએસડીપી જેટલી જ છે. અને તે પણ નવા કૃષી કાયદાઓ સંપૂર્ણ અમલમાં આવે તે પહેલાં. એકવાર એ અમલમાં આવશે પછી તો એ વધુ ખીલશે. દરમ્યાનમાં, યાદ રહે કે પંજાબના ખેડૂતની માથાદીઠ સરેરાશ આવક (એનએસએસ 70મા રાઉન્ડ મુજબ) આશરે રૂ. 3,450 છે.
ઘણા અખબારોએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો અહેવાલ માત્ર (અથવા એમાં જ થોડો ઘણો ફેરફાર કરીને) રજુ કર્યો જે ફોર્બ્સના રિપોર્ટમાં જોવા મળે છે તેવી કોઈ તુલના કે સંયોજનો વિષે વાત કરતો નથી. કોવિડ અથવા કોરોનાવાયરસ અથવા મહામારી જેવા શબ્દો પીટીઆઈના રિપોર્ટમાં ગેરહાજર છે. આ કે બીજો કોઈ અહેવાલ ફોર્બ્સના અહેવાલની જેમ જણાવતો નથી કે " સૌથી ધનાઢ્ય દસ ભારતીયોમાંથી બેની સંપત્તિ આરોગ્યસારવાર(હેલ્થકેર)ના ક્ષેત્રમાંથી આવે છે, જે ક્ષેત્રે મહામારીના સમયમાં વિશ્વભરમાં ખૂબ વધારો જોયો છે." ‘આરોગ્યસારવાર’ શબ્દ પીટીઆઈના અહેવાલમાં કે બીજા કોઈ અહેવાલમાં દેખાતો નથી. જો કે ફોર્બ્સ આપણા 140 ડોલર અબજોપતિઓમાંથી 24 ને 'આરોગ્યસારવાર' ના ક્ષેત્રમાં મૂકે છે.
ફોર્બ્સની યાદીમાં ભારતીય આરોગ્યસારવાર ક્ષેત્રના 24 અબજોપતિઓમાંના પહેલા દસની કુલ સંપત્તિ મહામારીના વર્ષમાં $ 24.9 અબજ (સરેરાશ દરરોજની રૂ. 5 અબજ) વધી છે, જેથી તેમની સંયુક્ત સંપત્તિમાં 75 ટકાનો વધારો થઈને $ 58.3 અબજ ( 4.3 ટ્રિલિયન રૂપિયા) થઇ છે. યાદ છે લોકો એમ કહેતા હતા કે કોવિડ -19 બધું સમથળ કરી નાખે છે?
આપણાં બનાવો-ભારતમાં-અને-રોકડી-કરો-જ્યાં-થાય-ત્યાં વાળા ધનપતિઓ ફોર્બ્સના લિસ્ટમાં ટોચ પર છે. ઉપરથી ફક્ત બે સ્થાન દૂર. 140 પર અણનમ બેટિંગ કરતા સૌથી વધુ અબજોપતિઓની ગણનામાં ભારત હવે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી વિશ્વના ત્રીજા ક્રમે છે. એક સમય હતો જ્યારે જર્મની અને રશિયા જેવા ઢોંગીઓ તે સૂચિમાં આપણાથી આગળ જતા હતા. પરંતુ તેઓને આ વર્ષે આપણે એમને એમનું સ્થાન બતાવી દીધું છે.
ભારતીય ધનપતિઓની $ 596 અબજની સંયુક્ત સંપત્તિ, એ આશરે 44.5 ટ્રિલિયન રૂપિયા જેટલી થાય છે. જે 75 કરતાં વધુ રાફેલ સોદા બરાબર છે. ભારતમાં કોઈ સંપત્તિ વેરો નથી. પરંતુ જો એને સાવ હળવી રીતે પણ, માત્ર 10 ટકા લેખે જો લાદવામાં આવે તો તે રૂ. 45.45. ટ્રિલિયન ઉભા કરી શકે - જેના પર આપણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનયમ છ વર્ષ સુધી ચલાવી શકીએ છીએ, ચાલુ વાર્ષિક ફાળવણીને ફક્ત રૂ. 73,000 કરોડ (2021-22 માટે) પર રાખીને. આગામી છ વર્ષમાં ગ્રામીણ ભારતમાં એ લગભગ 16.8 અબજ કાર્ય દિવસો પેદા કરી શકે છે.
જયારે સ્થળાંતરિત શ્રમજીવીઓ એમના દુઃખદ પણ સંપૂર્ણપણે સમજી શકાય એવા, એક સમાજ તરીકેના આપણામાંના એમના અવિશ્વાસ ને કારણે ફરી એકવાર શહેરો અને નગરો છોડીને જઈ રહ્યા છે ત્યારે આપણને મનરેગસના કામકાજના દિવસોની પહેલા કરતાં વધુ જરૂર પડી શકે છે
આ 140 અદભૂતોને તેમના મિત્રોની થોડીઘણી મદદ જરૂર મળી -- કોર્પોરટસ [નિગમો] માટે કરવેરામાં મોટા ઘટાડા, બે દાયકાથી વધુ સમયથી સતત પૂરપાટ દોડવા – અને ઓગસ્ટ 2019થી તો વધુ ઝડપે આગળ વધવા.
વિચારો કે મહામારીના વર્ષમાં પણ ખેડૂતોને એક નિશ્ચિત એમએસપીની બાંયેધરીના રૂપમાં એક પૈસાની મદદ સુધ્ધાં આપવામાં ન આવી; કામદારો પાસે દરરોજના 12 કલાકની મજૂરી કરાવી શકાય એવી મંજૂરી આપતા વટહુકમો પસાર કરવામાં આવ્યા (કેટલાક રાજ્યોમાં તો વધારાના ચાર કલાક માટે ઓવરટાઇમની ચુકવણી પણ ના કરવામાં આવી); અને કંઈ કેટલાય કુદરતી સંસાધનો અને જાહેર સંપત્તિઓની કોર્પોરેટ મહાસમ્રાટોને સોંપવામાં આવ્યા. મહામારીના વર્ષમાં ખાદ્યપદાર્થોનો 'બફર સ્ટોક્સ' એક સમય 104 મિલિયન ટન પર પહોંચ્યો. પરંતુ લોકોને જે આપવામાં આવ્યા 5 કિલોગ્રામ ઘઉં અથવા ચોખા, અને છ મહિના માટે મફત 1 કિલો દાળ. તે પણ, ફક્ત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા લોકો માટે, જે જરૂરીયાતમંદ લોકોમાંના ઘણાંબધાંને બાકાત રાખે છે. આ એ વર્ષમાં જયારે લાખો ભારતીયો દાયકાઓમાં હતા તેના કરતાં વધુ ભૂખ્યા હતા.
ફોર્બ્સ કહે છે તેમ સંપત્તિમાં "ઉછાળો" વિશ્વભરમાં છે. “છેલ્લા એક વર્ષમાં સરેરાશ દર 17 કલાકે એક નવો અબજોપતિ ઉપજ્યો હતો. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ એક વર્ષ પહેલાં હતા એ કરતાં $ 5 ટ્રિલિયન વધુ સમૃદ્ધ થયા હતા." ભારતના સૌથી ધનિક લોકો નવા $ 5 ટ્રિલિયનનો લગભગ 12 ટકા ભાગ છે. આને જો આપણે આપણા ઘરઆંગણાના સંદર્ભમાં જોઈએ તો એનો અર્થ એ છે કે દેશમાં તમામ ક્ષેત્રોમાં, અસમાનતા એ કોઈ જાતની હરીફાઈથી સૌથી ઝડપથી ઉપર વિકસતું ક્ષેત્ર રહ્યું.
આવો સંપત્તિનો "ઉછાળો" સામાન્ય રીતે લોકોની મુશ્કેલીઓના ઉછાળા સાથે તાલ મિલાવતો હોય છે. આપત્તિ એ મઝાનો ધંધો છે. ઘણાની આપત્તિઓમાં ખૂબ નફો છૂપાયેલો હોય છે. ફોર્બ્સ જે માને છે તેનાથી વિપરીત, આપણા લોકોએ કોઈ મહામારીના ભય સામે ખભા ઉછાળ્યા નથી એ લોકોએ તો એના ખભે ચડીને આ ભરતીની તરંગો પર શાનથી સવારી કરી છે. ફોર્બ્સ સાચું કહે છે કે આરોગ્ય સારવારનું ક્ષેત્ર "વિશ્વભરમાં મહામારી જેવો ઉછાળ" માણી રહ્યું છે. પરંતુ આપત્તિ મુજબ આ ઉછાળ અને ભરતી વિનાશ સાથે સંકળાયેલા બીજા ક્ષ્રેત્રોમાં પણ જોવા મળી શકે.
ડિસેમ્બર 2004 માં સુનામીના માંડ એક અઠવાડિયા પછી, સમગ્ર વિશ્વના શેર-બજારમાં તેજી જોવા મળી હતી – એવા દેશોમાં પણ જે આ હોનારતથી તારાજ થયા હતા. ગરીબોના લાખો ઘરો, એમની હોડીઓ અને તમામ પ્રકારની સંપત્તિનો નાશ થઈ ચૂક્યો હતો. સુનામીમાં 100,000 થી વધુ લોકોનો જીવ ગુમાવનારા ઈન્ડોનેશિયાનો જકાર્તા કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ અગાઉના દરેક રેકોર્ડને તોડીને અભૂતપૂર્વ ટોચ પર પહોંચ્યો હતો. અદ્લ એવું જ આપણા પોતાના સેન્સેક્સનું હતું . તે સમયે, ડોલર ને રૂપિયાના પુનર્નિર્માણની ગંધ બાંધકામ અને સંબંધિત ક્ષેત્રોને વિશાળ તેજી તરફ દોરી જઈ રહી હતી.
આ વખતે અન્ય ક્ષેત્રોમાં આરોગ્ય સારવાર અને તકનીકી (ખાસ કરીને સોફ્ટવેર સેવાઓ) એ પોતાના માટે સારું કામ કર્યું છે. આ યાદીમાં ભારતના તકનીકી ક્ષેત્રના ટોચના 10 દિગ્જ્જોની સંપત્તિમાં બાર મહિનામાં કુલ $ 22.8 અબજનો વધારો થયો છે (એટલે રોજના સરેરાશ રૂ. 4.6 અબજ), જેને કારણે તેમની સંયુક્ત સંપત્તિ $ 52.4 અબજ પર પહોંચી છે (રૂ. 3.9. ટ્રિલિયન). આ થયો 77 ટકાનો વધારો. અને હા, ઓનલાઇન એજ્યુકેશન પણ ઘણા માટે ફાયદામાં રહ્યું -- હજારો ને લાખોની સંખ્યામાં સરકારી શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના એજ્યુકેશનમાંથી સાવ બાકાત રહ્યા છતાં. બાયજુ રવીન્દ્રન પોતાની સંપત્તિમાં 39 ટકાનો ઉમેરો કરીને $ 2.5 અબજ (રૂ. 187 અબજ) સુધી પહોંચ્યા.
મને લાગે છે કે તે કહેવું યોગ્ય છે કે આપણે બાકીના વિશ્વને તેનું સ્થાન બતાવી આપ્યું. કે પછી..... આપણને આપણું સ્થાન બતાવવામાં આવ્યું એમ કહીએ -- યુએન હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ - 189 દેશોમાં આપણે 131 મા ક્રમે. એલ સાલ્વાડોર, તઝાકિસ્તાન, કાબો વર્ડે, ગ્વાતામાલા, નિકારાગુઆ, ભૂતાન અને નામિબીઆ બધા આપણાંથી આગળ. મને લાગે છે કે આપણને ગયા વર્ષ કરતા આમ નીચે ઢસડી જવાના દેખીતી રીતના આ વૈશ્વિક કાવતરાની ઉચ્ચસ્તરીય તપાસના પરિણામોની આપણે રાહ જોવી રહી. અહીંયા જોતા રહેશો
આ લેખ પ્રથમ ‘ધ વાયર’ માં પ્રકાશિત થયો હતો.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા