સરકાર, જવાબ દે!
ઓ સરકાર! જવાબ દે!
જવાબ દે!
સ્ત્રી એક પેટમાં બાળ લઇ આવે કેમ?
માઈલોનો માઈલો એ ચાલે કેમ
ડગ એક એક ભરે
પગમાં ના જૂતા ધરે
પેટમાં એ બાળ લઇ ચાલે કેમ? જવાબ દે!
આ દુલેશ્વર તાંડીનું ગાયન છે. તે 'સરકાર, તુઈ જબાબ દે' લખવાનું અને ગાવાનું કારણ સમજાવતા કહે છે, “મેં મારા રેપ દ્વારા મારી વ્યથા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.”
તેઓ ઉમેરે છે, "જ્યારથી ભારતમાં લોકડાઉન લાદવામાં આવ્યું, ત્યારથી દેશના ગરીબ લોકોના દુઃખની શરૂઆત થઈ, મજૂરોએ તેમની નોકરી ગુમાવી હતી, તેઓ બેઘર બન્યા હતા, અને દિવસોથી ભૂખે મરતા હતા. હજારો લોકોને કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે ચાલતા ચાલતા તેમના ગામોમાં પાછા ફરવાની ફરજ પડી હતી. એવું નથી કે સરકાર આ બધું અટકાવી શકી ન હોત કે પછી લોકોને મદદ પૂરી પાડી શકી ન હોત - પણ આવું કંઈ કરવાને બદલે સરકારે ભારતના ગરીબોને તેમના નસીબને ભરોસે છોડી દીધા. આ બધું જોઈને હું દુઃખી થઈ ગયો, મને આઘાત લાગ્યો. અને મને લાગે છે કે આપણે સરકાર પાસે જવાબ માગવો જ જોઈએ … ”
આ ગીત કોસલી (અથવા સાંબલપુરી) ભાષામાં છે. દુલેશ્વરના શ્રોતાઓ તેમને રેપર દુલે રોકર તરીકે ઓળખે છે. તેઓ હિન્દી અને અંગ્રેજીમાં પણ ગાય છે. પરંતુ મુખ્યત્વે તેમના કોસલી રેપ ઓડિશામાં યુવાન પ્રેક્ષકોને આકર્ષિત કરી રહ્યા છે.
27 વર્ષના દુલેશ્વર, કાલાહાંડી જિલ્લાના બોરડા ગામના છે. તેમના ગામથી લગભગ 45 કિલોમીટર દૂર ભવાનીપટણા શહેરની સરકારી કોલેજમાંથી તેમણે બીએસસીની ડિગ્રી મેળવી છે. તેમનો પરિવાર અનુસૂચિત જાતિના ડોમ સમુદાયનો છે. તેમના ઘરમાં ફક્ત દુલેશ્વર અને તેમની માતા પ્રમીલા છે. તેમની માતા ખેડૂત અને બળતણ માટે લાકડાં વીણનાર છે, અને તેમને માસિક વરિષ્ઠ નાગરિક પેન્શન પેટે 500 રુપિયા મળે છે. તેમના પિતા, નીલમણી તાંડી, ખેડૂત અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સહાયક હતા. લગભગ ત્રણ વર્ષ પહેલાં તેમનું નિધન થયું હતું.
'કદાચ સરકાર રાહત આપવા માગતી નથી - ગરીબોને ગરીબ જ રહેવા દો, નહીં તો કોઈ સરકારને ટેકો નહીં આપે'
દુલેશ્વર કહે છે કે, તેમના પરિવારની બે એકર જમીન છે, પરંતુ 2014 માં વિશાખાપટ્ટનમની એક હોસ્પિટલમાં તેની માતાની શસ્ત્રક્રિયા કરાવવી પડી ત્યારે આ જમીન બેંક પાસે ગીરવી રાખીને 50000 રુપિયા ઉધાર લીધા હતા. વ્યાજ સાથે તે રકમ હવે વધીને 1 લાખ રુપિયા થઇ ગઈ છે.
તેઓ ઉમેરે છે, “જમીન ગીરવી છે, પરંતુ હજી પણ અમે તે જમીન પર ડાંગરની ખેતી કરીએ છીએ. અમારી પાસે બી.પી.એલ. [ગરીબી રેખાની નીચેનું] રેશનકાર્ડ છે." પૈસા કમાવવા માટે, દુલેશ્વર બોરડામાં ટ્યુશન્સ આપે છે અને નજીકના બાંધકામો સ્થળોએ કામ કરે છે.
કોલેજના વર્ષો દરમિયાન તેમણે રેપ ગીતો ગાવાની શરૂઆત કરી. તેઓ કહે છે, "મેં કવિતાઓ અને વાર્તાઓની સ્પર્ધાઓમાં ભાગ લીધો. મેં જે લખ્યું તે બધાએ વખાણ્યું, લોકોએ કહ્યું કે મારું લખાણ વાસ્તવિક અને વ્યવહારુ છે. મને તેનાથી પ્રોત્સાહન મળ્યું, અને હું લખતો રહ્યો. મારી કવિતાઓ અને વાર્તાઓ સામયિકોમાં પ્રકાશિત થઈ ત્યારે હું ખુશ હતો. મેં નાટક અને લોક-મનોરંજનના કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. અને મેં રેપ ગીતો ગાવાનું શરૂ કર્યું. ”
દુલેશ્વરે પોતે પણ સ્થળાંતરિત શ્રમિક તરીકે રઝળપાટ કરી છે. સ્નાતક થયા પછી, 2013 માં તેઓ રાયપુર ગયા. “કેટલાક મિત્રો પહેલેથી જ ત્યાં કામ કરતા હતા, તેથી મેં પણ ભોજનાલયમાં [મહિને લગભગ 3000 રુપિયાના પગારે] ટેબલ સાફ કરનાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ભોજનાલય બંધ થયા પછી અમને ખાવાનું અને રહેવાની જગ્યા/આશરો આપવામાં આવ્યા, મારા જેવા સ્થળાંતરિત શ્રમિકોને માટે એ ચાલી જાય તેવું હતું . મેં થોડા સમય માટે અખબારો પહોંચાડવાનું કામ પણ કર્યું.”
બીજું કામ કરતી વખતે, તેઓ ઉમેરે છે, “મેં ક્યારેય મારો ખાસ શોખ - રેપ છોડ્યો નહીં. જ્યારે સમય અને તક મળે ત્યારે હું પ્રેક્ટિસ કરતો રહ્યો. મેં મારા ગીતોના વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું અને લોકોએ તેને જોવાનું શરૂ કર્યું. એક દિવસ [2014 માં] મને [રેપ સિંગિંગ ઇવેન્ટ માટે] આમંત્રણ આપવા ચંદીગઢથી ફોન આવ્યો. તે મારા માટે ખૂબ જ નવો અનુભવ હતો. ત્યાં, રેપર્સનું એક જૂથ હતું, અમે જુદી જુદી જગ્યાએ પ્રદર્શન કર્યું, સ્પર્ધાઓમાં ભાગ લીધો - અને હું ઘણું શીખી ગયો."
2015 માં, દુલેશ્વર પોતાનું નસીબ અજમાવવા ભુવનેશ્વર ગયા હતા. તેઓ કહે છે, "મેં સ્ટુડિયો, ચેનલોની મુલાકાત લીધી અને અનેક લોકોને મળ્યો - પણ બધાએ મને કાઢી મુક્યો." 2019 માં, તેઓ તેમના ગામ પાછા ફર્યા. ત્યાં હવે તેઓ પોતાનો ફાજલ સમય રેપ ગીતો લખવામાં અને ગાવામાં ગાળે છે..
તેઓ કહે છે, "લોકડાઉન લાદવામાં આવ્યા પછી, જ્યારે મેં જાતે સ્થળાંતરિત શ્રમિક તરીકે, સ્થળાંતરિતોની દુર્દશા જોઈ, ત્યારે મેં આ ગીત લખ્યું, ગાયું અને ફેસબુક પર પોસ્ટ કર્યું [21 મેના રોજ] જ્યાં હું લોકો સાથે લાઈવ ચેટ પણ કરું છું. ઘણાને મારા ગીતો ગમ્યા છે અને મને વધારે ગીતો કરવાનું કહે છે. ઓડિશા ઉપરાંત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો મારો સંપર્ક કરી રહ્યા છે. ” દુલેશ્વરે તાજેતરમાં જ યુટ્યુબ પર પોતાનું મ્યુઝિક અપલોડ કરવાનું પણ શરૂ કર્યું છે.
તેઓ કહે છે, "કદાચ સરકાર રાહત આપવા માગતી નથી - ગરીબોને ગરીબ રહેવા દો, નહીં તો કોઈ સરકારને ટેકો આપશે નહીં. પરંતુ આપણે શક્તિશાળી સત્તા સામે અવાજ ઉઠાવવો પડશે. આ ગરીબી વિશે છે, જે અમારા જીવનનો ભાગ છે. ”
તાજેતરમાં, કેટલાક સ્થાનિક સ્ટુડિયોએ તેના સંગીતને રેકોર્ડ કરવામાં રસ દર્શાવી દુલેશ્વરને ફોન કર્યો છે. તેઓ કહે છે, "મને આશા છે કે આ લોકડાઉન પછી કરવામાં આવશે ..." તે કહે છે.
કવર ફોટો: આલેખ મંગરાજ
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક