કુડ્ડાલોર જિલ્લાના કિંજમપેટ્ટાઈ ગામનાં માછલી કાપનાર કલા કહે છે કે, “માછલી કાપનાર મહિલાઓ માટે અહીં કોઈ જગ્યા નથી.”
આ 60 વર્ષીય મહિલા સિંગરાથોપ પુલ નીચે બેઠાં છે. કોંક્રિટ અને લોઢાનું આ બાંધકામ કુડ્ડાલોરના જૂના શહેરના બંદરની બહાર આવેલું છે. અહીં કામ પર આશરે 20-30 માછલી વેચનાર અને માછલી કાપનાર મહિલાઓ છે. આ બંદર ગોડાઉન, વેરહાઉસ, દુકાનો અને માછીમારીની હોડીઓથી ભરેલું છે.
આ જિલ્લામાં 57.5 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે અને બંદર ગોડાઉન, વેરહાઉસ, દુકાનો અને માછીમારીની હોડીઓથી ભરેલું છે.
ફક્ત આ જ નામનો ઉપયોગ કરતાં કલા કહે છે, “જેમ જેમ વધુ વેપારીઓ અને ટ્રકો બંદર પર આવવા લાગ્યા, તેમ અમારા માટે કોઈ જગ્યા ન બચી. અમને બહાર ધકેલી દેવામાં આવ્યાં અને અમારે પુલની નીચેની આ સાર્વજનિક જગ્યા ખાલી કરવી પડી હતી. [તે] બંદરની બહાર છે.”
કલા જેવી મહિલાઓ કે જેઓ માછલીના વેચાણ, કાપણી, સૂકવણી અને વધારો વેચવા જેવી પ્રવૃત્તિઓ કરે છે, તેમને ધીમે ધીમે હાંશિયામાં ધકેલવામાં આવી છે. વાંચો: છીપલાં, ભીંગડાં, માથા અને પૂંછડીના બળે તરી જતું પુલીનું જીવન
માછીમાર મહિલાઓને સામાન્ય રીતે માછલી વિક્રેતાઓ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ મૂડીની અછત અથવા શારીરિક બિમારીથી પીડાતી ઘણી મહિલાઓ વિક્રેતાઓની નજીક બેસીને માછલાં કાપવાનું અને સાફ કરવાનું કામ કરે છે.
કલા નોંધે છે, “અમારા માટે વિક્રેતાઓની નજીક બેસવું જરૂરી છે, કારણ કે જે ગ્રાહકો તેમની પાસેથી માછલી ખરીદે છે તેઓ અમારી પાસે તેને કપાવે છે અને સાફ કરાવે છે. જો અમે વિક્રેતાઓની નજીક ન હોઈએ, તો અમને વ્યવસાય મળશે નહીં.”
કુડ્ડાલોર બંદર ઉપ્પનાર અને પરાવણર નદીઓ જ્યાં બંગાળની ખાડીમાં મળે છે તેના સંગમ પર છે. ભારતના 7,500 કિમી દરિયાકાંઠાના આધુનિકીકરણ અને વિકાસ માટે કેન્દ્ર સરકારના સાગરમાળા પ્રોજેક્ટના ભાગરૂપે તેનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ વિકાસથી કલા જેવી માછીમાર મહિલાઓને વધુ પરેશાનીનો સામનો કરવો પડશે, જેઓ કહે છે કે, “મેં ઘણી વખત જગ્યા બદલી છે અને હવે મને ખાતરી નથી કે હું ફરીથી જગ્યા બદલી શકીશ કે કેમ.” તેઓ વિકાસ કરાયેલા કુડ્ડાલોર બંદર અને બંદરગાહનો ઉલ્લેખ કરી રહ્યાં છે જે તેમના અંદાજ મુજબ માછીમારીના કાર્યોમાં, ખાસ કરીને માછલાં કાપનારી મહિલાઓની મોટી સંખ્યાને સમાવી શકશે નહીં.
આધુનિક કુડ્ડાલોર બંદર ઓઇલ રિફાઇનરી, થર્મલ પાવર પ્લાન્ટ અને અન્ય ઉદ્યોગોને સમાવશે તેવી અપેક્ષા છે અને તે પૂમ્પુહર કોસ્ટલ ઇકોનોમિક ઝોન (સી.ઇ.ઝેડ.)નો એક ભાગ છે. સી.ઇ.ઝેડ.નો અર્થ છે, એક જિલ્લામાં અથવા પ્રદેશના બંદરો સાથે મજબૂત લિંક ધરાવતા દરિયાકાંઠાના જિલ્લાઓના મોટા વિસ્તારોનો સમૂહ, જેનું લક્ષ્ય વહાણોના ટ્રાફિકમાં વધારો કરવાની સાથે સાથે સ્થાનિક અને નિકાસ-આયાત કાર્ગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનું છે.
*****
કલાનો જન્મ તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લાના ગામ તિરુમુલ્લાઇવાસલમાં થયો હતો. તેમના પિતા કટ્ટુમારમ ખાતે માછીમારી કરતા હતા અને તેમનાં માતા બજારમાં માછલી વેચતાં હતાં. 17 વર્ષની ઉંમરે પરણેલાં કલા, તટના ઉત્તરે કુડ્ડાલોર શહેરની નજીક તેમના પતિના ગામ કિંજમપેટ્ટાઈમાં રહેવા જતાં રહ્યાં.
કલા યાદ કરીને કહે છે, “મારાં સાસુ મુનિઅમ્માએ મને માછલી વેચવાના વ્યવસાયથી માહિતગાર કરી હતી. અમે સાથે મળીને કિંજમપેટ્ટાઈના બજારમાં ગ્રાહકોને માછલી વેચતાં.” તેમણે કેવી માછલી પકડી છે તેના આધારે તેઓ નથોલી [એન્કોવીઝ], કોડુવા [બારામુન્ડી], સુરા [શાર્ક], કેરા [ટુના] અને અન્ય જાતની માછલીઓ વેચે છે.
લગભગ બે દાયકા પહેલાં તબિયત લથડવાને કારણે મુનિઅમ્માનું અવસાન થયું હતું અને, કલા તે પછી પણ અહીં કામ કરવાનું ચાલુ રાખે છે. તેઓ અને તેમના પતિ રમણને ચાર બાળકો છે - બે પુત્રો અને બે પુત્રીઓ. કલા અને તેમનો પરિવાર પટ્ટનવર સમુદાયનો છે, જે તમિલનાડુમાં સૌથી પછાત વર્ગ (એમ.બી.સી.) તરીકે વર્ગીકૃત થયેલ છે.
2001માં, કલાને ખબર પડી કે તેમને હૃદય રોગ છે. તેઓ યાદ કરીને કહે છે, “હું ભારે શ્વાસ લેતી હતી અને દરેક સમયે થાક અનુભવતી હતી.” તેઓ કહે છે કે તેનું કારણ તેઓ તેમના માથા પર બંદરથી બજારમાં અને ત્યાંથી શેરીઓમાં વેચવા માટે દરરોજ 20 થી 25 કિલો માછલીનો ભાર ઉઠાવે છે તે છે. તે જ વર્ષે, કલાના 45 વર્ષીય પતિ રમણ ઉબડખાબડ દરિયામાં માછીમારી કરતી વખતે મૃત્યુ પામ્યા હતા.
તેઓ યાદ કરીને કહે છે, “આ મુશ્કેલ સમય હતો.” 2005માં જ્યારે તેઓ પડી ગયાં હતાં અને તેમના પગમાં ઈજા થઈ ત્યારે સ્થિતિ વધુ વણસી હતી. ઈજા અને હૃદયની તકલીફને કારણે તેમના માટે માછલીઓ ઉંચકીને લાંબા અંતર સુધી ચાલવું મુશ્કેલ બન્યું. તેઓ કહે છે, “તેથી મેં બંદર પર માછલાં કાપવાનું નક્કી કર્યું.”
કલાએ એક શાહુકાર પાસેથી ચાર ટકાના વ્યાજ પર 20,000 રૂપિયા લીધા હતા. તેમાંથી તેમણે બોટી છરી ખરીદવા માટે 800 રૂ., એક અન્ય છરી માટે 400 રૂ. અને ખુરશી માટે 200 રૂ. ખર્ચ કર્યો. બાકીના પૈસા ઘરખર્ચમાં વપરાઈ ગયા હતા અને તેઓ હજુ પણ તેની ચૂકવણી કરી રહ્યાં છે.
રાજ્યની નીતિઓ માછલાંના વેચાણ અને માર્કેટિંગ સાથે સંકળાયેલી ન હોય તેવી મહિલાઓની અવગણના કરે છે. કલા જેવી મહિલાઓ કે જેઓ માછલાં કાપે છે તેઓને નેશનલ પોલિસી ઑન મરીન ફિશરીઝ 2017 દ્વારા સ્વીકારવામાં આવે છે. તેઓ જણાવે છે, “માછીમારી ક્ષેત્રે માછલાં પકડ્યા પછીની પ્રવૃત્તિઓમાં કુલ કાર્યબળનો 66 ટકાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. પરિવારોના ઉછેર ઉપરાંત, મહિલાઓ માછલીનું છૂટક વેચાણ, માછલી સૂકવવાનું કામ અને અન્ય મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે…”
જો કે, આ નીતિ ઘોષણાઓને સમર્થન કરતાં આનુષંગિક પગલાં ખૂબ ઓછાં લેવાયાં છે.
*****
હવે કલા માછલાં અને ઝીંગા સાફ કરે છે અને કિલોગ્રામ દીઠ અનુક્રમે 20 અને 30 રૂપિયા કમાણી કરીને દિવસના લગભગ 500 રૂપિયા કમાય છે. માછલી વિક્રેતા તરીકે તેઓ સિઝન અને ઉપલબ્ધ માછલીના આધારે આના કરતાં બમણી કમાણી કરી શકે છે.
તેઓ પરોઢિયે ઊઠી જાય છે અને સવારે 4 વાગ્યે બંદર નજીકના પુલ પર પહોંચે છે. તેઓ ત્યાંથી 13 કલાક પછી સાંજે 5 વાગ્યે પરત ફરે છે. તેઓ કહે છે, “સવારના કલાકો સૌથી વ્યસ્ત હોય છે, જ્યારે ગ્રાહકો અને કેટલાક નાના હોટેલીયર્સ માછલાં ખરીદવા આવે છે અને તેને કાપીને સાફ કરાવે છે.” તેમને આરામ તો છેક સાંજે મળે છે, અને કલા રાત્રિભોજન બનાવતી વખતે ટીવી નાટકો જુએ છે.
2018માં, માછલીના કથળતા સંવર્ધન અને દરિયાઇ પર્યાવરણના વિનાશને પગલે માછીમારીની મોટી ગોળ ઊભી જાળી પરના પ્રતિબંધ સાથે કલાની આજીવિકાને વધુ એક ફટકો પડ્યો હતો. પ્રતિબંધના પરિણામે ઘણા પુરુષો અને સ્ત્રીઓએ તેમની આજીવિકા ગુમાવી હતી; ઘણી સ્ત્રીઓને માછલી કાપવાની ફરજ પડી હતી.
કોવિડ-19 મહામારીના લીધે માછલી કાપવામાં નવા લોકો જોડાયા હતા. અગાઉ, આ કામ મોટાભાગે પટ્ટનવર સમુદાયની મહિલાઓ જ કરતી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન કામની તકો ઓછી થતાં, અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) અને અનુસૂચિત જાતિ (એસ.સી.) જેવા અન્ય સમુદાયોની મહિલાઓએ અહીંના મજૂર બજારમાં પ્રવેશ કર્યો અને બંદર પર મત્સ્યઉદ્યોગનું કામ શરૂ કર્યું. તેઓ કહે છે, “આનાથી વસ્તુઓ વધુ અનિશ્ચિત થઈ ગઈ.”
તેઓ કહે છે, “ભવિષ્ય વધુ અસુરક્ષિત લાગે છે. પરંતુ હું જ્યાં સુધી બની શકે ત્યાં સુધી કામ કરવા મક્કમ છું. મારે મારી અને મારા બે પૌત્ર-પૌત્રોની સંભાળા રાખવાની છે. હું હજી સુધી કામ છોડવા તૈયાર નથી.”
સંગિતા ધર્મરાજન અને યુ. ધિવ્યાતિરણના સહયોગથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ