મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા મારા ગામ, નિમ્બાવલીમાં એક ઝાડ નીચે આધેડ વયના પુરુષોનું એક ટોળું એકઠું થયું છે, અને લગભગ ૧૦ વર્ષ પહેલાં ઘટેલી ઘટનાઓની ચર્ચા કરી રહ્યું છે, જેની અસર આજે પણ અનુભવાય છે. મારા ૫૫ વર્ષીય પિતા પરશુરામ પારે યાદ કરીને કહે છે કે, સરકારી અધિકારીઓની એક ટીમ કાગળો, માપવાના સાધનો, માપપટ્ટી અને ટેપથી સજ્જ થઈને એક મોટી કારમાં ત્યાં આવીને ઉભેલી હતી. તેઓ ભૂગર્ભ જળ મેળવવા માટે ખોદવાની સારી જગ્યાઓ શોધી રહ્યા હતા.
બાબા [પિતા] આગળ ઉમેરે છે, “તેમને હું સારી પેઠે ઓળખું છું. જ્યારે અમે તેમને વારંવાર પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા છે, તો તેમણે વળતો પ્રશ્ન પૂછ્યો ‘તમારે પાણી જોઈએ છે ને?’ અમે હકારમાં માથું ધુણાવ્યું. પાની કિસે નહી મંગતા [પાણી કોને ના જોઈએ?].” પાણીની અછતવાળા પ્રદેશમાં, સરકાર પાણીનો જે પણ સ્ત્રોત શોધી આપે તે સારી જ બાબત હતી, પરંતુ ગ્રામજનોનો અપેક્ષિત આનંદ અલ્પજીવી હતો.
મહિનાઓ પછી, વાડા તાલુકાના નિમ્બાવલીમાં રહેતા વારલી સમુદાયના લોકોને જગ્યા ખાલી કરવાનો સત્તાવાર હુકમ મળ્યો. ત્યાં કોઈ પાણીનો પ્રોજેક્ટ નહોતો, બલ્કે ગામની જમીન મુંબઈ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે માટે પસંદ કરવામાં આવી હતી .
૫૦ વર્ષીય બાલકૃષ્ણ લિપટે કહ્યું, “અમને હાઇવે વિષે એ વખતે જ જાણ થઈ.” આ ૨૦૧૨ની વાત છે. એના એક દાયકા પછી પણ, મારું ગામ હજુ પણ છળથી પચાવી પાડવામાં આવેલ જમીનની વાત સ્વીકારવામાં સંઘર્ષ કરી રહ્યું છે. ઘણા લોકો જે માને છે કે રાજ્યની શક્તિ સામે એમની આ લડત અસફળ જ થવાની છે તેઓ હવે ઉચ્ચ વળતર અને વૈકલ્પિક જમીનથી પહેલાની માંગણીઓ પાછી ખેંચીને આખા ગામના યોગ્ય પુનઃસ્થાપન માટેની તેમની માંગ કરે છે.





