નાળિયેરની એક પડી ગયેલી ડાળીને જમીન પર પટકીને તંકમ્મા નાળિયેરના ઝાડ નીચે તેમના આગમનની ઘોષણા કરે છે. આ ગાઢ વેલાઓ, તૂટેલી ડાળીઓ અને ઊંચા નાળિયેરના ઝાડ નીચેના જંગલી ઘાસમાં કોઈ વન્યજીવ પર પગ ન દઈ બેસે તેની કાળજી રાખતાં તેઓ તેમના રસ્તા પર આગળ વધતાં કહે છે, “હું આ ગીચ ઝાડી−ઝાંખરમાં કાળજીપૂર્વક પ્રવેશ કરું છું, અને લાકડી પટકીને અવાજ કરું છું, જેથી કરીને જો ત્યાં કોઈ સાપ હોય તો તે દૂર થઈ જાય.”
એર્નાકુલમનો ઝાડી−ઝાંખરાનો આ પટ્ટો એક હાઉસિંગ કોલોનીમાં જમીનના ખાલી પ્લોટ પર વિકસ્યો છે. આવી અવાવરી જગ્યાઓમાંથી ઝાડ પરથી પડી ગયેલાં વધારાનાં નાળિયેર શોધીને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતાં આ 62 વર્ષીય કહે છે, “રસ્તામાં [સારાં] નાળિયેર મળી આવવાં એ જાણે કે નસીબ ખુલી જવા સમાન છે.” નાળિયેર એ મલયાલી રાંધણકળામાં એક મુખ્ય ઘટક છે, જેના લીધે આખા વર્ષ દરમિયાન આ ફળની માંગ રહે છે.
ઊંચા વધેલા ઘાસની વચ્ચે પોતાનો રસ્તો બનાવીને ધીમે ધીમે આગળ વધતાં તંકમ્મા કહે છે, “પહેલાં હું મારું દૈનિક કામ પૂરું કરીને પછી આ પાડોશ [પુઠિયા રોડ જંકશન] માંથી નાળિયેર એકઠાં કરતી હતી, પરંતુ હવે મારી બીમારીના લીધે હું કામ કરી શકતી નથી.” તેઓ થોડી થોડી વારે શ્વાસ લેવા માટે રોકાય છે, અને બપોરના સખત તડકાથી પોતાની આંખો બચાવતાં ઉપર નાળિયેર તરફ નજર માંડે છે.
પાંચ વર્ષ પહેલાં, તંકમ્માને શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર થાક અને થાઇરોઇડ સંબંધિત અન્ય તકલીફો થવા લાગી હતી. આનાથી તેમને ઘરેલું કામદાર તરીકેની તેમની નોકરી છોડવાની ફરજ પડી અને તેમની 6,000 રૂપિયાની માસિક આવકથી પણ હાથ ધોવા પડ્યા. રોજની આવક પર નિર્ભર હોવાથી, તંકમ્માને ઘેર બેસવું પોસાય તેમ નહોતું, તેથી તેમણે પાડોશના ઘરોમાં કચરા પોતું કરવું અને સફાઈ કરવા જેવા ઓછા થકવે તેવા કામો કરવાનું શરૂ કર્યું. પરંતુ, કોવિડ–19 મહામારી ત્રાટકયા પછી, તે કામ પણ બંધ થઈ ગયું.
તે પછી, જે પણ અવાવરી જમીન પર નાળિયેર હોય, તેને વેચીને તંકમ્માનું ગુજરાન ચાલતું હતું. તેમને દર મહિને 1,600 રૂપિયા પેટે રાજ્યનું પેન્શન પણ મળે છે.
તેઓ નિયમિતપણે નાળિયેરના ફળની શોધમાં જે વાડ કર્યા વગરની જમીનમાં જાય છે, તેમના વિષે વાત કરતાં તંકમ્મા કહે છે, “અત્યાર સુધી આવા પ્લોટ્સમાં જતાં, કોઈએ મને રોકી નથી. દરેક જણ મને જાણે છે અને એ પણ જાણે કે છે હું કોઈને નુકસાન પહોંચાડવા માંગતી નથી.”
તંકમ્મા તેમના કામને સમજાવતી વખતે રસ્તામાં નડતી ઝાડની ડાળીઓ તોડીને ગીચ ઝાડ–ઝાંખરને એક બાજુએ ધકેલી રહ્યાં છે, તેથી જ્યાં નાળિયેર પડેલાં હોય છે તે ઝાડના મૂળ સુધી જઈ શકાય. તેમને એક નાળિયેર મળે છે, જેને તેઓ નજીકની એક દિવાલ પર મૂકીને તેમની શોધને ચાલુ રાખે છે.
એક કલાક સુધી નાળિયેર ભેગાં કર્યા પછી, તેઓ રોકાય છે. તે પછી, તંકમ્મા દિવાલ ઓળંગીને આગળના પરિસરમાં પહોંચે છે, જ્યાં ઘરના માલિક તેમને એક ગ્લાસ પાણી આપે છે. તંકમ્મા પહેલા આ શેઠ માટે કામ કરતાં હતાં.
પાણી પીને તાજગીથી તરબતર થયેલાં તંકમ્મા, હવે તેમનાં કપડાં પર ચોંટેલાં પાંદડા અને નીંદણ સાફ કરે છે, અને નાળિયેરને છાંટવાનું શરૂ કરે છે. તેઓ તેને નજીકની હોટેલ અથવા પાડોશના ઘરોમાં વેચવા માટે અલગ અલગ બોરીઓમાં મૂકે છે. એક નિયમિત કદનું નાળિયેર તેઓ 20 રૂપિયામાં અને મોટા કદનું નાળિયેર 30 રૂપિયામાં વેચે છે.
એકવાર છાંટવાનું કામ પૂરું થઈ જાય, પછી તંકમ્મા તરોતાજાં થઈને તેમની જૂની નાઇટીના બદલે સાડી પહેરીને પુથિયા રોડ જંકશન સુધી જવા માટે બસ પકડવા દોટ મૂકે છે, જ્યાં તેઓ આ નાળિયેરને એક હોટલમાં વેચશે.
તેઓ કહે છે, “મને દર વખતે નાળિયેર મળે એ જરૂરી નથી. તે તમારા નસીબ પર આધાર રાખે છે. અમુકવાર વધારે મળે છે, તો અમુકવાર ઓછાં.”
તંકમ્મા વિલાપ કરીને કહે છે કે, તેમના માટે હવે નાળિયેરના ઝાડ તરફ જોવું કઠીન બનતું જાય છે. બોલતાં બોલતાં ભારે શ્વાસ લેવાથી તેમનો અવાજ રૂંધાય છે. તેઓ કહે છે, “મને ચક્કર આવે છે.” તેમની તબિયતમાં આટલી ખરાબ રીતે કથળવા પાછળ તેઓ તેમના ઘરની નજીકની ફેક્ટરીઓના પ્રદૂષણને જવાબદાર માને છે.
નવાઈની વાત તો એ છે કે, તંકમ્માને તેમના પોતાના ભોજનમાં નાળિયેર ગમતાં નથી. તેઓ કહે છે, “મને નાળિયેરમાંથી બનાવેલી વાનગીઓ ગમતી નથી. જ્યારે હું પુટ્ટુ [ઉકાળેલા ચોખાની કેક] અથવા આયલા [મેકરેલ નામની માછળી] ની કઢી બનાવું છું, ત્યારે એકાદવાર હું તેનો ઉપયોગ કરું છું.” તેઓ તેનું ભૂસું બળતણ તરીકે વાપરે છે, અને કોપરાના સાટામાં તેઓ મિલો પાસેથી નાળિયેરનું તેલ લે છે. ફણગાવેલા બીજ તેમના પુત્ર કન્નનને બોન્સાઈની ખેતી માટે આપવામાં આવે છે.
જ્યારે તેમની તબિયત સારી રહેતી હતી, ત્યારે તંકમ્મા નાળિયેરની કાપણીના ચક્ર – 40 દિવસમાં એકવાર – સમયે જ નાળિયેર લેવા જતાં હતાં. તે સમયે, તેમને વધું નાળિયેર મળતાં હતાં. હવે નાળિયેર લેવા સમયસર જઈ શકાતું નથી, કારણ કે, ઇલૂર ખાતેના તેમના ઘરથી પુથિયા રોડ સુધીની મુસાફરી એમને કઠીન લાગે છે. બસ આવવાની રાહ જોતાં તેઓ કહે છે, “જ્યારે હું પુથિયા રોડ પર રહેતી હતી, ત્યારે આ બધું સરળ હતું. હવે મારા માટે 20 મિનિટની બસની સવારી કરવી અને પછી 15 મિનિટ ચાલવું પણ ખૂબ જ કઠીન થઈ પડે છે.”
તંકમ્મા પુથિયા રોડ જંકશનની આસપાસના વિસ્તારમાં પાંચ ભાઈ–બહેનો સાથે ઉછર્યાં હતાં. જે જમીન પર તેમનું પૈતૃક ઘર બાંધવામાં આવ્યું હતું, તે જમીન પાછળથી તેમના ભાઈઓ અને બહેનોમાં વહેંચવામાં આવી હતી. તંકમ્માનો હિસ્સો તેમના સ્વર્ગસ્થ પતિ વેલાયુતને વેચી કાઢ્યો હતો. તેમનું પોતાનું ઘર ન હોવાથી, તેમણે ઘણી વાર સ્થળાંતર કર્યું હતું – જેમાં તેઓ કેટલીકવાર પુથિયા રોડ પર, તો કેટલીકવાર એક પુલ નીચે તેમની બહેન સાથે રહેતાં હતાં. તેમનું હાલનું ઘર ઇલૂરમાં એસ.સી. કોલોનીમાં ત્રણ સેન્ટ જમીન (1306.8 ચોરસ ફૂટ) પર બાંધવામાં આવ્યું છે, જેને પંચાયત દ્વારા ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે પટ્ટયમ (પટ્ટેથી જમીન) તરીકે આપવામાં આવ્યું હતું.
તંકમ્મા અને વેલાયુતનને બે બાળકો છે – 34 વર્ષીય કન્નન, અને 36 વર્ષીય કાર્તિકા. વેલાયુતન પુથિયા રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં નાળિયેરના ઝાડ પર ચઢીને નાળિયેર તોડવાનું કામ કરતા હતા. કન્નન ત્રિશૂરમાં રહે છે અને તેમના સાસરિયાને ખેતીમાં મદદ કરે છે. તેમની પુત્રી, કાર્તિકા તેની ત્રણ વર્ષની પુત્રી વૈષ્ણવી સાથે નજીકમાં જ રહે છે, જેને તંકમ્મા લાડથી તક્કલી (ટામેટી) કહે છે. તેઓ કહે છે, ‘બાળકો સાથે રહેવામાં ખૂબ મજા આવે છે, પરંતુ સાથેસાથે તે થકવી નાખનારું અને કંટાળાજનક પણ હોય છે.’
*****
તેમના પલંગ પર કપડાંનો ઢગલો, કેટલાક કાગળો અને પાલતુ પોપટનું પાંજરું ગોઠવતાં તેઓ કહે છે, “મને હવે ચોખ્ખું નથી દેખાતું, તેથી હું હવે નાળિયેર શોધવા નથી જતી.” તંકમ્મા તેમના પોપટ તતુ સાથે એકલાં રહે છે. જો તેમના ઘેર કોઈ ચોર આવી જાય, તો તે અવાજ કરવા લાગે છે.
તેમના જૂના દિવસો યાદ કરતાં તેઓ કહે છે, “એકવાર મેં નજીકથી સાપ જતો જોયો હતો, એટલે હું ત્યાં ઊભી થઈ ગઈ હતી. તે મારા તૂટેલા ચપ્પલ પરથી સરકી ગયો હતો. હવે ન તો હું સાપને બરાબર જોઈ શકું છું, કે ન તો નાળિયેર શોધી શકું છું.” તેઓ કહે છે કે આ પાછળનું કારણ, તેમની નબળી પડી રહેલી દૃષ્ટિ છે. પોતાનું ગુજરાન ચલાવવા અસમર્થ તંકમ્મા, ન તો તેમની બીમારો માટે દવાઓ ખરીદી શકે છે, કે ન તો પોતે સારો ખોરાક ખાઈ શકે છે.
તેમના એક શુભેચ્છકને મળવા નીકળેલાં તંકમ્મા કહે છે, “મેં જે જે લોકો માટે કામ કર્યું છે તે બધા મને રોકડથી અને અન્ય રીતે મદદ કરે છે. પરંતુ તેમને મળવા જવું મારા માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.” ચાલીને આવાજ તેમના એક શુભેચ્છકને મળવા જતી વખતે, રસ્તામાં તેમને થાક અને તરસ લાગે છે. આ પરિસ્થિતિમાં તેઓ એક ટોફી ખાય છે, એ આશામાં કે તેમાં રહેલી ખાંડથી તેમને રાહત મળશે.
અનુવાદક: ફૈઝ મોહંમદ