કેહલ્યા વસાવે મચ્છરદાનીથી સજ્જ ખાટલા પર પોતાની પીઠ પર સુતેલા છે, દુઃખાવા અને બેચેની ના લીધે ઊંઘમાં અવાજ કરી રહ્યાં છે. એમની બેચેની જોતા એમની ૧૮ વર્ષીય દીકરી લીલાએ એમના પગની માલીશ કરવાની શરૂ કરી દીધી જેથી એમને થોડીક રાહત મળે.
કેટલાક મહિનાઓથી, તેઓ એ જ ખાટલા પર એક જ હાલત માં પડ્યા રહે છે – એમના ડાબા ગાલ પર એક ઘા છે અને જમણા નસકોરામાં ખાવાનું ખવડાવવા માટેની ટ્યુબ લગાવેલી છે. “તેઓ વધારે હલનચલન નથી કરતાં અને ન તો વાતચીત કરે છે. એમના ઘા માં દુઃખાવો થાય છે,” એમની પત્ની, ૪૨ વર્ષીય પેસરી જણાવે છે.
ચાલુ વર્ષે ૨૧ જાન્યુઆરીએ, ૪૫ વર્ષીય કેહલ્યાને ઉત્તર-પશ્ચિમી મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના ચિંચપાડા ખ્રિસ્તી હોસ્પીટલમાં ગાલની અંદરના કેન્સર (બુકલ મ્યુકોસા) વિષે ખબર પડી.
તેમની બીમારી – કેન્સર – સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૪૫થી ૫૯ વર્ષના વય વર્ગની રસીકરણ માટે યોગ્યતા ધરાવતી સૂચી પૈકીની ૨૦ બીમારીઓમાંથી એક હતી, જેની શરૂઆત ભારતમાં કોવીડ-૧૯ રસીકરણના બીજા તબક્કામાં, ૧ માર્ચથી કરવામાં આવી હતી. મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, રસીકરણમાં “ઉચિત વય વર્ગની શ્રેણીના નાગરિકો, શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારીથી પીડાતા ૪૫થી ૬૦ વર્ષના લોકો પાત્રતા ધરાવે છે.” (૧ એપ્રિલથી, ૪૫ વર્ષથી વધુ વયના બધાં લોકો માટે રસીકરણ ખુલ્લું કરી દેવામાં આવ્યું હતું, ભલેને એમને કોઈ બીમારી હોય કે ન હોય.)
પરંતુ કહલ્યા અને પેસરી માટે વયની સીમા, ગંભીર બીમારીઓની સૂચી કે પછી વિસ્તૃત પાત્રતા અર્થવિહીન છે. વસાવે પરિવાર – જેઓ ભીલ સમુદાયના છે, અને અનુસુચિત જનજાતિ પણ છે – રસી પ્રાપ્ત કરી શકે તેમ નથી. અક્રાની તાલુકામાં એમના કંપા કુંભારીથી, સૌથી નજીકનું રસીકરણ કેન્દ્ર, ધડગાવ ગ્રામીણ હોસ્પિટલ ૨૦ કિલોમીટર દૂર છે. “અમારે પગપાળા ચાલવું પડે છે. અન્ય કોઈ વિકલ્પ નથી,” પેસરી કહે છે.












