આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શનનો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
હોમ અગેઇન, હોમ અગેઇન…
હકીકતમાં તેમણે પહેલેથી જ રસોઈ કરી લીધી છે. તેઓ જીવનનિર્વાહ માટે ખજૂરના રસ પર પક્રિયા કરી ગોળ (કાકવી) બનાવીને વેચતા તમિલનાડુના એક પરિવારમાંથી છે. તેઓ ખૂબ મોટા વાસણમાં જે હલાવી રહ્યા છે તે એ જ સામગ્રી છે. તેમની એક નાનીસરખી ભૂલ પણ આ પરિવારની આગામી થોડા દિવસોની આવક છીનવી લઈ શકે છે.
આ કામ કરવામાં તેમને થોડો સમય લાગશે. રસોઈમાં પણ સમય લાગ્યો હતો. આખો દિવસ કોઈને કોઈ કામ કરતી વખતે તેમણે કલાકોના કલાકો ધુમાડો શ્વાસમાં લેતાં ગાળવા પડે છે. અને તેમને - એક મહિલા તરીકે - ફાળવવામાં આવેલા બીજા તમામ કામોમાં આ કામ સૌથી મહત્ત્વનું છે. ખૂબ જ નાની ઉંમરથી આ જવાબદારી તેમના પર લાદવામાં આવતી હોવાથી તેઓ - અને તેમના જેવા લાખો - ખૂબ નાની ઉંમરે અધવચ્ચે જ શાળા છોડી દે છે.









